બિહારમાં વીજળી પડવાથી એક જ દિ’માં ૨૨નાં મોત

19

ચોમાસામાં બિહારમાં આકાશમાંથી આફતનો વરસાદ : સીએમ નીતીશે મૃતકોના આશ્રિતોને તાત્કાલિક ૪-૪ લાખ રૂપિયાની આર્થિક સહાયતા આપવાનો નિર્દેશ આપ્યો
પટણા,તા.૨૯
બિહારમાં ચોમાસાની સિઝન દરમિયાન આકાશમાંથી આફતનો વરસાદ થઈ રહ્યો છે. રાજ્યના અલગ-અલગ જિલ્લાઓમાં મંગળવારે વીજળીના કહેરથી ૨૨ લોકોના મોત થયા છે.
સૌથી વધારે સારણમાં ૫ લોકોના મોત થયા છે. ભોજપુરમાં ૪ લોકોના મોત થયા છે. આ ઉપરાંત બક્સર, નવાદા, પશ્ચિમી ચંપારણ, પૂર્વી ચંપારણ, મુઝફ્ફરપુર, અરરિયા, અને બાંકા જિલ્લામાં પણ વીજળીની લપેટમાં આવવાથી લોકોના મોત થયા છે. સારણમાં મૃતક ૫ લોકોમાં માતા-પુત્રી પણ સામેલ છે. ભોજપુર જિલ્લાના મુફસ્સિલ, ટાઉન, પીરો અને સંદેશ વિસ્તારમાં મંગળવારે વીજળીનો કહેર જોવા મળ્યો હતો. ત્યાં કુલ ૪ લોકોના વીજળીની લપેટમાં આવવાથી મોત થઈ ગયા હતા. બક્સર અને નવાદા જિલ્લામાં પણ અલગ-અલગ સ્થળો પર એક-એક વ્યક્તિનું મૃત્યુ થયું છે. પૂર્વી ચંપારણ જિલ્લાના પલનવા, છૌડદાનો અને સુગૌલીમાં પણ મંગળવારે વીજળી પડી હતી. આ બંને જિલ્લાઓમાં ૨ બાળકો સહિત ૬ લોકોના મોત થયા હતા. મુઝફ્ફરપુર જિલ્લામાં વીજળીની લપેટમાં આવવાથી ૨ લોકોના મોત થઈ ગયા હતા. અરરિયા જિલ્લાના નરપતગંજ અને પલાસીમાં એક-એક વ્યક્તિનું મોત થયું છે.
બાંકા જિલ્લાના શંભુગંજમાં વીજળી પડવાથી એક વ્યક્તિનું મોત થયું છે. મુખ્યમંત્રી નીતીશ કુમારે મંગળવારે રાત્રે વીજળીની લપેટમાં આવનાર લોકોના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું કે, તેઓ આપત્તિની આ ઘડીમાં પીડિત પરિવારોની સાથે છે. સીએમ નીતીશે બધા મૃતકોના આશ્રિતોને તાત્કાલિક ૪-૪ લાખ રૂપિયાની આર્થિક સહાયતા આપવાનો નિર્દેશ આપ્યો છે. આ સાથે જ તેમણે ખરાબ હવામાનમાં લોકોને સાવધાની રાખવાની વિનંતી કરી છે.

Previous articleવાલ્મીકિ સમાજ ના તેજસ્વી તારલાઓ નો સન્માન કાર્યક્રમ યોજાયો.
Next articleમહારાષ્ટ્ર રાજનીતિક સંકટ : ઉદ્ધવ સરકારે કાલે સાબિત કરવો પડશે વિશ્વાસમત