સવારે મંગળા આરતી બાદ ભગવાનની મૂર્તિઓને રથમાં બિરાજમાન કરી પૂજા-વિધિ બાદ સોનાના સાવરણાથી છેડાપોરા અને પહિન્દ વિધિ થઇ : રાજવી વિજયરાજસિંહ ગોહિલ, શિક્ષણમંત્રી જીતુભાઇ વાઘાણી, મેયર કિર્તીબેન દાણીધારિયા તથા પૂ.સંતો-મહંતોએ રથનું દોરડું ખેંચી યાત્રાનું કરાવ્યું પ્રસ્થાન
ભાવનગરમાં આજે ભગવાન જગન્નાથજીની રથયાત્રાનું દબદબાભેર પ્રસ્થાન થયું હતું. સુભાષનગર સ્થિત ભગવાનેશ્વર મહાદેવ મંદિરથી સવારે પૂજાવિધિ બાદ ભગવાનને રથમાં બિરાજમાન કરાયા હતાં બાદમાં સોનાના સાવરણાથી છેડાપોરા વિધિ અને પહિન્દ વિધિ સંપન્ન થઇ હતી. આ પ્રસંગે રથયાત્રા સમિતિના અધ્યક્ષ હરૂભાઇ ગોંડલીયા, પૂર્વ સાંસદ રાજુભાઇ રાણા તથા ઉપસ્થિત સાધુ-સંતોએ પ્રાસંગિક પ્રવચન કર્યું હતું. બાદમાં રથયાત્રાનું દબદબાભેર પ્રસ્થાન કરાવ્યું ત્યારે જય જગન્નાથનો નાદ ગુંજી ઉઠ્યો હતો. વચ્ચે બે વર્ષ કોરોનાના કારણે રથયાત્રામાં ભક્તો જોડાઇ શક્યા ન હતા આથી આ વર્ષે ભાવિકોમાં ઉત્સાહ જબ્બર જોવા મળ્યો હતો. સુભાષનગરથી પોલીસના લોખંડી બંદોબસ્ત વચ્ચે ભગવાનના રથનું પ્રસ્થાન થયા બાદ નિયત રૂટ પર રથયાત્રા આગળ ધપી હતી. સ્વ.ભીખુભાઇ ભટ્ટ પ્રેરિત જગન્નાથજી રથયાત્રા મહોત્સવ સમિતિ આયોજીત ભગવાન જગન્નાથજીની ૩૭મી રથયાત્રા આજે ભાવનગરના રાજમાર્ગો પર નીકળી હતી. રથયાત્રાના પ્રસ્થાન પૂર્વે આજે સવારે સૌપ્રથમ ભગવાનની પૂજાવિધિ કર્યાં બાદ ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઇ બલરામજીની મૂર્તિઓને વિધિ-વિધાન સાથે રથમાં બિરાજમાન કરાઇ હતી. વર્ષમાં અષાઢી બીજનું પર્વ એક એવો દિવસ છે કે ભગવાન સામે ચાલીને ભક્તોને મળવા જાય છે. આમ ભગવાનની નગરચર્યાની આતુરતા પૂર્વક રાહ જોવાતી હોય છે. ભાવનગરના નગરજનો ઘણા દિવસોથી ભગવાનના આગમનની અને તેને વધાવવા આતુરતા પૂર્વક રાહ જોઇ રહ્યા હતા.
આખરે આજે તે ઘડી આવી પહોંચતા ભક્તો ભાવવિભોર બન્યા હતાં. સવારે રથયાત્રાના પ્રારંભે અસંખ્ય ભાવિકો અને ખાસ કરીને મહિલા વર્ગ મોટી સંખ્યામાં મંદિરે પહોંચી ગયેલ અને ભગવાનના વધામણા લીધા હતાં. રથયાત્રામાં પરંપરાગત રીતે ભગવાનની મૂર્તિને રથમા બિરાજમાન કરાયા બાદ શાસ્ત્રોક્ત વિધિ અનુસાર મંત્રોચ્ચાર વડે પૂજન-અર્ચન કરાયું હતું અને અગ્રણીઓ-મહાનુભાવોના હસ્તે ભગવાનની આરતી ઉતારાઇ હતી. ભાવનગરના રાજવી દ્વારા સોનાના સાવરણાથી છેડાપોરા વિધિ કરવામાં આવે છે. જે પરંપરા અનુસાર આજે રાજવી વિજયરાજસિંહજી ગોહિલે ઉપસ્થિત રહી સોનાના સાવરણા વડે છેડાપોરા વિધિ કરી હતી. શિક્ષણમંત્રી જીતુભાઇ સહિતના આગેવાનોએ પણ છેડાપોરા વિધિ કરી હતી. જ્યારે પહિન્દ વિધિ જીતુભાઇ દ્વારા કરાઇ હતી. ભાવનગરના પ્રથમ નાગરિક-મેયર કિર્તીબેન દાણીધારીયા, પૂર્વ સાંસદ રાજેન્દ્રસિંહ રાણા, ધારાસભ્ય વિભાવરીબેન દવે, કલેક્ટર-કમિશનર યોગેશ નીરગુડે સહિતના રથયાત્રા પ્રારંભે ઉપસ્થિત રહ્યા હતાં. જ્યારે રથયાત્રા સમિતિના અધ્યક્ષ હરૂભાઇ ગોંડલીયા, પૂર્વ સાંસદ રાજેન્દ્રસિંહ રાણા તથા ઉપસ્થિત પૂજ્ય સાધુ-સંતોએ પ્રસંગ અનુરૂપ પ્રવચન અને આશિર્વચન આપ્યા હતાં.