મુંબઈમાં ૧૪૪ની કલમ લાગુ : વિધાનસભામાં ડેપ્યુટી સ્પીકર નરહરિ સીતારામ જિરવાલે અનામી ઈ-મેઈલથી મોકલાયેલો પ્રસ્તાવ ફગાવ્યો
મુંબઈ, તા.૨૫
મહારાષ્ટ્રમાં ચાલી રહેલા રાજકીય સંકટ વચ્ચે વિધાનસભામાં ડેપ્યુટી સ્પીકર નરહરિ સીતારામ જિરવાલે શિંદેના જૂથ દ્વારા રજૂ કરવામાં આવેલા અવિશ્વાસના પ્રસ્તાવને ફગાવી દીધો છે. જાણવા મળ્યા મુજબ કોઈ અનામી ઈ-મેઈલના માધ્યમથી અવિશ્વાસનો આ પ્રસ્તાવ મોકલવામાં આવ્યો હતો. કોઈ પણ ધારાસભ્યએ તે પ્રસ્તાવને કાર્યાલયમાં જમા નહોતો કરાવ્યો. શિંદે જૂથના અવિશ્વાસ પ્રસ્તાવવાળા પત્ર પર કોઈ મૂળ હસ્તાક્ષર નહોતા. અવિશ્વાસનો પ્રસ્તાવ ફગાવી દેવા પાછળ ધારાસભ્યોના હસ્તાક્ષર અસલી ન હોવાનું કારણ આપવામાં આવ્યું છે. સાથે જ તેને શિવસેનાના લેટરહેડ પર મોકલવામાં આવ્યો હતો. જ્યારે વિધાનસભાના રેકોર્ડ પ્રમાણે શિવસેના ધારાસભ્ય દળના નેતા અજય ચૌધરી છે, એકનાથ શિંદે નહીં. તેવામાં શિંદે જૂથ હવે સુપ્રીમ કોર્ટ જવાની તૈયારીમાં છે. ડેપ્યુટી સ્પીકરે ઉદ્ધવ ઠાકરેના જૂથ દ્વારા આપવામાં આવેલી અયોગ્યતા અરજી પર શિવસેનાના ૧૬ બાગી ધારાસભ્યોને નોટિસ પાઠવી છે. નોટિસ મોકલવામાં આવી તે ધારાસભ્યોએ સોમવાર સાંજના ૫ઃ૦૦ વાગ્યા સુધીમાં તે નોટિસનો જવાબ આપવાનો રહેશે. શિવસેના ભવન ખાતે યોજાયેલી રાષ્ટ્રીય કાર્યકારિણી બેઠકમાં તબિયત ખરાબ હોવા છતાં પણ ઉદ્ધવ ઠાકરેએ મોરચો સંભાળ્યો છે. આ તરફ શિવસૈનિકોના બાગી ધારાસભ્યોના કાર્યાલયોમાં તોડફોડને પગલે પોલીસે મુંબઈમાં કલમ ૧૪૪ લાગુ કરી દીધી છે.