મોદીએ ૭ ડિજિટલ વિવિધ પનેલો લોંન્ચ કરી : ૮-૧૦ વર્ષ પહેલાં બર્થ સર્ટિ., બેંક જ્યાં જુઓ ત્યાં લાઈન લાગતી, હવે બધુ ઓનલાઈન થયું
૨૦૦થી વધુ સ્ટોલ સાથેના ડિજિટલ મેળામાં રોજિંદી જીવનશૈલીને સરળ બનાવતા વિવિધ ડિજિટલ સોલ્યુશન્સનું પ્રદર્શન : આજનો કાર્યક્રમ ૨૧મી સદીના ભારતની ઝલક : મોદી
ગાંધીનગર,તા.૪
વડાપ્રધાન નરેન્દ્ર મોદી મહાત્મા મંદિર પહોંચ્યા હતાં અહીં તેમણે વિવિધ સ્ટોલની મુલાકાત લીધી હતી.ત્યારબાદ તેમણે ઇન્ડિયાસ્ટેક, માય સ્કીમ, ચિપ ટુ સ્ટાર્ટ અપ સહિતના ૭ વિવિધ પહેલનું ઉદઘાટન કર્યુ હતું.આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવ અને કેન્દ્રીય રાજ્યમંત્રી રાજીવ ચંદ્રશેખર ઉપસ્થિતિ રહ્યા હતા અને પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું. વડાપ્રધાને પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે આજે જનધન, મોબાઈલ અને આધાર એટલે કે જેમ નો ફાયદો ગરીબોને મળ્યો છે. ૮-૧૦ વર્ષ પહેલાં બર્થ સર્ટિ., બેંક જ્યાં જુઓ ત્યાં લાઈન લાગતી, હવે બધુ ઓનલાઈન થયું છે, તેથી લાઈનોમાંથી મુક્તિ મળી છે. બધુ હાથમાં આવી ગયું છે. તેમણે જણાવ્યું હતું કે, આજનો આ કાર્યક્રમ ૨૧મી સદીમાં નિરંતર આધુનિક ભારતની જલક લઈને આવ્યો છે. ટેક્નોલોજીનો યોગ્ય ઉપયોગ માનવતા માટે કેટલો ક્રાંતિકારી છે. તેને ભારતે ડિજિટલ ઈન્ડિયા દ્વારા વિશ્વ સમક્ષ રાખ્યું છે. મને ખુશી છે કે આઠ વર્ષ પહેલાં શરૂ કરેલું અભિયાન સમયની સાથે વિસ્તરી રહ્યું છે. બદલતાં સમય સાથે જે આધુનિક ટેક્નોલોજીને નથી અપનાવતા સમય તેમને પાછળ છોડીને આગળ નીકળી જાય છે.પોતાને વિસ્તાર આપી રહ્યું છે. દર વર્ષે ડિજિટલ ઈન્ડિયામાં નવા આયામો પ્રાપ્ત કર્યા છે. આજના કાર્યક્રમમાં નવા પ્લેટફોર્મ લોન્ચ થયા છે. તે ડિજિટલ ઈન્ડિયાને આગળ વધારે છે. આ પ્લેફોર્મનો સ્ટાર્ટઅપ ઈકો સિસ્ટમને લાભ થશે. મિનિમમ ગર્વનમેન્ટ, મેક્સિમમ ગવર્નન્સ ડિજિટલ ઈન્ડિયાના માધ્યમથી દેશમાં નાગરિકોની સુખાકારીમાં વધારો થઈ રહ્યો છે. તેમજ ભારતના અર્થતંત્રને વેગ મળી રહ્યો છે. ત્રીજી ઔધોગિક ક્રાંતિ ભારત તેનું ભોગ બની ચૂક્યું છે. પરંતુ ભારત ચોથી ઔદ્યોગિક ક્રાંતિ, ઈન્ડસ્ટ્રી ૪.૦ માં વિશ્વને દિશા આપી રહ્યું છે.ડીબીટીના માધ્યમથી વીતેલાં ૮ વર્ષમાં રૂ. ૨૩ લાખ કરોડથી વધારે સીધા લાભાર્થીના બેંક ખાતામાં મોકલવામાં આવ્યા, ટેક્નોલોજીને કારણે લગભગ રૂ. ૨ લાખ કરોડ જે કોઈ અન્યના હાથમાં જતાં હતાં તે બચી ગયા ગામમાં અગણિત સરકારી સેવાઓ ડિજિટલી આપવાથી છેલ્લા ૮ વર્ષમાં ૪ લાખથી વધારે નવા કોમન સર્વિસ સેન્ટર જોડવામાં આવ્યા છે. આજે ગામના લોકો આ કેન્દ્રો થકી ડિજિટલ ઈન્ડિયાનો લાભ લઈ રહ્યા છે. વડાપ્રધાને જણાવ્યું હતું કે છેલ્લા ૮ વર્ષમાં ડિજિટલ ઈન્ડિયાને દેશમાં એ સામર્થ્ય આપ્યું કે કોરોના વૈશ્વિક મહામારી સામે લડવામાં ભારતે ખૂબ મદદ કરી છે. જો ડિજિટલ ઈન્ડિયા અભિયાન ન હોત તો ૧૦૦ વર્ષમાં આવેલા આ સૌથી મોટા સંકટના સમયે આપણે દેશમાં શું કરી શકત? અમે દેશની કરોડો મહિલાઓ, ખેડૂતો, મજૂરોના બેંક ખાતામાં એક ક્લિકથી હજારો કરોડો રૂપિયા પહોંચાડી દીધા છે. વન નેશન વન રાશન કાર્ડની મદદથી અમે ૮૦ કરોડથી વધારે દેશવાસીઓને મફતમાં રાશન સુનિશ્ચિત કર્યું છે. વડાપ્રધાને કહ્યું હતું કે વિશ્વના ૪૦ ટકા ડિજિટલ ટ્રાન્ઝેક્શન માત્ર ભારતમાં થાય છે. આ ભારતની તાકાત છે. આજે મોલમાં જે ટ્રાન્ઝેક્શનની ટેક્નોલોજી છે, તે ટેક્નોલોજી ફુટપાથ પર ધંધો કરતા વ્યક્તિ પાસે છે,કોરોના કાળમાં ૩ કરોડથી વધુ લોકોએ ઘરે બેસી મોબાઇલ પર તબીબી સલાહો લીધી, ડિજિટલ ક્રાંતિને કારણે રોજગારની તકોમાં ખુબ વધારો થયોઃ છે ડિજિટલ ઈન્ડિયાને કારણે ભ્રષ્ટાચાર પર લગામ લાગી છે. પહેલા સામાન્ય કામ માટે પૈસા આપવા પડતા હતા. ડિજિટલ ઈન્ડિયા વચેટિયાઓનું નેટવર્ક સમાપ્ત કરી રહ્યું છે. ગુજરાત ડિજિટલ ઈન્ડિયા કાર્યક્રમમાં પથદર્શકની ભૂમિકા નિભાવી રહ્યું છે. મને ખુશી છે કે ૮ વર્ષ પહેલા શરૂ થયેલું અભિયાન બદલતા સમયની સાથે ખુદને વિસ્તાર આપી રહ્યું છેઃ પીએમ મોદીએ કહ્યુ કે, આજનો કાર્યક્રમ ૨૧મી સદીના ભારતની ઝલક છે. સમયની સાથે ટેક્નોલોજીનો સમાવેશ થયો. જે લોકો ટેક્નોલોજી સાથે ચાલતા નથી, તે સમયથી પાછળ રહી જાય છે.