ઉમરાળામાં એક ઇંચ વરસાદ, તળાજા પંથકમાં પોણો ઈંચ વરસાદ
ગોહિલવાડમાં અષાઢ મહિનાના પ્રારંભ સાથે જ મેહુલીયાએ જાણે અષાઢી ઇનિગ્સ ખેલવાનું શરૂ કર્યું હોય તેમ એકમાત્ર મહુવા તાલુકાને બાદ કરતા સમગ્ર ભાવનગર જિલ્લામાં અડધાથી લઇ ચાર ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો. વલ્લભીપુરમાં તો રીતસર સટાસટી બોલાવી મેહુલીયાએ શેરીઓમાં નદીઓ વહેતી કરી દીધી હતી. તો ભાવનગરમાં પણ ભગવાન જગન્નાથજીની રથયાત્રા વેળાએ જ અષાઢી ધારા વહાવી મેઘરાજાએ ભક્તોને ખુશખુશાલ કરી દીધા હતાં. અષાઢી બીજના પર્વે મેઘરાજાએ મુહૂર્ત સાચવીને જિલ્લામાં ભાવનગર સહિત લગભગ મોટા ભાગના સ્થળોએ મહેર વરસાવતા લોકો ખુશખુશાલ થઇ ગયા છે. વલ્લભીપુરના ગ્રામ્ય પંથકમાં ચારથી સાડા ચાર ઇંચ વરસાદ વરસતા ખેતરો પણ તળાવમાં ફેરવાયા હતાં જ્યારે વલ્લભીપુર શહેરમાં પોણા ત્રણ ઇંચ વરસાદ વરસી ગયો હતો. ભાવનગર શહેરમાં પોણા બે ઇંચ વરસાદ વરસી ગયો હતો. જ્યારે ઉમરાળામાં એક ઇંચ, તળાજામાં પોણો ઇંચ તેમજ ગારિયાધાર, પાલિતાણા, ઘોઘા પંથકમાં અડધો ઇંચ વરસાદ વરસી ગયો હતો. તો સિહોર અને જેસરમાં હળવા-ભારે ઝાપટા વરસ્યા હતાં. અષાઢી બીજે ગોહિલવાડમાં મેઘરાજાની આવી ગયેલી મેઘસવારીથી લોકોમાં ખુશીનો માહોલ છવાયો હતો.