એકનાથ શિંદે સહિત તેના જૂથના ધારાસભ્યો ગુવાહાટીની એક હોટલમાં છે અને ત્યાં તમામ બેઠકો ચાલી રહી છે
મુંબઈ, તા.૨૬
મહારાષ્ટ્રમાં રાજકીય વર્ચસ્વની લડાઈ ચાલી રહી છે. એકનાથ શિંદે અને ઉદ્ધવ ઠાકરે જૂથ વચ્ચે શાબ્દિક પ્રહારો ચાલી રહ્યાં છે. શિવસેના સાંસદ સંજય રાઉતે આજે મીડિયા સાથે વાત કરતા એકનાથ શિંદે જૂથને ચેતવણી આપતા કહ્યું- અમે સંયમ બનાવી રાખ્યો છે બાકી હજારો શિવસૈનિક માત્ર અમારા એક ઈશારાની રાહ જોઈ રહ્યાં છે. હકીકતમાં એકનાથ શિંદે સહિત તેના જૂથના ધારાસભ્યો ગુવાહાટીની એક હોટલમાં છે અને ત્યાં તમામ બેઠકો ચાલી રહી છે. એકનાથ પોતાના જૂથની સાથે આજે પણ બેઠક કરી ઉદ્ધવ ઠાકરે દ્વારા ભરવામાં આવેલા પગલા સહિત આગળની રણનીતિ પર ચર્ચા કરશે. તો આ વચ્ચે સંજય રાઉતે મીડિયાને કહ્યું કે, તેને જે કરવાનું છે તે કરવા દો, મુંબઈ તો આવવું પડશે. તે ત્યાં બેસી અમને શું સલાહ આપી રહ્યાં છે? હજારો-લાખો શિવસૈનિક અમારા એક ઇશારાની રાહ જોઈ રહ્યાં છે, પરંતુ અમે હજુ સંયમ રાખ્યો છે. સંજય રાઉતે આગળ કહ્યુ- લોકો ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વવાળી શિવસેના પર વિશ્વાસ રાખશે. કાલે ઉદ્ધવ જીએ કહ્યુ કે જે લોકો બહાર ગયા છે તે શિવસેનાના નામનો ઉપયોગ ન કરે અને પોતાના બાપના નામનો ઉપયોગ કરી મત માંગે. તેમણે કહ્યું કે તમે બાલા સાહેબ ઠાકરેનો ફોટો લગાવશે, તમે બાલાસાહેબના ભક્ત છો કહેશો. બાલા સાહેબના ભક્તો આ રીતે પાછળથી પ્રહાર કરતા નથી.