રથયાત્રામા ૧૦૦થી વધુ ટ્રક, મીની ટ્રેન, નાસીક ઢોલ, તોપ, વિવિધ અખાડા મંડળી, હાથી, ઘોડા આકર્ષક જમાવશે ભાવેણાના રાજવી વિજયરાજસિંહજી કરાવશે પ્રસ્થાન : રથયાત્રા સમિતિ દ્વારા યોજાઇ પત્રકાર પરિષદ
આગામી તારીખ ૧ જુલાઈ ને શુક્રવારે ભાવનગર શહેરમાં નિકળનારી ભગવાન જગન્નાથજીની ૩૦મી રથયાત્રા અંગે આજે રથયાત્રા મહોત્સવ સમિતિ દ્વારા બોલાવાયેલી પત્રકાર પરિષદમાં માહિતી આપતા જણાવ્યું હતું કે રથયાત્રાના પ્રારંભે પૂજન, આરતી, પહિંદ વિધિ બાદ ભાવનગરના મહારાજા વિજયરાજસિંહજીના હસ્તે રથયાત્રાનું પ્રસ્થાન કરાવાશે આ પ્રસંગે યુવરાજ જયવીરરાજસિંહજી તથા રાજકીય આગેવાનો અને સાધુ સંતો સહિત વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહેશે. રથયાત્રામાં ૧૦૦ ઉપરાંત ટ્રક, ટ્રેકટર, વિવિધ અખાડા મંડળી, મીની ટ્રેન, વાદરા, નાસીક ઢોલ, તોપ વિગેરે આકર્ષણનું કેન્દ્ર રહેશે ઉપરાંત રથયાત્રાના રૂટ પર આગળ આગળ તાત્કાલિક કલાત્મક રંગોળી પણ બનાવાશે. નિર્ધારિત ૧૭.૫ કી.મી.ના રૂટ પર ઠેરઠેર રથયાત્રાનુ વિવિધ મંડળ, રાજકીય આગેવાનો તેમજ સંસ્થાઓ દ્વારા સ્વાગત કરાશે. સમગ્ર રૂટ પર પ્રસાદીનું વિતરણ કરવામાં આવશે.રથયાત્રા પૂર્વે લોકડાયરાનુ પણ આયોજન કરવામાં આવ્યું છે. અને સમગ્ર આયોજનમાં પોલીસ તંત્ર, મહાપાલીકા, વિવિધ સરકારી વિભાગ અને વહીવટી તંત્ર સહિત શહેરીજનોનો સંપૂર્ણ સહયોગ મળી રહ્યો હોવાનું રથયાત્રા સમિતિના અધ્યક્ષ હરૂભાઈ ગોડલીયા, મનસુખભાઇ પંજવાણી, અતુલભાઇ પંડ્યા, હરેશભાઇ ચાવડા, પાર્થભાઈ ગોડલીયા સહિતે જણાવ્યું હતું.