કુનેરિયાની એવી શું વિશેષતા

22

કુનેરિયા. તમને એ થાય કે કુનેરિયા વળી કંઇ અલાબલાનું નામ છે? હું કહું કે એક ગામનું નામ છે. તમે કહેશો કે ગુજરાતના ૧૮૦૦૦ ગામડા છે. તેની શી વિશેષતા છે ?હું કહીશ કે કુનેરિયા ગામ પંચાયત પણ છે!! તમે કહેશો કે પહેલિયા મત બુજાવો. વાતમાં મોણ શું નાંખો છો? ગુજરાતમાં ૧૩૦૦૦ થી વધારા ગામ પંચાયત- જૂથ ગ્રામ પંચાયત છે. કુનેરિયાની એવી શું વિશેષતા છે કે હું તેની કથા માંડીને બેઠો છું. અરે,દિલ થામ કે બેસો !સબૂર કરો.ધૈર્ય રાખો મારા રીડરરાજા!! ધીરજના ફળ મીઠા!!!
હું કહીશ કે કુનેરિયામાં ઓસ્કાર નોમિનેટેડ ઓલ ટાઇમ ગ્રેટ ફિલ્મ લગાનનું શુટીંગ થયેલ હતું!કુનેરિયા ભૂજ તાલુકાનું ગામ છે. કચ્છ જિલ્લા મુખ્ય મથક ભૂજથી ર૦ કિ.મી દૂર છે. કુનેરિયાની વસ્તી ત્રણ હજાર છે.
લગાન પિકચરના પ્રારંભે જે ખેડૂત પર કેમેરો મંડાયો હતો તે ભીમાસિંહ કાકા કુનેરિયાના વતની છે. અસલમાં ચિત્રા ડુંગરાની નજીક એક ખેતર સાફ કરી અનોખી ક્રિકેટ મેચનું શુટીંગ કરેલ. જેમના ખેતરમાં શૂટિંગ થયેલ તેમનેપ્રોડયુસર આશુતોષ ગોવરીકરે સાત લાખ રૂપિયા ચૂકવેલ હતા.!સતાધીશ સામે નિર્બળ, કેળવાયેલા સામે અણઘડ વચ્ચે ક્રિકેટ મેચ રમાચેલી.ભુવને રીતસર જોખમ કરેલ હતું. જો મેચ જીતી જાય તો મહેસૂલ માફ થાય અને હારી જાય તો અસ્તિત્વનો પ્રશ્ર થાય. લગાન ફિલ્મનું માત્ર શૂટિંગ થયેલું ન હતું પણ મેઇન કલાકારો સિવાય ભીડના દ્રશ્યો ગ્રામજનો પર ફિલ્માવવામાં આવેલા હતા. આ ગ્રામજનોને ખાવાપીવા ઉપરાંત પ્રતિ દિવસ રૂપિયા અઢીસોની જંગી ફી ચુકવાયેલ હતી.કુનેરિયા ખાતે ઋત્વિક રોશન અભિનિત “ મોંહે જો દરો”નું શૂટિંગ થયેલ હતું. કોટાઇ ગામના ભૂરાભાઇ આહીર અને કુનેરીયાના નરસિંહ આહીર હિન્દી ફિલ્મોનું શૂટિંગ અહીં થાય તે માટે પ્રયત્નશીલ છે!! અહીં એક સાઉથની ફિલ્મની ભીડનો સીન શૂટ થયેલ હતો. જેમાં લોકોએ દોડતાં દોડતાં પડી જવાનો સિન કરવાનો હતો. દોડો પડો અને રૂપિયા કમાવ! છે ને અફલાતૂન કિમીયો!!!
લગાન પિકચરના શૂટીંગની યાદગીરી જીવંત રાખવા સેગ્રીગ્રેશન કરવા માટેની જગ્યામાં ક્રિકેટ ગ્રાઉન્ડ ઉભું કરવામાં આવેલ છે .સિમેન્ટની પીચ અને બાઉન્ડરી લાઇન મોટા પથ્થરો થોડા થોડા અંતરે મુકેલ છે. આંખ બંધ કરો તો ધોતિયું-પહેરણ પહેરેલ અને માથે કપડું બાંધેલ ભુવન અણઘડ બેટ લઇને બ્રિટિશ બોલરે ફેંકેલ દડાને બાઉન્ડ્રી મારી જીત મેળવતો જણાય!અહીં પ્રાઇડ ઓફ ભૂજનું પણ શૂટિંગ થયેલ. કાશ્મીર કે સ્વિટઝરલેન્ડ જેવી બર્ફિલી હસીન વાદીઓ ન હોવા છતાં કુનેરિયા શૂટિંગ નાટોનું હોટ સ્પોટ બનતું જાય છે. ડાયરેકટર દ્વારા મોટા અવાજે એકશન રોલ અપ કે કટનો ઓર્ડર આપતા હતા તે હવામાં ગૂંજે છે!!! હકીકતમાં લગાન ફિલ્મથી કુનેરિયા પ્રસિધ્ધ થયેલ નથી પણ કુનેરિયા ગામે લગાન ફિલ્મને ઓસ્કાર સુધી પહોંચાડેલ છે!!
કુનેરિયા ગામમાં કન્યા અને કુમાર શાળાનો પ્રવેશોત્સવ સમારોહ યોજાયેલો.આંગણવાડીમાં ૬ ભૂલ્કાઓ અને ધોરણ -૧માં કુલ ૩૯ બાળકો-બાળાઓને પ્રવેશ અપાવ્યો. ગામમાં સરપંચ રશ્મિબેન છે અને તેમના પતિ સુરેશભાઇ ઉપસરપંચ છે.રશ્મિબેન પરંપરાગત આહિરાણીના પોશાકમાં સજ્જ અને ઓછાબોલા પણ કામને વાચા આપે છે!આ ગામમાં વિધાર્થીઓની સંખ્યા કરતાં પરંપરાગત વેશભૂષામાં બાળકોની માતાઓ -બેનો હાજર હતી. કેટલું કલરફૂલ અને ચિયરફૂલ વાતાવરણ.બાળકોને પ્રવેશ ઉપરાંત નવજાત માતાઓને પોષણ કિટ વિતરણ, તેજસ્વી વિધાર્થીઓનું સન્માન, વરસમાં શાળામાં વધુ હાજર રહેનારને પ્રોત્સાહન આપ્યા. આ ગામની શાળાની આંતરમાળખાકીય સુવિધા વધારવાના ભાગરૂપે નવા ચાર ઓરડા બંધાશે. શાળામાં હાલ ૧૧ ઓરડા છે. એમએમસી બેઠકનાં શિક્ષકોની કામગીરી બિરદાવવામાં આવી.નવસારીના જયેશ પટેલ તેમની શિક્ષિકા પત્ની સાથે અત્રે ફરજ બજાવે છે. મિતાબેન પરમાર આચાર્યા છે!!અમે પણ વિશિષ્ટ શૈલીમાં બાળકોને આશીર્વાદ આપ્યા!!

-ભરત વૈષ્ણવ

Previous articleભાવનગર શહેરમાં આજે એક સાથે ૧૨ કોરોનાનો નવા કેસ નોંધાયા
Next articleસિહોરમાં રંગદર્શી ફ્લોટ્‌સ સાથે યોજાઇ ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રા