ગાંધીનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ગુરૂવારે રાત્રે બાતમીનાં આધારે ગાંધીનગરનાં ઘ-૬ સર્કલથી પેથાપુર જતા માર્ગ પર ચરેડી છાપરામાં દરોડો પાડીને વિદેશી દારૂની ૩૬ બોટલ તથા બે વાહનો સાથે એક શખ્સને ઝડપી લીધો હતો. જયારે અન્ય શખ્સો ફરાર થઇ ગયા હતા. બે વાહનોમાં દારૂની હેરફેર થતી હોવાની બાતમી એલસીબીને મળતા દરોડો પાડ્યો હતો. કુલ રૂ.૧.૦૭ લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.
એલસીબી પીએસઆઇ ડી ડી રહેવર તેમની ટીમનાં જવાનો કિરીટભાઇ, જીતેન્દ્રસિંહ, ભવાનસિંહ તથા રાજેન્દ્રસિંહ સાથે પ્રોહીબીશન તથા જુગાર અંતર્ગત નાઇટ ડ્રાઇવમાં હતા. ત્યારે સેકટર ૨૮માં ચરેડીનાં છાપરામાં પાણીની ટાંકી વાસે ફોર વ્હીલર તથા એક્ટીવા પર આવેલા શખ્સો વિદેશી દારૂની હેર-ફેર કરતા હોવાની બાતમી પોલીસ જવાન ભવાનસિંહ બાબુજીને મળી હતી. એલસીબી ટીમે તાત્કાલીક દોડી જઇને દરોડો પાડતા અંધારામાં કેટલાક શખ્સો ભાગી ગયા હતા. જયારે શોએબખાન શેરખાન પઠાણ (રહે ચરેડી છાપરા) ઝડપાઇ ગયો હતો.