થોરિયાવાડી પ્રાથમિક શાળા

19

હેલીકોપ્ટર શોટ જેની આગવી ખાસિયત હતી અને ક્રિકેટ ટીમના અભૂતપૂર્વ ભૂતપૂર્વ કેપ્ટન એવા મહેન્દ્રસિંહ ધોની સફળતાના મંત્ર તરીકે જીદને સો ટકા અનિવાર્ય માને છે. તેણે જીદ કરીને અશ્રુતપૂર્વ સફળતા મેળવી છે. કરોડો યુવાનોના આઇકોન બન્યા છે.
અંગ્રેજોને દેશમાંથી ખદેડી કાઢવા વિન્સટન ચર્ચિલે જેને નંગા ફકીર કહેલા તેવા મહાત્મા ગાંધીએ જીદ કરી ન હોત આપણે યુનિયન જેકના ગુલામ હોત!!આ ગામમાં વડીલ વાલજીબાપા આહીર છે. તેમની ઉંમર પંચોતેર પ્લસ છે. તમે કહેશો કે તેમાં શું મોથ મારી છે?? ઉંમર લાયકાત હોય કે ન હોવ વધે છે. કશા પ્રયત્ન વિના ઉંમરલાયક થવાય છે. ઓકે તમારી દલીલ સાથે સંમત!! મૂળ મુદા પર આવીએ. વાલજીભાઇ ૮૦ એકર જમીન પર સ્વામિત્વ ધરાવે છે. લગભગ બસો વિધા જમીન થાય. ખેતી દીકરાઓ સંભાળે છે. વાલજીભાઇ શિક્ષણના પ્રસાર સિવાયની દુન્યવી પ્રવૃત્તિથી નિવૃતિ લઇ ચૂક્યા છે!! આવા વાલદીભાઇ જીદ કરી થોરીયાવાડી ગામની શાળામાં છઠું ધોરણ મંજૂર કરાવી લાવ્યા છે. અલબત, એના માટે વાલજીઆગ્રહ એટલે કે જીદનું વેપન વાપરી ચૂક્યા છે. છઠું ધોરણ મંજૂર કરાવવા જિલ્લા પંચાયત પહોંચી ગયા. અધિકારીની ચેમ્બર સામે જમીન પર અડીંગો જમાવી બેસી ગયા. છઠું ધોરણ મંજૂર ન થાય ત્યાં સુધી અહીંથી ટસનોમસ થવાનો નથી તેવું ડંકે કી ચોટ પર એલાન કર્યું. વ્યકિતગત માંગણી માટે કોઇ હડતાળ કરે એ સમજી શકાય. અપિતું, સમષ્ટિ માટે આવું કરે એ કોઇના માન્યામાં ન આવે. છેવટે વાલજીભાઇ વિજયી થયા. હમણા છઠું ધોરણ મંજૂરીનો હુકમ ગામને મળી ગયો છે. ગામને એની ખુશી છે. વાલજીબાપાએ પ્રવેશોત્સવ ઉપસ્થિત રહી સમારોહની શોભામાં નિર્વિવાદપણ્‌ વધારો કર્યો. કોરાનાકાળમાં બાળકોને શેરી શિક્ષણ આપવા માટે પોતાની વાડી ચાર મહિના વાપરવા આપવાની ઉદારતા દર્શાવી. અહીં લોકો વાઢી આંગળી પર મૂતરતા નથી તેવા સમયે આ ઉદારતા બિરદાવવા લાયક છે! વાલજીબાપાના ચરણોમાં મસ્તક નમાવવાની તક મળી એ માટે મારી જાતને ખુશનસીબ માનું છું! થોરીયાવાડી શાળાના વિધાર્થીની સંખ્યા ૮૪ છે. એની સામે ૧૨ નવા બાળકોએ પ્રથમ કક્ષામાં પ્રવેશ મેળવ્યો. પંદર ટકા નવા બાળકો ઉમેરામાં બાળકોની સંખ્યા ૯૬ થઇ. આવતા વરસે પ્રવેશોત્સવમાં ગામ વિધાર્થીની સંખ્યામાં મામલે સદી ફટકારશે!! આ ગામમાં એક બાબત ઊડીને આંખે વળગે તેવી છે. તમામ વિધાર્થીની હાજરી ૧૦૦ % છે એટલે મહતમ હાજરી માટે છોકરાઓને સન્માનવાનો સવાલ રહેતો નથી!!
હું ઘણા વરસોથી પ્રવેશોત્સવમાં જઉં છું. બાળકોને અલગ અલગ રીતે પ્રવેશ કરાવવામાં આવે છે!!માનકૂવા ખાતેની શાળામાં ઢોલનગારા સાથે ગામના વડીલો શાળાના દરવાજેથી પ્રવેશપાત્ર ભૂલકાઓની માસૂમ આંગળીઓ પકડીને બાળકોને પ્રવેશ કરાવી બાળકોનેસુરક્ષા,સલામતી, હૂંફ, વાત્સલ્યનો અહેસાસ કરાવે છે. ક્યાંક રંગબેરંગી ટોપી પહેરાવે છે,ક્યાંક કપાળે કુમકુમ તિલક કરાવે છે!! પણ ઢોરી વાડી વિસ્તાર શાળામાં પરંપરાગત પ્રવેશ સાથે ભૂલકાઓને પેંડો ખવડાવી પ્રવેશ કરાવ્યો!અહીં તેજસ્વી વિધાર્થીઓનું જેમના હાથે સન્માન કરાયું તેનું ભણતર વિધાર્થી કરતાં ઓછું હતું!! અહીં દાતાઓનું સન્માન કરતા શાલ ખલાસ ગઇ .આવી સ્થિતિમાં સન્માનિત દાતાઓએ શાલીનતા પ્રદર્શિત કરી અન્યોનું સન્માન થઇ શકે તે માટે ચૂપચાપ શાલ પરત કરી પ્રસંગ સાચવી લીધો. સ્થાનિક અગ્રણી અને એસએમસીના અધ્યક્ષ વિરમભાઇ આહિરે તેમની વાડીમાં લંચ કરાવ્યું,જે કોઇ ઢાબાને ટક્કર મારે તેવું ઓર્ગેનિક અને સાત્વિક હતું!!!

Previous articleભાવનગર શહેરમાં આજે એક સાથે ૧૫ કોરોનાનો નવા કેસ નોંધાયા
Next articleભાવનગર શહેરના પૂર્વ અને પશ્ચિમ વિધાનસભાના નવનિયુક્ત પ્રભારીઓ અને શહેર ભાજપ સંગઠનની અગત્યની બેઠક યોજાઈ