મ્યુ. સભામાં તંત્ર પર તડાપીટ બાદ ટાઉન ડેવલોપમેન્ટ વિભાગે આજથી ગેરકાયદે બાંધકામોને નોટીસ ફટકારી કાર્યવાહી કરવાનો આપેલો સંકેત
ભાવનગર શહેરમાં તંત્રની નિષ્ક્રીયતા અને કુણા વલણના કારણે ગેરકાયદે અને નિયમ વિરૂદ્ધ બાંધકામોનો રાફડો ફાટ્યો છે. તાજેતરમાં મ્યુ. સાધારણ સભામાં શાસક સભ્યોએ પણ આ મુદ્દે વિપક્ષ સાથે મળી તંત્ર પર તડાપીટ બોલાવી હતી ત્યારે આખરે આજથી મહાપાલિકા તંત્રએ આ દબાણો હટાવવા માટે થઇને ફિલ્ડમાં નીકળી આસામીઓને નોટીસ ઠપકારવાનું શરૂ કર્યું છે. મહાપાલિકા તંત્ર એકાએક મેદાનમાં આવતા સંબંધિત આસામીઓમાં ફફડાટ ફેલાયો છે અને લાગવગ માટે દોડતા થયા છે. તાજેતરમાં મ્યુ. સભામાં દેકારો બોલ્યા બાદ મ્યુ. તંત્રએ આજથી શહેરના કાળિયાબીડ તથા ગામતળ વિસ્તારમાં ગેરકાયદે નિયમ વિરૂદ્ધના બાંધકામોનો સર્વે હાથ ધરી સ્થળ પર જ લખીને નોટીસ પકડાવવાનું શરૂ કર્યું હોવાનું જાણવા મળ્યું છે.
એક અંદાજ મુજબ કાળીયાબીડ વોર્ડમાં મુખ્ય રોડ પર ૧૫થી વધુ મંજુરી વગરના અને નિયમ વિરૂદ્ધના બાંધકામો ખડકાયેલા છે ત્યારે ગામતળની સંખ્યા અગણીત છે. તંત્ર પર તડાપીટ બાદ આજે ટાઉન ડેવલોપમેન્ટ વિભાગે ગેરકાયદે બાંધકામો સામે કાર્યવાહી માટે પ્રથમ ચરણમાં ૨૬૦-૧ મુજબની નોટીસ ફટકારવાનું શરૂ કર્યું છે. જો કે, તંત્રને આ કાર્યવાહી કરવા રાજકીય આગેવાનો જ અટકાવશે ! ભુતકાળમાં તંત્રએ જ્યારે જ્યારે હિંમત એકત્ર કરી છે ત્યારે ચૂંટાયેલા સભ્યો તેમાં બાધારૂપ બન્યા છે. મ્યુ. સભામાં આ મામલે તંત્ર પર તડાપીટ બોલી ત્યારે સભ્યો જ કાર્યવાહી થવા નહીં દેતા હોવાની નારાજગી તંત્ર તરફથી વ્યક્ત કરાઇ હતી પરંતુ શાસક વિપક્ષે કોઇ બાધા ઉભી નહીં કરાય તેમ ખાત્રી ઉચ્ચારી હતી. આખરે મહાપાલિકાના ટાઉન ડેવલોપમેન્ટ વિભાગે આજે ફરીથી ગેરકાયદે બાંધકામો સામે આંખ ઉંચી કરી છે ત્યારે જોવાનું એ રહે છે કે, નોટીસ આપ્યા બાદ આગળની કાર્યવાહી થશે કે પહેલાની જેમ જ તંત્રએ તલવાર મ્યાન કરવી પડશે ?!