કૃષ્ણપ્રિયા કાગળ લખી લખી થાકી કૃષ્ણપ્રસાદના મનમાં નથી!!! (બખડ જંતર)

5

આજના જમાનામાં કોઇ કોઇને કાગળ લખતું નથી. બેંક કે નગરપાલિકા દેવું કે ટેકસ ભરવા નોટિસ પાઠવે છે. એ પણ ઘણું ખરું ઓનલાઇન, વોટસએપ મારફત. ટ્રાફિકના નિયમોના ભંગ માટે ઓનલાઇન મેમા આવે છે. સંતાન કહ્યામાં નથી અને સ્થાવર જંગમ મિલકતમાંથી બેદખલ કર્યાની જાહેર નોટિસ વર્તમાનપત્રોમાં આવે છે. ઘણીવાર ફલાણાબેન ફલાણાભાઇ સાથે લગ્નગ્રંથીથી જોડાયા ( અરે , ભોગ એમના. છતી આંખે લગ્નના કૂવામાં યાહોમ કરીને ખાબકે છે. લગ્નમાં કોઇ લાટા કે સાટા મળતા નથી એ અનુભવસિદ્ધ હકીકત છે, જેનો ઇન્કાર ન કરી શકાય માય લોર્ડ.!!આવા કિસ્સા જીવદયા ,કરૂણા,અનુકંપાને પાત્ર હોય છે!!) એવી નોટિસ અખબારમાં આવે છે. ટુંકમાં કાગળો- બાગળો લખવાની કળા લુપ્ત થઇ રહી છે.
આ કળા નાભિશ્વાસ પર છે(શ્વાસ તો નાકથી લેવાનો હોય. તો નાભિશ્વાસ શબ્દનો મતલબ શું? માની લઇએ કે નાભિશ્વાસ પર છે તો બરખુદ્દાર આવો સૂક્ષ્મતમ લય ,નાદ, શ્વાસરવ તને સંભળાયો કંઇ રીતે??)આમાં ખબર નહીં પડે. તમને ગુજરાતીમાં કહું તો કાગળ પત્ર લખવાની પ્રવૃતિ આઈસીયુમાં આખરી શ્વાસ લઇ રહી છે.( મોટા આમ ગુજરાતીમાં કહોને. મોટા ઉપાડે નાભિશ્વાસ એની માને બોલતા જીભનો લવો વળતો નથી. તમારે લેખમાં ભાષા પાંડિત્યનું ગાર્નિશિંગ એટલે કોથમીર ભભરાવવી જરૂરી છે? આવું કરશો તો પણ કોઇ તમને નોબેલ નહીં આપે .જાવ લખી લો.)
અન્યને ડુંગરા ખોધ્યા છે પણ પત્ર લેખનની શરૂઆત લગી પહોંચી શકયા નથી . એટલે થોડું ફેંકી લઇએ. ફેકનેમેં કયા હર્જ હૈ? પહેલો પત્રવ્યવહાર ઇવ અને આદમ વચ્ચે થયો હશે. અલબત, કોણે કોને અને કયાં કારણે પત્ર લખ્યો હશે તે મતમતાંતરનો વિષય છે. જો કે , અમે દ્રઢપણે માનીએ છીએ કે અને આદમને ખખડાવવા ઠપકાપત્ર લખ્યો હશે. આદમ પાસે નહીં નહીં તો ખોખા ઠપકાપત્ર હશે. અહીં ખોખું શબ્દ બોકસના સંદર્ભમાં નહીં પણ ન્યુમરિક રેફરન્સમાં પ્રયોજ્યો છે!!
ડોસો ડોસીને લવ ભલે કરતો હશે પણ કાગળ લખવાની બબાલમાં પડતા નહીં હોય!
પધ્મશ્રી અને કોકિલકંઠી ગાયિકા દિવાળીબેન ભીલે ગાયું છે કે મું તો કાગળિયા લખી લખી થાકી કાનુડા તારા મનમાં નથી. અત્રે એ શંકા થાય છે કે બેન કાનુડો તારા કાગળનો કેમ જવાબ આપતો નથી? તું કાનુડાને વતન ગયેલ ધૂળજી લાવી આપવાની વાત લખે તો કાનુડો શું કરી શકે? તારા છોકરાને આંગ્લ માધ્યમની શાળામાં દાખલો કરાવવાનું કહે તો કાનુડો કામ ન આવે, તારે પ્રભુ ઇસુ મસીહાને કાગળિયા લખવા પડે હો બુન! બાકી અમારો કાનુડો મારતા રથે શેઠ સગાળશા બની નરસૈંયાની હૂંડી પાકે કે પહેલા ચૂકતે કરે તેવો પંકચ્યુઅલ છે!!
