૫૦ ધારાસભ્યોના સમર્થનનો એકનાથ શિંદેએ કરેલો દાવો

7

જે બાલાસાહેબની આઈડિયોલોજીને આગળ લઈ જવા માગે છે તે અમારી સાથે આવશે એવો એકનાથ શિંદેનો દાવો
મુંબઈ, તા.૨૪
મહારાષ્ટ્રની રાજકીય ઉથલ-પાથલ વચ્ચે શિવસેનાના બાગી નેતા એકનાથ શિંદેએ તેમને ૫૦થી વધારે ધારાસભ્યોનું સમર્થન હોવાનો દાવો કર્યો છે. તેમાં ૩૭થી વધારે ધારાસભ્યો શિવસેનાના છે. એકનાથ શિંદેના કહેવા પ્રમાણે ’જેમને અમારી ભૂમિકા પર વિશ્વાસ છે, જે બાલાસાહેબની આઈડિયોલોજીને આગળ લઈ જવા માગે છે, જેમને તે પસંદ છે તે અમારા સાથે આવશે.’ઉપરાંત ૧૨ બાગી ધારાસભ્યોને અયોગ્ય ઘોષિત કરવાની અરજીને ગેરકાયદેસર ગણાવતા કહ્યું હતું કે, અમે લોકો બહુમતમાં છીએ અને લોકશાહીમાં નંબરનું જ મહત્વ હોય છે. તેઓ આ પ્રકારે સસ્પેન્ડ ન કરી શકે. સાથે જ પલટવાર કરતા કહ્યું હતું કે, વ્હિપ ફક્ત વિધાનસભાના કાર્યો માટે જ લાગુ થાય છે. શિંદેએ ટિ્‌વટમાં લખ્યું હતું કે, ’તમે કોને ધમકી આપવાનો પ્રયત્ન કરી રહ્યા છો? અમે તમારી ચાલાકીઓને સમજીએ છીએ તથા કાયદાને પણ સમજીએ છીએ. બંધારણની ૧૦મી અનુસૂચિ પ્રમાણે વ્હિપ વિધાનસભાના કાર્યો માટે લાગુ થાય છે, કોઈ બેઠક માટે નહીં.’ગુવાહાટીમાં બેઠેલા એકનાથ શિંદેએ જણાવ્યું હતું કે, ઉદ્ધવ પોતે અલ્પમતમાં હોવાથી તેમને અયોગ્ય ન ઠેરવી શકે. સાથે જ તેમણે પોતે શિવસેનાની નોટિસોથી ડરતા નથી અને તેઓ ઈચ્છે તો આવી વધુ ૧૦ નોટિસ મોકલી શકે છે. શિંદેના કહેવા પ્રમાણે નિયમ પ્રમાણે તેઓ સાચા છે. તેમને શિવસેનાના ૩૭થી વધારે ધારાસભ્યોનો સપોર્ટ છે. મતલબ કે તેઓ ધારાસભ્ય દળના નેતા છે. ઉદ્ધવ ઠાકરે તેમને અયોગ્ય ન ઠેરવી શકે, તે ફક્ત ડરાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. સમય આવ્યે કાયદો તેમને સાથ આપશે.

Previous articleબળવાખોરોએ શિવસેનાને તોડવાનું કામ કર્યું છે : ઉદ્ધવ
Next articleસણોસરા ના ભુતીયા ગામે કચરા ના ઢગલા અને કડબ ના જથ્થા માં કોઈ કારણોસર અચાનક આગ લાગી