અયોગ્ય જાહેર કરનારી નોટિસ પર જવાબ આપવા માટે હવે ૧૨ જુલાઇ સુધીનો સમય આપવામાં આવ્યો
મુંબઈ,તા.૨૭
મહારાષ્ટ્ર વિધાનસભાના ડેપ્યુટી સ્પીકર દ્વારા શિવસેનાના ૧૬ બળવાખોર ધારાસભ્યોને મોકલવામાં આવેલી ગેરલાયકાતની નોટિસ સામે મંત્રી એકનાથ શિંદેની અરજી પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઇ હતી. સુપ્રીમ કોર્ટમાં એકનાથ શિંદે જૂથને મોટી રાહત મળી છે. તેમને અયોગ્ય જાહેર કરનારી નોટિસ પર જવાબ આપવા માટે હવે ૧૨ જુલાઇ સુધીનો સમય આપવામાં આવ્યો છે.સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ શિંદેએ ટ્વીટ કર્યું હતું કે આ હિન્દુત્વની જીત થઇ છે.બાલા સાહેબની શિવસેનાની જીત થઇ છે.શિંદે જૂથની અરજી પર સુપ્રીમ કોર્ટે ડિપ્ટી સ્પીકર નરહરિ જિરવાલ અને ધારાસભ્યોના અલ્પસંખ્યક જૂથ દ્વારા શિવસેના વિધાયક દળના નેતા પસંદ થયેલા અજય ચૌધરીને નોટિસ આપી છે. કોર્ટે ડિપ્ટી સ્પીકરને બધા દસ્તાવેજો કોર્ટમાં જમા કરાવવાનો આદેશ આપ્યો છે. બધા પક્ષોએ ત્રણ દિવસમાં જવાબ આપવાનો છે અને સોગંદનામું દાખલ કરવાનું છે. એકનાથ શિંદે જૂથે સુપ્રીમ કોર્ટમાં દાખલ કરેલી પોતાની અરજીમાં કહ્યું કે મહાવિકાસ અઘાડી ગઠબંધને સદનમાં બહુમત ગુમાવી દીધું છે. કારણ કે શિવસેના વિધાયક દળના ૩૮ ધારાસભ્યોએ પોતાનું સમર્થન પાછું ખેચી લીધું છે. આ સિવાય એકનાથ શિંદેને મહારાષ્ટ્ર વિધાનસભામાં વિધાયક દળના નેતા પદથી હટાવીને અજય ચૌધરીની નિમણુક કરવાને લઇને પડકાર આપ્યો છે. ધારાસભ્યોના પરિવારોની સુરક્ષાની પણ માંગણી કરવામાં આવી છે.આ પહેલા એકનાથ શિંદેએ ટિ્વટ કર્યું છે કે તે આને પોતાની નિયતિ માનશે ભલે તેમણે હિન્દુત્વનું પાલન કરવા માટે મરવું પણ પડે. આ સિવાય એકનાથ શિંદેએ કહ્યું કે બાલાસાહેબ ઠાકરેની શિવસેના તે લોકોનું સમર્થન કેવી રીતે કરી શકે જેમનો મુંબઈ બોમ્બ વિસ્ફોટના દોષિતો, દાઉદ ઇબ્રાહિમ અને મુંબઈના નિર્દોષ લોકોના જીવ લેવા માટે જવાબદાર લોકો સાથે સીધો સંબંધ હતો. જેથી અમે આ પગલું ભર્યું છે, મરવું પણ સારું છે. આ પહેલા સંજય રાઉતે એકનાથ શિંદે જૂથ પર પ્રહાર કરતા કહ્યું હતું કે આ જે ૪૦ લોકો ગુવાહાટી ગયા છે તેમની બોડી જ અહીં આવશે, આત્મા નહીં આવે. રાઉતે કહ્યું કે તે ત્યાં તડપી રહ્યા છે. જ્યારે આ બળવાખોર ધારાસભ્યો મુંબઈ ઉતરશે તો તે મનથી જીવિત નહી રહે, તેમની બોડી પોસ્ટમોર્ટમ માટે સીધી મહારાષ્ટ્ર વિધાનસભા જશે. તેમને ખબર છે કે આ જે આગ લગાવી છે તે આગમાં શું થઇ શકે છે. મુંબઈ આવીને જુઓ, મારી ચેલેન્જ છે. મહારાષ્ટ્રના ઉચ્ચ શિક્ષા મંત્રી ઉદય સામંત એકનાથ શિંદે કેમ્પમાં ચાલ્યા જતા હવે ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વવાળી મહાવિકાસ અઘાડી સરકારમાં શિવસેવા પાસે ફક્ત ૩ મંત્રી વધ્યા છે. અત્યાર સુધી એમવીએ સરકારમાં સામેલ શિવસેનાના ૮ મંત્રી એકનાથ શિંદેનું સમર્થન કરી ચૂક્યા છે. શિવસેનાના બળવાખોર ધારાસભ્ય દિપક કેસરકરે કહ્યું કે એકનાથ શિંદે જૂથ મહારાષ્ટ્ર વિધાનસભામાં શક્તિ પરિક્ષણનો સામનો કરવા માટે તૈયાર છે. જોકે તેને શિવસેના જૂથના રૂપમાં માન્યતા મળ્યા બાદ જ થશે. તેમણે કહ્યું કે એક વખત તેમની સંખ્યા ૫૧ થયા પછી તે મુંબઈ પરત ફરવાનો નિર્ણય કરશે. એકથી બે ધારાસભ્યો હજુ આવશે અને અમારી સાથે જોડાશે. તેમના અને અપક્ષના સમર્થનથી ઉમેદવારોની સંખ્યા ૫૧ થઇ જશે. મહારાષ્ટ્રમાં હવે સરકારના પતનનો ખેલ શરુ થયો છે. સુપ્રીમ કોર્ટે શિંદે જૂથને ૧૧ જુલાઈ સુધી રાહત આપી દેતા હવે રાજ્યમાં ગમે ત્યારે એમવીએ સરકારનું પતન થઈ શકે છે. સુપ્રીમની રાહત બાદ શિંદે છાવણી ટૂંક સમયમાં રાજ્યપાલને મળીને એમવીએ સરકારમાંથી સમર્થન પાછું ખેંચવાની જાહેરાત કરી શકે છે. આ માટે શિંદે છાવણી રાજ્યપાલ ભગતસિંહ કોશિયારી સાથે મુલાકાત પણ કરી શકે છે. એકનાથ શિંદેની આગેવાની વાળી શિવસેનાની બાગી છાવણી હવે ગમે ત્યારે રાજ્યપાલ ભગતસિંહ કોશિયારીને મળીને એમવીએ સરકારમાંથી ગઠબંધન પાછું ખેંચવાની જાહેરાત કરી શકે છે. જો આવું થાય તો રાજ્યપાલ ઉદ્ધવ સરકારને બહુમતી સાબિત કરવાનું કહેશે અને ઉદ્ધવ સરકાર પાસે બહુમતી ન હોવાથી તેનું પતન થઈ જશે.
મહારાષ્ટ્ર રાજકીય સંકટમાં સુપ્રીમ કોર્ટે એક મહત્વનો આદેશ આપ્યો છે. શિવસેનાના બાગી જૂથની અરજી પર સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે તેમની ગેરલાયકતાની અરજી ૧૧ જુલાઈ સુધી મોકૂફ કરી દીધી છે એટલે હવે ડેપ્યુટી સ્પીકર ૧૧ જુલાઈ સુધી બાગી ધારાસભ્યોને અયોગ્ય નહીં ઠેરવી શકે. સુપ્રીમે મહારાષ્ટ્ર સરકારને તમામ ધારાસભ્યોને તાત્કાલિક સુરક્ષા પૂરી પાડવાનો આદેશ આપ્યો છે. સુપ્રીમ કોર્ટે પોતાના ચુકાદામાં કહ્યું હતું કે, રાજ્ય સરકારે કાયદો અને વ્યવસ્થા જાળવવી જોઈએ અને તમામ ૩૯ ધારાસભ્યોના જીવન અને સ્વતંત્રતાની રક્ષા માટે પર્યાપ્ત પગલાં લેવા જોઈએ. તેમની સંપત્તિને કોઈ નુકસાન થયું નથી. અરજી પર સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટની ખંડપીઠે શિંદે છાવણીને એવું પણ કહ્યું કે જો ફ્લોર ટેસ્ટ દરમિયાન તેમને કંઈ પણ અજુગતું લાગે તો તેઓ બેધડક કોર્ટમાં ચાલ્યા આવે. કોર્ટ તેમની વાત સાંભળશે. સુપ્રીમે વચગાળાનો એક આદેશ આપતા એકનાથ શિદે અને બાગી ધારાસભ્યોને ૧૧ જુલાઈ સુધી તેમનો જવાબ રજૂ કરવાની મંજૂરી આપી છે.