આજકાલના છોકરા લોહીનો પાણી કે શાહી જેવું પાતળું સમજતા હશે !! એટલે શાહીના સ્થાને “ખત લખતા હૂર ખૂનને સ્યાહી મત સમજના મર રહાં હૂર જિંદા મત સમજના “ એવા ગતકડાં કાઢતા હોય છે!!!
ભગવાનના વખાણ કરવા ઇચ્છુક પૃથ્વીને કાગળ માની સમુદ્રોની શાહી બનાવી કિતાથી લખીએ તો પણ વખાણ કરી ન શકાય!!
સરસ્વતીચંદ્રમાં હીરો “ફૂલ ભેજા હૈ ખતમેં ,ફૂલ નહીં મેરા દિલ હૈ” એટલે કુરિયરમાં રૂપિયા, ચરસ,કાગળ મોકલવાનાં આવે તેમ કાગળમાં દિલ મોકલવાનો હીરો દાવો કરે છે. એટલે પંચતંત્રની વાંદરા અને મગરની વાર્તા યાદ આવે જેમાં વાંદરાનું કાળજું ખાવાના અભિલાષી મગરને કાળજું જાંબુના ઝાડ પર મુકયું છે તેમ કહીને વાંદરાથી પીછો છોડાવે છે!!!
ઋુકમણિએ કૃષ્ણને પત્ર લખી તેમનું હરણ કરી જવા અને લગ્ન કરવા કહેલું નહીંતર રુકિમણીનો ભાઇ રુકમી રુકમણિનો વિવાહ બીજા કોઇ સાથે કરી નાંખશે! લગ્ન માટે કન્યાના અપહરણના અનેક કિસ્સા છે. અલબત, લગ્નના ઇરાદાથી પુરૂષનું કન્યા દ્વારા અપહરણ કરવા માટે ચિત્રલેખાએ કૃષ્ણ ભગવાનના પૌત્ર પ્રધ્યુમનુ અપહરણ ઢોલિયા સાથે કરેલ હતું તે એક વિરલ ઘટના છે!!!
ગુજરાતી સાહિત્યમાં મુંબઇ કમાવા ગયેલા પુત્રને ગામડે પોતાની અવદશા વર્ણવતી આંધળી મોનો કરૂણ અને હદયવિદારક પત્ર જાણીતો છે. અલબત, દીકરાનો પ્રત્યુત્તર પણ કરૂણતમ છે!!
હાલમાં એક સમાચાર પ્રસિધ્ધ થયેલ છે.કેરળના ઇડુકકીના રહેવાસી કૃષ્ણપ્રિયાએ ભાઇ કૃષ્ણપ્રસાદને મનાવવા એક ફૂટ કે એક મીટર નહી પણ ૪૩૪ મીટર લાંબો પત્ર લખીને વર્લ્ડ રેકર્ડ કરી નાંખ્યો છે. કાગળનું વજન પાંચ કિલો છે. લેટર સ્પીડ પોસ્ટ કે કુરિયરથી મોકલ્યો તેનો ઉલ્લેખ નથી!!કૃષ્ણપ્રિયા કૃષ્ણપ્રસાદને જન્મદિવસની શુભેચ્છા આપી ન હતી અને વોટસએપના મેસેજીસનો જવાબ આપેલ ન હતો. એટલે કૃષ્ણપ્રસાદ નારાજ થયેલ હતો. તેને મનાવવા કૃષ્ણપ્રિયાએ આકરી મહેનત કરી હતી.આ સમાચારમાં કૃષ્ણ લ.સા.અ. છે!આ કવાયતથી કૃષ્ણપ્રસાદ પ્રસન્ન થયા કે નહીં તેના કોઇ સમાચાર નથી.!!

– ભરત વૈષ્ણવ

Previous articleકરોડોનો માલિક એમએસ ધોની ૪૦ રૂપિયામાં વૈધ પાસે કરાવી રહ્યો છે ઘૂંટણની સારવાર
Next articleGPSC, PSI, નાયબ મામલતદાર,GSSB પરીક્ષાની તૈયારી માટે