પાંચ કી.મી.વિસ્તારમાં ફરેલી રથયાત્રાનુ ઠેર ઠેર આગેવાનો, નગરજનોએ સ્વાગત કર્યું
સિહોરમાં જગન્નાથજીની ૧૯મી રથયાત્રા ઠાકરદ્વારા મંદિરેથી નિયત સમયે પ્રસ્થાન થઈ હતી જેમાં ઠાકરદ્વારા મંદિરના મહંત બાલકદાસ બાપુ દ્વારા ભગવાન જગન્નાથજીની પરંપરાગત આરતી કરી સિહોર નગરપાલિકા પ્રમુખ વિક્રમસિંહ નકુમના હસ્તે પહિંદ વિધિ કરી યાત્રા પ્રસ્થાન થઈ હતી. શહેર ભાજપા પ્રમુખ ડી.સી.રાણા, દીપ્તિબેન ત્રિવેદી, મિલન કુવાડીયા, અલ્પેશભાઈ ત્રિવેદી, નાનુભાઈ ડાખરા, ઘનશ્યામભાઈ પરમાર, ઉમેશભાઈ મકવાણા, ચીંથરભાઈ પરમાર, હરદેવસિંહ વાળા સહિતનાઓ ઉપસ્થિત રહી રથની પહિંદ વિધિમાં જોડાયા હતા.આ યાત્રા ઢોલ નગારા, આકર્ષક ફ્લોટ્સ, ટ્રેક્ટરો સાથે ભગવાન જગન્નાથજી,ભાઈ બલરામજી તથા બહેન સુભદ્રાજી સાથે નગરચર્યાએ શહેરમાં ૫થી વધુ કિલોમીટરના રૂટ ઉપર નીકળ્યા હતા જ્યા સિહોરવાસીઓ આસ્થાભેર ઠેર ઠેર સ્વાગત કરાયા હતા. સિહોરમાં બે વર્ષથી કોરોનાના કારણે રથયાત્રા યોજાઈ ન હતી ત્યારે આ વર્ષે ખૂબ હર્ષોલ્લાસ સાથે જય જગન્નાથના નાદ સાથે સિહોર ભક્તિમય વાતાવરણમાં ફેરવાયું હતું. દર વર્ષે આ રથયાત્રામાં ભગવાનના રથ સાથે સાથે ભજન મંડળીઓ,રાસ રમઝટ,અલગ અલગ ફ્લોટ્સ સાથે નીકળે છે જે ભક્તોમાં તથા બાળકોમાં આકર્ષણનું કેન્દ્ર બને છે. ભગવાન જગન્નાથજી, બલરામજી તથા બહેન સુભદ્રાજીને અનેરા શણગારથી સજાવવામાં આવ્યા હતા આ રથયાત્રા સિહોરના ખારાકુવા ચોક,જૂની શાકમાર્કેટ, તમાકુ બજાર,કંસારી બજાર,સુરકા દરવાજા ટાણા ચોકડી બસ સ્ટેન્ડ થઈ વડલાચોક પહોંચી હતી જ્યાં કોંગ્રેસ પ્રમુખ જયદીપસિંહ, ધીરુભાઈ ચૌહાણ તથા કાર્યકરોએ સ્વાગત કરેલ દરેક સામાજિક સંસ્થાઓ તેમજ રાજકીય પક્ષો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવેલ બાદ બપોરે સ્ટેશન રોડ શ્રીપાબુજી મહારાજના મંદિર ખાતે વિરામ લઈ બપોર બાદ રેલવે સ્ટેશન, ઘાંઘળી ફાટક થઈ શાંત હનુમાનજી થઈ ખાડિયાચોકથી ભાવનગર રાજકોટ હાઇવે રોડ પેટ્રોલ પંપ થઈ વડલા ચોક થઈ સિંધીકેમ્પથી મેઇનબજાર થઈ નિજ મંદિરે ૮ વાગે પહોંચી હતી.