રાષ્ટ્રપતિ પદ માટે યશવંત સિંહાનું વિપક્ષી ઉમેદવાર તરીકે નામાંકન

7

રાહુલ ગાંધી અને શરદ પવાર સહિતના અનેક પ્રમુખ વિપક્ષી નેતાઓ આ પ્રસંગે ઉપસ્થિતિ રહ્યા હતા
નવી દિલ્હી, તા.૨૭
આગામી ૧૮ જુલાઈના રોજ રાષ્ટ્રપતિ પદની ચૂંટણી યોજાવા જઈ રહી છે. તેમાં વિપક્ષના સંયુક્ત ઉમેદવાર એવા યશવંત સિંહાએ આજે રાહુલ ગાંધી અને શરદ પવાર સહિતના અનેક પ્રમુખ વિપક્ષી નેતાઓની ઉપસ્થિતિમાં નામાંકન દાખલ કર્યું હતું. યશવંત સિંહાએ નામાંકન પત્રોના ૪ સેટ રાજ્યસભાના મહાસચિવ પી. સી. મોદીને સોંપ્યા હતા. પી. સી. મોદી રાષ્ટ્રપતિની ચૂંટણી માટેના ચૂંટણી અધિકારી છે. આ પ્રસંગે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ શરદ પવાર, રાજ્યસભામાં વિપક્ષ નેતા મલ્લિકાર્જુન ખડગે, રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત, કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશ, સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવ, દ્રમુક નેતા એ રાજા તથા નેશનલ કોન્ફરન્સના નેતા ફારૂક અબ્દુલ્લા ઉપસ્થિત રહ્યા હતા.
આ સાથે જ તૃણમૂલ કોંગ્રેસના મહાસચિવ અભિષેક બેનર્જી, તેલંગાણા રાષ્ટ્ર સમિતિના નેતા કે.ટી. રામા રાવ, માર્ક્‌સવાદી કોમ્યુનિસ્ટ પાર્ટીના મહાસચિવ સીતારામ યેચુરી, ભારતીય કોમ્યુનિસ્ટ પાર્ટીના મહાસચિવ ડી રાજા, રાષ્ટ્રીય જનતા દળના સાંસદ મીસા ભારતી, રિવોલ્યુશનરી સોશિયાલિસ્ટ પાર્ટીના નેતા એન.કે. પ્રેમચંદ્રન, રાષ્ટ્રીય લોક દળના અધ્યક્ષ જયંત ચૌધરી તથા અન્ય કેટલાક વિપક્ષી નેતા પણ ઉપસ્થિત રહ્યા હતા. ટીઆરસીના નેતા પણ ઉપસ્થિત રહ્યા તે વિપક્ષ માટે મહત્વપૂર્ણ બાબત છે પરંતુ કોંગ્રેસનો સહયોગી એવો ઝારખંડ મુક્તિ મોર્ચો નામાંકનથી દૂર રહ્યો હતો. એવું માનવામાં આવે છે કે, ઝામુમો દ્વારા હજુ વિપક્ષના ઉમેદવાર કે રાજગ (દ્ગડ્ઢછ)ના ઉમેદવારમાંથી કોનું સમર્થન કરવું તેનો નિર્ણય નથી લેવાયો. નામાંકન દાખલ કર્યા બાદ સિંહાએ સંસદ ભવન પરિસરમાં મહાત્મા ગાંધી તથા ભીમરાવ આંબેડકરની પ્રતિમાઓને માળા પહેરાવી હતી. રાહુલ ગાંધીએ મીડિયા સાથેની વાતચીત દરમિયાન જણાવ્યું કે, સમગ્ર વિપક્ષ યશવંત સિંહાને સમર્થન આપી રહ્યું છે. આ વિચારણીય લડાઈ છે. એક બાજુ નફરત છે અને એક બાજુ ભાઈચારો. જ્યારે સીપીએમ નેતા સીતારામ યેચુરીએ જણાવ્યું કે, આજે જે સ્થિતિ છે તે બંધારણની રક્ષાનો મુદ્દો છે. અટલ બિહારી વાજપેયીના નેતૃત્વવાળી રાજગ સરકારમાં નાણા અને વિદેશ મંત્રી તરીકેના મહત્વના પદો પર રહી ચુકેલા સિંહા આગામી ૨૮મી જૂનના રોજ તમિલનાડુથી પોતાનું ચૂંટણી પ્રચાર અભિયાન શરૂ કરે તેવી શક્યતા છે.

Previous articleસંજય રાઉતને જમીન કૌભાંડ કેસમાં ઈડી સમક્ષ હાજર થવાની નોટિસ
Next articleસેન્સેક્સમાં ૪૩૩, નિફ્ટીમાં ૧૩૩ પોઈન્ટનો ઊછાળો