અંતે ઘીના ઠામમાં ઘી પડી ગયું!! (બખડ જંતર)

8

શીર્ષક વાંચીને શ્વેત ક્રાંતિ, ઓપરેશન ફલડ, સહકારી પ્રવૃતિ કે અમૂલ , ઝાઝા હાથ રળિયામણા કે વિના સહકાર નહીં ઉધ્ધાર ટાઇપના ટાયલા વાંચવાની અબળખા હોય તો અહીંથી વાંચવાનું છોડી દેજો. ?હું તમારી મનઘડંત કથા નથી લખવાનું તેમ સોઇ ઝાટકીને કહું છું.!!!
વડોદરાની એક અબળા સ્વપ્રયત્ને ઓટોગામી મેરેજ કરવાની જાહેરાત કરે છે.એટલામાં શાંત જળમાં કંકર ફેંકાય ને પાણીમાં વમળો સર્જાય તેમ ઉત્પાત શરુ થયો.
કોઇ કોડીલી કન્યા લગ્ન કરવાનો ઇરાદો વ્યક્ત કરે તો બધાએ અંતકરણથી વધાવી લઇને યત્કિંચિત મદદ કરવાની હોય. કોઈએ પાનેતર લઇ આવવાનું હોય.કોઈએ ઘરેણા લઇ આવવાના હોય. કોઈએ રામણદીવડો લઇ આવવાનો હોય. લગ્નના ઘણા કામો હોય છે. લગ્નમાં કન્યાના બાપને જાન વળાવવામાં ન આવે ત્યાં સુધી ટેન્શન હી ટેન્શન હૈ!! માળી, રસોઇયા, પિરસણીયા,મહારાજ, ફોટોગ્રાફર હાયર કરવા. કેટકેટલી જફા હોય છે!!!
લગ્નના ઘણા પ્રકાર છે. અમુક લોકો વરને બદલે તલવાર સાથે કન્યાને ત્રણ ફેરા ફેરવે છે અને એક ફેરો વરરાજા સાથે ફેરવે છે. આને ખાંડું ફેરવવું કહે છે. અમુક જગ્યાએ વરને બદલે વરની બેન સાથે નવોઢાના ફેરા ફેરવવામાં આવે છે. અમુક લગ્નોમાં માત્ર પુરૂષો જ જાનમાં જાય છે. લગ્નપ્રથા પ્રાચીનતમ પ્રથા છે!!
પુરૂષના સ્ત્રી સાથે,સ્ત્રીના સ્ત્રી સાથે, પુરૂષના પુરૂષ સાથે સ્ત્રીના ભગવાન સાથે ( દેવદાસી પ્રથા) લગ્ન થાય છે. અલબત, લેસ્બિયન અને ગે લગ્નો અમુકતમુક દેશોમાં કાનૂની નથી. નિકાહ એ કરારનામું છે. લીવ ઇન રીલેશન લગ્ન કર્યા વગર સહજીવન માણવાની સગવડ છે.
સોલોગૈની લગ્ન વિશે કૂતુહલ છે. ર્જર્ઙ્મખ્તટ્ઠદ્બઅ દ્બટ્ઠિિૈટ્ઠખ્તી ની શરૂઆત
ક્યારે થયેલી તે સળગતો સવાલ છે?આ પ્રકારના લગ્નનો ઈતિહાસ જૂનો છે. પ્રથમવાર સોલોગૈમીનો અસ્તિત્વ અમેરિકાથી મલ્યુ. વર્ષ ૧૯૯૩માં અમેરિકાની એક મહિલાએ પોતાનાથી લગ્ન કર્યા હતા. તે મહિલાનો નામ લિંડા બારકર હતો. લિંડાએ સેલ્ફ મેરેજ માટે ૭૫ મેહમાનોને આમંત્રણ આપ્યુ હતુ. ત્યારબાદ પશ્ચિમી દેશમાં સોલોગૈમીનો ટ્રેડ વધ્યુ હતું. આજનાં સમયમાં ફક્ત જાપાનમાં જ નહીં પરંતુ ઇટલી, ઓસ્ટ્રેલિયા, અમેરિકા, તાઇવાન અને બ્રિટનમાં સોલો વેડિંગનો ટ્રેન્ડ વધી રહ્યો છે. ઓસ્ટ્રેલિયાના સિડનીમાં રહેતી ૨૮ વર્ષીય પેટ્રીસીયા ક્રિસ્ટીન નામની યુવતીએ ગત વર્ષે પોતાની સાથે લગ્ન કર્યા હતા. પેટ્રીસીયા ટીચર છે. ૮ વર્ષ પહેલાં તેની સગાઈ તૂટી ગઈ હતી. તે સમયે દુઃખી થવાને કારણે પેટ્રીસીયાએ આગળ વધવાનો નિર્ણય કર્યો હતો અને પોતાની ફેવરિટ બનીને જિંદગી વિતાવવાનું નક્કી કર્યું હતું. ૨૦૧૪માં જાપાનની રાજધાની ક્યોટોમાં સેરેકા ટ્રાવેલ્સ નામની કંપનીઓએ યુવતીઓ માટે સોલો વેડિંગ પેકેજ પણ જાહેર કર્યા હતાં. સોલો વેડિંગમાં પેકેજમાં દુલ્હન બે દિવસ હોટલમાં રહે છે. દુલ્હનનો ડ્રેસ ફિટિંગ કરવામાં આવે છે, બેન્ક્‌વેટ હોલ ડિઝાઇન કરવામાં આવે છે. દુલ્હનને હેરસ્ટાઇલ અને મેકઅપ પણ કરી દેવામાં આવે છે. આ પછી, આખું ફોટોશૂટ થાય છે અને લગ્નનો આલ્બમ પણ તૈયાર કરીને આપવામાં આવે છે. ભોજન પીરસવામાં આવે છે, મહેમાનોને બોલાવવામાં આવે છે. બધા કામ એક્સપર્ટ્‌સ કરે છે, તે સંપૂર્ણપણે રિયલ વેડિંગ છે, બસ તેમાં કોઈ વર કે વહુ નથી.
આ પ્રકારના અટકચાળાનું કારણ શું !?સોલોગામીના સમર્થકો એવો દાવો કરે છે તેઓ પોતાની જાતને જ પ્રેમ કરે છે અને પોતાના મૂલ્યો સાથે ખુશીથી જીવન જીવવા માગે છે. આવા લોકો બીજી કોઇ વ્યક્તિના બદલે પોતાની જાતને જ જીવનસાથી તરીકે પસંદ કરે છે. મહિલાઓમાં સોલોગામી કેમ લોકપ્રિય? કેટલીક મહિલાઓને લાગે છે કે તે પોતાની જાત સાથે જેટલી ખુશ રહી શકે છે એટલી પોતાના પાર્ટનર સાથે નહીં રહી શકે અને આ કારણે તેઓ સોલોગામીનો વિકલ્પ પસંદ કરે છે.
આ પ્રકારના લગ્નથી વાસ્તવમાં સેંકડો સંબંધોનો ખુડદો બોલી જાય છે. નણંદ, જેઠાણી, દેરાણી, નણંદોઇ, પાટલા સાસુ, સાળી, સાળાવેલી વગેરે ઇતિહાસની ગર્તામાં ધકેલાઇ જાય છે. લગ્ન પછી કોના ઘરે ગૃહપ્રવેશ કરવો, અક્ષત ભરેલો કળશ ઢોળવો, કંકુના પાણી ભરેલ તાંસમાં પગ મુકી કંકુપગલા કરવા, દિવાલે છાપા મારવા વગેરે પ્રશ્રો વણઉકેલ્યા રહે છે!!દહેજ,ડોમેસ્ટિક વાયોલન્સ, વહુની પજવણી જેવી સમસ્યાનું નિર્મૂલન થાય છે. અજનબી કિસમનાસ્વજાત વિવાહમાં જાત સાથે ન ફાવે તો ફારગતી,લખણુ, છૂટાછેડા પણ થઇ શકે છે.તે માટે નાતનું પંચ બોલાવી ઘરમેળે( આમાં ઘર કયાંથી આવ્યું? લેખક મહાશય!!)કે કોર્ટમાં ડીવોર્સ પીટીશન ફાઇલ કરી વરસોના વરસ રાહ જોઇ યુવાનમાંથી આધેડ, પ્રૌઢ, વૃધ્ધ કે વયોવૃદ્ધ થવાની જરૂર નથી. ગયા વર્ષે એક સોલોગામી છૂટાછેડાની પણ જાણ કરવામાં આવી હતી જ્યારે બ્રાઝિલિયન મોડલ, ક્રિસ ગેલેરા (૩૩) એ જાહેરાત કરી હતી કે, તેણી માત્ર ૯૦ દિવસ પછી તેણીના સોલો-મેરેજને સમાપ્ત કરી રહી છે કારણ કે તેણી કોઈ અન્ય સાથે પ્રેમમાં પડી ગઈ હતી. આ લગ્ન કદાચ એલોપથી જેવા અકસીર ન હોય તો પણ આયુર્વેદની જેમ આડઅસર વિનાના હશે. સાથોસાથ હોમિયોપેથ જેવા નિરુપદ્રવી છે!!

