ભજન-ભોજન-ભક્તિના ત્રિવેણી સંગમ સાથે પાળિયાદ માં આવેલ પ્રસિદ્ધ તીર્થ વિહળ ધામે આવતીકાલે અમાસી મેળો યોજાશે…

23

દર અમાસે હજારો ભક્તો ઠાકર ના દર્શન અને મહંત પૂ.નિર્મળાબા ના આશિર્વાદ લઈ મહાપ્રસાદ લઈ ધન્યતા અનુભવે છે..
બોટાદ જીલ્લામાં આવેલ પાળિયાદની પ. પૂ. શ્રી વિસામણબાપુની જગ્યામાં વર્ષોથી અમાસનો મેળો ભરાય છે. લાખો ભક્ત જનો ઠાકર વિહળાનાથના દર્શન તેમજ પ્રસાદનો પુણ્યલાભ પ્રાપ્ત કરે છે. અગાઉના સમયમાં મોટાભાગનો કારીગર અને મજુર વર્ગ અમાસનો અગતો પાળતો. એટલે એ દિવસે મોટાભાગે લોકોને હરિ દર્શન અને આનંદ પ્રમોદનો સમય મળતો. એ દિવસોમાં પાળિયાદ તીર્થધામ ખાતે અમાસનો મેળો ભરાવાની પરંપરાનો પ્રારંભ થયો. પરમ પૂજ્ય વિસામણબાપુની દેહાણ પરંપરાની આ જગ્યામાં ૨૨૭ વર્ષથી ધર્મની ત્રણ ધજાઓ ફરફરે છે – ભોજન , ભજન અને ભક્તિ. અહીં રોટલો અને ઓટલો બારે માસ, દિવસ ‘ને રાત મળી રહે એવી વ્યવસ્થા છે.

પૂજ્ય વિસામણબાપુએ અહીં વર્ષો પહેલાં ધી, ગોળ અને ચોખાના પ્રસાદનું સદાવ્રત શરૂ કરેલું. તે સમયથી આરંભાએલી અવિરત સેવાગંગા આજે વેગથી વહી રહી છે. અભિયાગતો માટે અન્નક્ષેત્રના દરવાજા નીત્ય ખુલ્લા રહે છે. પ્રત્યેક અમાસે અહીં લાખ સવાલાખ શ્રદ્ધાળુ ભક્તો, અતિથિઓ અને સેવકો
તેમ જ જરૂરતમંદ લોકો અહીં પ્રસાદનો લાભ લે છે. એ પરંપરામાં વર્ષોથી અહીં પૂજ્ય ઉનડબાપુ દ્વારા ભાવિકો માટે અમાસ ભરવી અને ભગવાન શ્રી રાઘવેન્દ્ર સરકાર અને ઠાકર વિહળાનાથનાં દર્શનના લાભનું મહાત્મ્ય વધાર્યું છે. જે કોઈ સેવકે ધજા અને રસોઈ લખાવેલ હોય, એમને દર અમાસે વારા પ્રમાણે લાભ મળે છે. અમાસના દિવસે ધજા અને રસોઈના યજમાન પરીવાર, સૌ પ્રથમ બ્રાહ્મણો દ્વારા ધજાનું પૂજન કરાવે છે. ત્યાર બાદ ઢોલ-નગારાં સાથે યજમાન પરીવારના સભ્યો વાજતે ગાજતે ઢોલ નગારાં સાથે ધજાને માથે ચડાવી, ધજાગરા પાસે આવે છે. જગ્યાના મહંત શ્રી નિર્મળાબા ધજાજીને વધાવે છે અને નમન કરી, માથે ચડાવે પછી ધજાને ધ્વજ દંડ પર ચડાવવામા આવે છે. આ કાર્યક્રમ દર અમાસના દિવસે હોય છે. આ દિવસે પાળીયાદમાં એક લોક મેળા જેવો માહોલ હોય છે. લોકો આવે છે પ્રભુ શ્રી રાઘવેન્દ્ર સરકાર અને ઠાકર વિહળનાથ ની સમાધિ સ્થાન દેવળે માથુ નમાવી માનતા કે પ્રાર્થના કરે છે. લોકો પાળિયાદના ઠાકરને “રોકડીયો ઠાકર” કહે આવે છે, જે ભાવિકજનનાં મનની ઈચ્છાને જલ્દી પૂરી કરે છે, એવી લોકમાન્યતા છે. હાલના મહંત શ્રી શ્રી ૧૦૦૮ મહામંડલેશ્વર નિર્માળાબા ઉનડબાપુના ચરણ સ્પર્શ કરી અને બાળઠાકર શ્રી પૃથ્વીરાજબાપુનાં દર્શન કરી, જગ્યાના સંચાલક અને અખિલ ભારતીય સંત સમિતિના કાયમી સદસ્ય પૂજ્ય શ્રી ભયલુબાપુનાં દર્શન કરીને વિસામણબાપુના ઓરડાનાં દર્શન અને પરચા પૂરતા પાણીના અવેડાનું જળ લઈને અહીંની ગૌસેવા માટે બનાવેલ શ્રી બણકલ ગૌશાળા કે જ્યાં ૬૫૦ થી વધુ ગાયો છે. રણુજા ના રાજા અને બારબીજના ધણી રામદેવપીરના અવતાર પૂજ્ય વિસામણબાપુને માનવામા આવે છે અને એના પુરાવા પણ છે અને હજારો પરચા પણ પુરેલા છે.
જેમને પાળીયાદ ના ઠાકર ની ઉપમા પણ છે અને રામદેવપીર ના વરદાન પ્રમાણે પેઢીએ પીર અને સવાયા પીર થશે એ વચનનું સત્ય પણ સમયે સમયે નજરે જોઇ શકાય છે.અમાસની આગળની રાત્રે પાળિયાદની આસપાસના પચાસ કિલોમીટરના વિસ્તારમાં ઠેકઠેકાણે પ્રસાદની કેન્ટીન બનાવાય છે. જ્યાં દર્શનાર્થે આવનાર યાત્રાળુઓ ચા પાણી નાસ્તો કરી, વિશ્રામ કરે છે. અમાસ નજીક છે, ત્યારે આવનાર યાત્રાળુઓની સુવિધા માટે તડામાર તૈયારીઓ ચાલી રહી છે.
તસવીર-વિપુલ લુહાર,બોટાદ

Previous articleશિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણીએ બાળકો સાથે હીચકા ખાઈ પોતાના બાળપણ યાદ આવ્યું
Next articleરાણપુર તાલકુાની ૩૬ સરકારી પ્રા.શાળાઓમાં ત્રણ દિવસીય કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ સંપન્ન.