ગુજરાતના પ્રથમ સ્નાતક મહિલા શારદા મહેતાનો આજે જન્મ દિવસ

31

જાહેર પ્રવૃત્તિ, શિક્ષણ, લેખન અને સુધારક,સ્ત્રીત્વનું વીરલ સમન્વય : ’૨૧મી સદીમાં મહિલા સશકતીકરણનુ ઉતમ ઉદાહરણ.’
શારદા મહેતા એ ગુજરાતના પ્રથમ સ્નાતક મહિલા ,
ભારતીય સમાજ સુધારક, શિક્ષણ શાસ્ત્રી અને ગુજરાતી લેખિકા હતા. તેઓનો જન્મ ૨૬- જૂન ૧૮૮૨ ના રોજ અમદાવાદ મુકામે ન્યાયાધીશ ગોપીલાલ ધ્રુવ અને બાળાબેન નામના નાગર બ્રાહ્મણ પરિવાર માં થયો હતો.
તેઓ સમાજ સુધારક અને કવિ ભોળાનાથ દિવેટિયાની પૌત્રી હતા.તેમણે પ્રાથમિક શિક્ષણ રાયબાહાદુર મગનભાઈ ગર્લ્સ હાઇ સ્કૂલમાં કર્યું હતું. તેઓ ૧૮૮૭માં મહાલક્ષ્મી શિક્ષક તાલીમ કોલેજના ઍંગ્લો-સ્થાનિક ભાષા વર્ગમાં જોડાયા હતા.તેમણે ૧૯૦૧માં વિનયન સ્નાતક (બેચલર ઑફ આર્ટસ)ની પદવી પ્રાપ્ત કરી હતી. તેમની મોટી બહેન વિદ્યાગૌરી નીલકંઠ સાથે તેઓ ગુજરાતના પ્રથમ બે મહિલા સ્નાતકો બન્યા હતા.જે ૨૧ મી સદીમાં મહિલા સશકતીકરણ નુ ઉતમ ઉદાહરણ પૂરું પાડે છે. શિક્ષણ એક સમાન ઘોરણે મળવુ જોઈએ તે આ ઉપરથી કહી શકાય.
શારદાબહેન મહેતા એક સમાજ સુધારક તરિકે
સમાજ સુધારક તરિકે શારદાબહેને અમદાવાદમાં વનીતા વિશ્રામ મહિલા વિદ્યાલયની સ્થાપના કરી હતી.તેમણે એસ.એન.ડી.ટી. (કર્વે) વિમેન્સ યુનિવર્સિટી સંકળાયેલ કૉલેજની પણ સ્થાપના કરી હતી.તેઓ મહાત્મા ગાંધી દ્વારા પ્રભાવિત હતાં. તેમણે ૧૯૧૭માં બળજબરીથી શ્રમ પ્રથા (ગિરમીટિયા) સામે વિરોધ ઉઠાવ્યો હતો.૧૯૩૦માં તેમણે એક ખાદી દુકાનની સ્થાપના કરી અને ૧૯૩૪માં અમદાવાદ નજીક શેરથા ખાતે આવેલા તેમના પતિના આશ્રમમાં કામ કર્યું. ૧૯૩૪માં, તેમણે અપના ઘર કી દુકાન નામની એક સહકારી દુકાનની સ્થાપના કરી હતી. ૧૯૩૪માં તેમણે મહિલા કલ્યાણ માટે ’જ્યોતિ સંઘ’ની સ્થાપના કરી.વડોદરા ખાતે તેમણે ચીમનાબાઈ સ્ત્રીસમાજની સ્થાપનાકરી હતી અને મધ્યમ વર્ગની સ્ત્રીઓને સહેલાઇથી આશ્રય મળી શકે તેવી વ્યવસ્થા પણ કરી હતી.
સમાજસેવા
