નવીદિલ્હી,તા.૨૯
દેશમાં મોઘવારીએ માઝા મુકી છે,જીવનજરૂરિયાતની ચીજવસ્તુઓના ભાવ આસમાને પહોંચ્યા છે, હવે પ્રજાને ફરી મોંઘવારીની માર સહન કરવી પડશે્ કારણ કે જીએસટી કાઉન્સિલે કેટલાક બિનબ્રાન્ડેડ પેકેજ્ડ ફૂડ આઇટમ્સ સહિત અનેક માલસામાન અને સેવાઓ પર મુક્તિ દૂર કરવા માટે મંત્રીઓની પેનલની ભલામણોને સ્વીકારી હતી. જીએસટી કાઉન્સિલે ઘણી સેવાઓ પર છૂટ પાછી ખેંચવાનો નિર્ણય લીધો છેમીટ, ફિશ, દહીં, પનીર અને મઘ, ડ્રાઇડ મખના, ઘઉં જેવી પ્રિ-પેક્ડ અને લેબલ્ડ ફુડ આઇટમ જેવી ફૂડ આઇટમ પર હવે ૫ ટકા જીએસટી લાગુ કરવામાં આવશે. આ ઉપરાંત ચેક જારી કરવા માટે બેન્ક દ્વારા લેવામાં આવતા ચાર્જ પર પણ ૧૮ ટકા જીએસટી લાગુ પડશે. ટેક્સ માફી પાછા ખેંચી લેવાની રાજ્યોના પ્રધાનોના ગ્રૂપની મોટાભાગની ભલામણોને જીએસટી કાઉન્સિલે સ્વીકારી હોવાથી આ તમામ ફૂડ આઇટમ મોંઘી બનશે. નકશા અને ચાર્ટ પર પણ ૧૨ ટકા ટેક્સ લાગુ પડશે. જોકે પેકિંગ, લેબલ કે બ્રાન્ડ વગરની આઇટમ પર જીએસટી લાગુ પડશે નહીં. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સિતારમણના અધ્યક્ષતા હેઠળની બેઠકમાં જીએસટી રજિસ્ટ્રર્ડ બિઝનેસ માટે નિયમ પાલનની સંખ્યાબંધ પ્રોસિજરને બહાલી આપવામાં આવી છે. જૂન ૨૦૨૨ પછી પણ રાજ્યોને વળતર આપવાના તથા કેસિનો, ઓનલાઇન ગેમિંગ અને હોર્સ રેસિંગ પર ૨૮ ટકા જીએસટી લાદવાના મહત્ત્વના મુદ્દાની બુધવારે ચર્ચાવિચારણા થશે. કર્ણાટકના મુખ્યપ્રધાન બસવરાજ એસ બોમ્બાઇના વડપણ હેઠળ રાજ્યના નાણાપ્રધાનોના ગ્રૂપના વચગાળાના અહેવાલને કાઉન્સિલે સ્વીકાર્યો છે. આ અહેવાલમાં ઇન્વેર્ટેડ ડ્યુટી સ્ટ્રક્ચરમાં સુધારો તથા કેટલીક આઇટમ પરની ટેક્સ માફીને દૂર કરવાની ભલામણ કરાઈ છે. પ્રધાનોના ગ્રૂપે સંખ્યાબંધ સર્વિસિસ માટે જીએસટી માફીને પાછી ખેંચી લેવાનું સૂચન કર્યું છે. હાલમાં દૈનિક શ્૧,૦૦૦થી ઓછા ભાડાના હોટેલ એકોમોડેશન પર જીએસટી લાગુ પડતો નથી, જેના પર હવે ૧૨ ટકા ટેક્સ લાગુ પડશે. પ્રધાનોના ગ્રૂપે હોસ્પિટલ રૂમનો ચાર્જ દૈનિક શ્૫,૦૦૦થી વધુ હોય તેવા કિસ્સામાં રૂમ ભાડા પર ૫ ટકા જીએસટીની ભલામણ કરી છે. જોકે તેમાં આઇસીયુનો સમાવેશ થતો નથી. પ્રધાનોના ગ્રૂપે પોસ્ટકાર્ડ અને ઇનલેન્ડ લેટર્સ સિવાયની પોસ્ટ ઓફિસની તમામ સેવાઓ પર ટેક્સ લાદવાની ભલામણ કરી છે. આ ઉપરાંત ચેક (લૂઝ કે બુકના સ્વરૂપ)માં ૧૮ ટકા ટેક્સ લાદવાની ભલામણ કરી છે. ગોલ્ડ, જ્વેલરી અને કિંમતી સ્ટોનના આંતરરાષ્ટ્રીય હેરફેર માટેના ઇ-વે બિલના સંદર્ભમાં કાઉન્સિલે ભલામણ કરી છે કે ઇલેક્ટ્રોનિક બિલને ફરજિયાત બનાવવાની મર્યાદા નક્કી કરવા અંગે રાજ્યો નિર્ણય કરશે.