એકનાથ શિંદેની સરકાર છ માસમાં પડી શકે છે : પવાર

5

પવારે પાર્ટીના નેતાઓ સાથે રાજ્યમાં મધ્ય ગાળાની ચૂંટણીની સંભાવનાને ધ્યાનમાં રાખતા જનસંપર્ક વધારવા માટે કહ્યું
નવી દિલ્હી, તા.૪
રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી પ્રમુખ શરદ પવારે કહ્યુ કે મહારાષ્ટ્રમાં મધ્ય ગાળાની ચૂંટણી થવાની સંભાવના છે કેમ કે શિવસેનાના બાગી નેતા એકનાથ શિંદેના નેતૃત્વવાળી સરકાર આગામી ૬ મહિનામાં પડી શકે છે. તેમણે એ નિવેદન રાકાંપા ધારાસભ્યો અને પાર્ટીના અન્ય નેતાઓને સંબોધિત કરતા આપ્યુ. શરદ પવારે પોતાની પાર્ટીના ધારાસભ્યો અને અન્ય નેતાઓ સાથે રાજ્યમાં મધ્ય ગાળાની ચૂંટણીની સંભાવનાને ધ્યાનમાં રાખતા જનસંપર્ક વધારવા માટે કહ્યુ. બેઠકમાં સામેલ રાકાંપાના એક નેતાએ શરદ પવારના હવાલાથી કહ્યુ, મહારાષ્ટ્રમાં નવરચિત સરકાર આગામી છ મહિનામાં પડી શકે છે. તેથી તમામે મધ્યગાળાની ચૂંટણી માટે તૈયાર રહેવુ જોઈએ. એનસીપી નેતા અનુસાર શરદ પવારે બેઠકમાં કહ્યુ કે શિંદેનુ સમર્થન કરી રહેલા કેટલાક બાગી ધારાસભ્ય હાજર વ્યવસ્થાથી ખુશ નથી. એકવાર મંત્રીઓને વિભાગોની વહેંચણી થયા બાદ તેમની અશાંતિ સામે આવશે, જેના પરિણામ સ્વરૂપ અંતત સરકાર પડી જશે. પવારે એ પણ કહ્યુ કે આ પ્રયોગની નિષ્ફળતાના કારણે કેટલાક બાગી ધારાસભ્ય પોતાની મૂળ પાર્ટીમાં પાછા આવશે. તેમણે કહ્યુ કે જો અમારા હાથમાં માત્ર ૬ મહિના છે, તો રાકાંપા ધારાસભ્યોએ પોત-પોતાના વિધાનસભા વિસ્તારમાં વધારે સમય વિતાવવો જોઈએ. શિવસેના-એનસીપી-કોંગ્રેસના ગઠબંધનવાળી મહાવિકાસ અઘાડી સરકારના પતન બાદ એકનાથ શિંદેએ ગત ૩૦ જૂને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા જ્યારે ભાજપના વરિષ્ઠ નેતા દેવેન્દ્ર ફડણવીસે તેમના ડેપ્યુટી તરીકે શપથ લીધા. એકનાથ શિંદેના નેતૃત્વમાં લગભગ ૪૦ શિવસેના ધારાસભ્યોએ પાર્ટી નેતૃત્વ વિરુદ્ધ ૨૨ જૂને વિરોધ કરી દીધો હતો અને પહેલા સુરત પછી ગુવાહાટીની હોટલમાં કેમ્પ કરી ગયા હતા. જેના પરિણામસ્વરૂપ ૨૯ જૂને ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વવાળી મહા વિકાસ અઘાડી સરકાર પડી ગઈ હતી. રવિવારે થયેલી મહારાષ્ટ્ર વિધાનસભા અધ્યક્ષની ચૂંટણીમાં પણ ઉદ્ધવ ઠાકરે જૂથને ઝટકો લાગ્યો. બીજેપી ધારાસભ્ય રાહુલ નાર્વેકર નવા સ્પીકર પસંદ કરાયા. તેમને શિંદે જૂથ અને બીજેપી ધારાસભ્યોને મળીને કુલ ૧૬૪ મત મળ્યા. જ્યારે ઉદ્ધવ ઠાકરેના શિવસેનાના ઉમેદવાર રાજન સાલ્વીને કોંગ્રેસ અને એનસીપીના સમર્થન છતાં ૧૦૭ મત મળ્યા.

Previous articleએકનાથ શિંદેએ ૧૬૪ મત સાથે ફ્લોર ટેસ્ટ જીતી લીધો
Next articleગુજરાતમાં ૨૪ કલાકમાં ૧૫૫ તાલુકામાં વરસાદ