આઝાદીની લડતમાં કોંગ્રેસની પાંખ તરીકે સમાજસુધારા પરિષદ કાર્યરત હતી. શારદાબહેન તેમાં સક્રિય રીતે જોડાયેલા હતા. આ સંસ્થાના માધ્યમથી તેમણે દહેજપ્રથા, બાળલગ્ન, કન્યાવિક્રય, ભ્રણુહત્યા જેવા અનેક કુરિવાજોના ત્યાગ માટે અથાગ મહેનત કરી હતી. આઝાદીની લડત દરમિયાન તેમણે જેલવાસ પણ ભોગવ્યો હતો અને આઝાદી પછી મહિલા ઉત્કર્ષ માટે ચીમનાબાઈ સ્ત્રીસમાજ સહિત વિવિધ સંસ્થાઓની સ્થાપના કરી હતી.
શારદા બહેન મહેતા ની શિક્ષણ ક્ષેત્રે યોગદાન
ઇ.સ.૧૮૮૨માં જન્મેલાં શારદાબહેન ૧૯ વર્ષે બી.એ. થયાં. પારસી કે દક્ષિણી છોકરીઓ ત્યારે ભણતી હતી, પણ ગુજરાતી છોકરી ગ્રેજ્યુએટ થાય એવો વિદ્યાગૌરી-શારદાબહેનનો પહેલો કિસ્સો હતો. એટલે બી.એ.થવા બદલ સુધારાવાદી લોકોએ મુંબઇ-અમદાવાદમાં તેમનું સન્માન કરીને માનપત્ર આપ્યાં. શારદાબહેનના પતિ સુમંત મહેતા એ વખતે ઇંગ્લેન્ડમાં ડૉક્ટર તરીકેનો અભ્યાસ કરી રહ્યા હતા. ભણી રહ્યા પછી શારદાબહેનને ખાડિયામાં કન્યાઓની નિશાળ ખોલવાની ઇચ્છા થઇ. પોળોની ‘સંસ્કૃતિ’ અને તેના મહાન વારસાના નવેસરથી અને વાજબી ગુણગાન ગાતી વખતે એ પણ યાદ રહેવું જોઇએ કે ખાડિયાની ઘણી છોકરીઓ ભણવા તૈયાર હતી. પણ શારદાબહેનના શબ્દોમાં, ‘ઘરે જઇને વધામણી ખાધી એટલે ઠપકાનો વરસાદ વરસ્યો. તે વખતે નાગર, બ્રહ્મક્ષત્રિય જેવી ઉચ્ચ ગણાતી ન્યાતોમાં આ જ સ્થિતિ હતી. ખાડિયાનું વાતાવરણ ઠીક ન લાગવાથી રાયપુર તરફ પ્રયત્ન કર્યો. તેમાં થોડેક અંશે સફળતા મળી.
શારદા બહેન મહેતા એ ગુજરાતીમાં લખેલાં પુસ્તકો
‘પુરાણોની બાળબોધ વાર્તા સંગ્રહ’ (૧૯૦૬), ‘ફ્લૉરેન્સ નાઇટિંગેલનું જીવનચરિત્ર’ (૧૯૦૬), ‘ગૃહવ્યવસ્થાશાસ્ત્ર’ (૧૯૨૦), ‘બાળકનું ગૃહશિક્ષણ’ (૧૯૨૨) અને ‘જીવનસંભારણાં’ (૧૯૨૯). તેમણે મહારાણી ચીમનાબાઈના અંગ્રેજી પુસ્તકનો ગુજરાતીમાં ‘હિંદુ સમાજમાં સ્ત્રીનું સ્થાન’ નામથી અનુવાદ કર્યો છે.

આ. સી. ડૉ સચિન જે પીઠડીયા
G.E.S Class 2
સરકારી વિનયન કોલેજ ભેંસાણ

Previous articleઅંતે ઘીના ઠામમાં ઘી પડી ગયું!! (બખડ જંતર)
Next articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે