જવાબદાર કોણ? :- પૂજા જોષી(વચનામૃત : જીવન માર્ગદર્શક )

49

શું સંબંધો વગરનું જીવન શક્ય છે?
Man is a social animal. મનુષ્ય એક સામાજિક પ્રાણી હોવાના નાતે સંબંધો માનવના લોહીનો લય બની ગયા છે. એટલે જ કહ્યું છે કે : Relationship is like gold coin, keep it safe.
મનોવિજ્ઞાનના એક સર્વેક્ષણ મુજબ જે વ્યક્તિને કોઈ સાથે તણાવ, અણબનાવ, દ્વેષ કે રોષ નથી તેની આસપાસ હંમેશાં પ્રેમ, હૂંફ અને શાંતિનું વાતાવરણ રહે છે. વ્યક્તિના અન્ય સાથેના સંબંધો જ તેના સુખી અથવા દુઃખી થવામાં અગત્યનો બાગ ભજવે છે. પછી એ સંબંધો વ્યક્તિગત હોય, પારિવારિક હોય, સામાજિક હોય કે પછી વૈશ્વિક.
પૂરવેગી પાણીના પ્રવાહની જેમ ભાગતી દોડતી આધુનિક યુગના માનવીની ફાસ્ટ લાઈફ સાથે વ્યક્તિના વિચારો, જીવનશૈલી અને નિર્ણયશક્તિ ફાસ્ટ થઈ ગયા છે. સ્પર્ધાની હોડમાં ઉતાવળા બનેલા વ્યક્તિએ સંબંધોને માઈલો પાછળ છોડી દીધા છે. સંબંધો નાજુક અને કિમતી છે પરંતુ સ્વતંત્રતાને ઝંખતા આજના માનવીને સંબંધો બેડીરૂપ લાગે છે. તેથી તેને છેડવા-છંછેડવા આજે અજુકતી વાત નથી રહી. જીવ સાથે જોડાયેલા સ્વભાવ જ જેવા કે ઈર્ષ્યા, અહંકાર, માન, દંભ વગેરે વ્યક્તિ-વ્યક્તિ વચ્ચે ખાઈ ઊભી કરે કરવામાં કારણભૂત બન્યા છે.
વિખ્યાત અમેરિકન હાર્ટસર્જન ડૉ. ડેન્ટલ કૂલીના સન્માન સમારોહનું આયોજન થયેલું – પરંતુ સમારોહ પહેલા જ પોલીસ સમન્સ આવતા સમારોહ બંધ રહ્યો. આ કાવતરું ઘડનાર બીજું કોઈ નહિ પણ તેઓને શીખવનાર ડૉ. ગુરુ જ હતા જે તેઓની પ્રતિષ્ઠા ન જોઈ શક્યા.
આ જ રીતે વ્યક્તિગત સંબંધોમાં ઈર્ષ્યા, અહંકાર, અજ્ઞાન પારિવારિક સંબંધોમાં અવિશ્વાસ, વિરોધ, અસહિષ્ણુતા સામાજિક સંબંધોમાં રોષણ, હીંસા, યુદ્ધ એ રોજબરોજનો વિષય બની ગયો છે. આ જ સમસ્યાઓના સમાચારથી આજકાલના વર્તમાનપત્રો છલકાય છે.
સનાતન ભારતીય સંસ્કૃતિના મૂલ્યો જેવા કે વિશ્વાસ, ધીરજ, પ્રામાણિકતા, સનહશીલતા, સંપ, આસ્તિકતા વગેરેને આધુનિક માનવીએ અભરાઈએ ચડાવી દીધા છે. ક્રોધે ભરાયેલો કઠિયારો આડેધડ વૃક્ષોચ્છેદ કરે તેમ આજનો આધુનિક માનવી પણ સંબંધોને કાપી તોડી રહ્યો છે. જેમમોડર્ન મેન કહેવાતા વ્યક્તિના જીવનમાં ફેસિલિટી જરૂર છે પણ સ્ટેબેલિટી જરાય નથી.
રિલેક્સેશન જરૂર છે પણ સેટિસફેક્શનના નામે મીંડું છે. ટેક્નોલોજી અપડેટ છે પણ સંબંધો અપસેટ છે. લાખો પ્રયત્નો છતાં પરિવાર, સમાજ, પ્રકૃતિ સાથેના સંબંધો વધુ ને વધુ બગડતા જાય છે. અનેક આધુનિક શોધોથી વિકાસના પંથે આગળ વધવા છતાં આજનો માણસ બીજા માનવી પર વિશ્વાસ મૂકી શકતો નથી તેથી જ સંબંધો પ્રશ્નમુક્ત થવાની જગ્યાએ પ્રશ્નયુક્ત થતા જાય છે. આશ્ચર્ય તો એ છે કે જીંદગીના અમૂલ્ય ૨૦ વર્ષ અભ્યાસ પાછળ ખર્ચી નાખ્યા પછી પણ ભણતર સાથે ઘડતર કેમ થતું નથી? સ્કૂલ કોલેજોની પરીક્ષામાં પાસ થનારા જીવનની પરીક્ષામાં કેમ નિષ્ફળ જાય છે? આ બધી સમસ્યાઓ માટે આખરે જવાબદાર કોણ ?
આ અંગે આજુબાજુમાં જોતા પહેલાં ભીતર ડોકિયું કરવાની જરૂર જણાય છે. જી હા ! આપણે અને આપણા સ્વભાવો જ આ માટે મૂળભૂત જવાબદાર છીએ. ખરેખર આપણે બદલવા અને સમજવાની જરૂર છે. જેવી દૃષ્ટિ તેવી સૃષ્ટિના ન્યાયે વ્યક્તિ પોતે બદલાઈ જશે તો તેના માટે આખી દુનિયા બદલાઈ જશે. પરંતુ દરેકના મનમાં પ્રશ્ન ઘોળાય છે કે બધું મારે જ કરવાનું ? કહેવાયું છે કે જે ખાય તેની ભૂખ જાય એમ આપણે સુખી થવા આપણે જ પગલું ભરવું પડશે. એટલે જ સમાજના આવા અનેકાનેક પ્રશ્નોથી વાકેફ અને તે માટે સતત ચિંતિત તથા જીવન દરમ્યાન લાખો હૃદયોની સંવેદના સાંભળનાર યુગવિભૂતિ સંત પ્રમુખસ્વામી મહારાજે આ અંગે ચાર સુવર્ણ સૂત્રો જણાવે છે.
‘જો દરેક વ્યક્તિ મનગમતું મૂકે, અનુકૂળ થાય, એકબીજા માટે ઘસાય અને એકબીજા માટે સહન કરે તો સંબંધોમાં ઘર્ષણ થાય જ નહિ.’
તો ચાલો રાહ કોની જોવી ? અનુભવી સંતની અનુભવ વાણીને આપણો સ્વાનુભવ બનાવવા…
મનનું મૂકી સરળ થઈએ…
અક્કડતા મૂકી અનુકૂળ થઈએ…
ગરજુ મટી ઘસાતા થઈએ… અને
સમજુ બની સહન કરીએ…
ભગવાન સ્વામિનારાયણ સંબંધોને સાચવવાની આધ્યાત્મિક રીત બતાવતાં જણાવે છે કે જે વ્યક્તિનીની પાસે ચાર માણસો રહેતા હોય તેને જો મન દઈને માણસાઈએ રાખતાં આવડતું હોય તો તેની પાસે તેઓ રાજીપે રહે અને જેને માણસને રાખતાં આવડે નહીં તેની પાસે કોઈ રહે પણ નહીં. અને જે વ્યક્તિને મોક્ષનો ખપ હોય તેને તો જેમ દુખવીએ ને વિષયનું ખંડન કરીએ તેમ અતિ રાજી થાય.

Previous articleગધેડાની ઘટતી જતી વસ્તી વધારવા નવુંનક્કોર હોંચી વૃધ્ધિ મંત્રાલય શરૂ કરો અને તેનો હવાલો બે પગાના બદલે ચોપગાને આપો!!(બખડ જંતર)
Next articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે