રાજ્યમાં ફિમેલ હેલ્થ વર્કરની અને મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર(પુરુષ) સંવર્ગની ૫૦૦૩ જગ્યાઓ માટે પરીક્ષાઓ સંપૂર્ણ પારદર્શી રીતે સંપન્ન : ફીમેલ હેલ્થ વર્કરની કુલ ૩૧૩૭ જગ્યાઓ માટે ૧૭૫૭૪ જેટલાં ઉમેદવારો એ પરીક્ષા આપી : મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર( પુરૂષ)ની ૧૮૬૬ જગ્યાઓ માટે ૪૦૯૬૦ જેટલા ઉમેદવારો એ પરીક્ષા આપી
પંચાયત,ગ્રામ ગૃહનિર્માણ અને શ્રમ અને રોજગાર રાજ્ય મંત્રીશ્રી બ્રિજેશ મેરજાએ જણાવ્યું હતું કે રાજ્યના યુવાનોને સરકારી સેવામાં જોડવા માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્યમાં સરકારી સેવામાટેની પરીક્ષાઓ સંપૂર્ણ પારદર્શી રીતે યોજાય એ માટે સધન આયોજન કરવામાં આવી રહ્યુ છે જેના ભાગરૂપે આજે રાજ્યમાં ફિમેલ હેલ્થ વર્કરની અને મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર(પુરુષ) સંવર્ગની પરીક્ષાઓ સફળતાપૂર્વક યોજાઈ હતી. પંચાયત મંત્રી બ્રિજેશ મેરજાએ ઉમેર્યુ કે,આજે સવારે ૧૧-૦૦ કલાકે યોજાયેલી ફીમેલ હેલ્થ વર્કરની કુલ ૩૧૩૭ જગ્યાઓ માટે કુલ ૨૦૯૪૧ ઊમેદવારોએ અરજી કરેલ હતી, જે પૈકી ૧૭૫૭૭ (૮૪%) ઉમેદવારોએ આજે લેખિત સ્પર્ધાત્મક પરીક્ષા આપી હતી. સમગ્ર પરીક્ષા શાંતિપૂર્ણ રીતે પારદર્શક વાતાવરણ માં સફળતાપૂર્વક સંપન્ન કરવામાં આવેલ છે. આ ઉમેદવારોની જવાબવહી (ઓ.એમ.આર.) શીટ નું સ્કેનિંગ પૂર્ણ કરી દેવામાં આવેલ છે અને ઓ.એમ. આર.શીટ સંબંધિત ઉમેદવારો જોઈ શકે અને પ્રિન્ટ લઇ શકે તે રીતે ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ ની વેબસાઈટ ઉપર અપલોડ કરવામાં આવેલ છે. જ્યારે, મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર( પુરૂષ)ની ૧૮૬૬ જગ્યાઓ માટે કુલ ૪૬૧૮૦ ઉમેદવારોએ અરજી કરેલ હતી, જે પૈકી આજે ૧૫-૦૦ કલાકે યોજાયેલ સ્પર્ધાત્મક પરીક્ષામાં ૪૦૯૬૦ (૮૯%) ઉમેદવારોએ આજે લેખિત સ્પર્ધાત્મક પરીક્ષા આપી હતી. રાજકોટ કેન્દ્ર ખાતે એક ઉમેદવાર મોબાઇલ સાથે પકડાયેલ છે, જેની સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવેલ છે. સમગ્ર પરીક્ષા શાંતિપૂર્ણ રીતે પારદર્શક વાતાવરણમાં સફળતાપૂર્વક સંપન્ન કરવામાં આવેલ છે. ઉમેદવારોની જવાબવહી (ઓ.એમ.આર.) શીટ નું સ્કેનિંગ ચાલી રહેલ છે, જે પૂર્ણ થયા બાદ તરત જ આ ઓ.એમ.આર.શીટ સંબંધિત ઉમેદવારો જોઈ શકે તે માટે ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ ની વેબસાઈટ ઉપર અપલોડ કરવામાં આવશે.