બગડ નદીમાં ઘોડાપુર આવ્યા, એક જ વરસાદમાં બગડ ડેમ છલકાયો અત્ર તત્ર સર્વત્ર પાણી… પાણી… કરી દેતા મેઘરાજા, ખેતરો તળાવમાં ફેરવાયા
મહુવા તાલુકાના બગદાણા અને આજુબાજુના પંથકમાં વીજળીના કડાકા-ભડાકા અને સુસવાટા મારતા પવન સાથે મંગળવારે મેઘરાજાએ અષાઢના આગમન પહેલા જ અષાઢી ઈનિંગ ખેલતા સુપડાધાર છ ઈંચ વરસાદ ખાબકી ગયો હતો. મેઘરાજાની અનરાધાર વરસાદના કારણે બગડ નદીમાં ઘોડાપૂર આવતા બે કાંઠે પાણી વહ્યાં હતા. ગ્રામ્ય વિસ્તારોમાં શ્રીકાર મેઘમહેર થતાં વરસાદની ચાતક નજરે રાહ જોતા ધરતીપુત્રો ખુશખુશાલ થઈ ગયા હતા. બગદાણા પંથક ઉપરાંત ગારિયાધાર, જેસર, તળાજા અને ભાવનગરમાં પણ ઝરમરથી લઈ અડધો ઈંચ વરસાદ વરસ્યો હતો. બગદાણામાં મંગળવારે મેઘરાજાની પધરામણી થઈ હતી. બપોરે ૧૨-૩૦ વાગ્યા આસપાસ વીજળીના કડાકા-ભડાકા અને સુસવાટા મારતા પવન સાથે સુપડાધાર વરસાદ શરૂ થયો હતો. જેના કારણે સાંજના છ વાગ્યા સુધીમાં અંદાજે છ ઈંચ જેટલું પાણી ખાબકી ગયું હતું. મોડી સાંજ બાદ પણ બગદાણામાં મેઘમહેર જારી રહી હતી. અનરાધાર વરસાદના પગલે બગદાણામાં આવેલી બગડ નદી બે કાંઠે વહી હતી. જ્યારે આજુબાજુના કરમદિયા, માતલપર, બેડા, મોણપર, નવાગામ (રતનપર), ટીટોડિયા, ધરાઈ, રાળગોન, બોરડા સહિતના ગામડાઓમાં પણ ધોધમાર વરસાદ થયો હતો. વરસાદના પગલે ખેતરો પાણીથી તરબતર થઈ જતા ખેડૂતોએ હર્ષની લાગણી અનુભવી હતી. જ્યારે પ્રથમ વરસાદમાં જ બગડ ડેમ છલકાઇ ગયો હતો.
તળાજામાં ૧, ગારિયાધારમાં અડધો ઇંચ વરસાદ પડ્યો
ભાવનગર જિલ્લાના તળાજા, મહુવા, ગારિયાધાર સહિત પંથકમાં ગઇકાલે મંગળવારે હળવાથી ભારે વરસાદ પડ્યો હતો જેમાં તળાજા પંથકમાં એકાદ ઇંચ જેટલો તેમજ ગારિયાધાર પંથકમાં અડધો ઇંચ વરસાદ પડ્યો હતો. આ ઉપરાંત જેસર પંથકમાં પણ વરસાદના હળવા-ભારે ઝાપટા પડ્યા હતાં જેની સાથે વાતાવરણમાં ઠંડક ફેલાઇ જવા પામી હતી. ભાવનગર શહેરમાં છેલ્લા ત્રણેક દિવસથી વરસાદી વાદળો બંધાઇ રહ્યા છે પરંતુ મન મુકીને વરસતા નથી. ગઇકાલે પણ સવારથી વાદળો ઘેરાયા હતા અને બપોરના સમયે વરસાદ શરૂ પણ થયો હતો પરંતુ થોડીવારમાં જ હળવો વરસાદ પડી વાદળો વિખેરાઇ જવા પામ્યા હતાં. આમ શહેરમાં ગોરંભાયેલા વાદળો વરસ્યા ન હતા અને લોકોને બફારાનો અનુભવ થયો હતો.