વડોદરા શહેરની યુવતી ક્ષમા બિંદુએ પોતાની જાત સાથે લગ્ન કરવા જઈ રહી છે. તથા લગ્નની તમામ તૈયારીઓ પણ કરી દેવામાં આવી છે. તેવી જાહેરાત કરતાં વિરોધ તેજ થવા લાગેલો.કોઈ પણ મંદિરમાં લગ્ન નહીં કરવા દેવાની ચેતવણી પણ આપવામાં આવેલી. તમામ પ્રકારના વિરોધનું અતિક્રમણ કરીને વિરાંગનાએ નૂતન કેડી કંડારેલી છે!!
બિંદુએ પોતાની જ સાથે લગ્ન કરી લીધાં છે. તેણે ઇન્સ્ટાગ્રામ ઉપર આ બાબતની જાણકારી આપી છે. ગુરુવારે (૯ જૂન ૨૦૨૨) પોતાની દુલ્હનવાળી તસવીર પણ પોસ્ટ કરી હતી. તસ્વીર પોસ્ટ કરીને તેણે લખ્યું, “ખુદ સે મોહબબ્ત મેં પડ ગઈ, કલ મેં અપની હી દુલ્હન બન ગઈ.”હજુ આશ્ચર્યની વાત એ છે કે ક્ષમા હવે હનિમૂન પર પણ જશે. આ માટે તેણે ગોવા પર પસંદગી ઉતારી છે.
બિંદુ ઓટોગામી, સોલોગામી સ્વવિવાહમાં ખુશખુશાલ રહે એવી શુભકામનાઓ. સ્વવિવાહ છૂટાછેડામાં ન પરિણમે તેવી પણ શુભકામનાઓ!!

– ભરત વૈષ્ણવ

Previous articleઇશાન કિશન શ્રેષ્ઠ ટી ૨૦ રેન્કિંગે પહોંચ્યો, દિનેશ કાર્તિકે ૧૦૮ સ્થાનનો ’જમ્પ’ લગાવ્યો
Next articleગુજરાતના પ્રથમ સ્નાતક મહિલા શારદા મહેતાનો આજે જન્મ દિવસ