રિપોર્ટ અનુસાર, ચીનનો વિકાસ દર આ વર્ષે ૪.૩ ટકા રહેશે, જયારે ભારતનો વિકાસ આ વર્ષે દર ૭.૫ ટકા રહેશે
નવીદિલ્હી,તા.૫
આંતરરાર્ષ્ટ્રીય રેટિંગ એજન્સીઓએ ભારતનાં વિકાસ દરમાં ઘટાડો થવાનું અનુમાન કર્યુ છે. પરંતુ બીજી તરફ વિકાસ દરમાં ઘટાડો થવા છતાં પણ ૨૦૨૨માં ભારતનો વિકાસ દર વિશ્ર્વનાં અન્ય વિકસિત અને વિકાસશીલ દેશોની સરખામણીએ સૌથી વધુ રહી શકે છે. એટલું જ નહીં, પરંતુ પહેલીવાર ભારતનો આર્થિક વિકાસ દર ચીનની સરખામણીએ ઘણો વધારે રહેવાની સંભાવના છે.
વિશ્ર્વ બેન્કનાં જૂનમાં જાહેર થયેલા રિપોર્ટ અનુસાર, ચીનનો વિકાસ દર આ વર્ષે ૪.૩ ટકા રહેશે. જયારે ભારતનો વિકાસ દર ૭.૫ ટકા રહેશે. આવી જ રીતે આઈએમએફનો રિપોર્ટ પણ ચીનની સરખામણીએ ભારતનાં વિકાસ દરની ઝડપ વધવાની વાતને સમર્થન આપે છે. થોડા સમય પહેલાં આરબીઆઈની તરફથી જાહેર થયેલ માસિક રિપોર્ટમાં યુક્રેન-રશિયાનાં યુધ્ધ પછી વિશ્ર્વમાં અન્ય દેશોની જેમ ભારતની અર્થ વ્યવસ્થા પર પણ વિપરિત અસર પડવાની વાત કહેવામાં આવી છે પરંતુ એ પણ માનવામાં આવ્યું છે કે, ભારત અન્ય દેશોની સરખામણીએ હવે ઝડપી વિકાસ કરશે. ભારતની રશિયા, ચીન, બ્રાઝિલ અને આફ્રિકન દેશો સાથે તુલના કરવામાં આવી છે. જેમાં ઓઈસીડી અને વિશ્ર્વ બેન્કનાં રિપોર્ટનું તુલનાત્મક અધ્યયન જાહેર કરવામાં આવ્યું છે. ઓઈસીડીએ ભારતનાં વિકાસ દરનાં અનુમાનને ૮.૧ ટકાથી ઘટાડીને ૬.૯ ટકા કરી દીધું છે, જયારે વિશ્ર્વ બેન્કે ૪.૭ ટકાથી ઘટાડીને ૭.૫ ટકા કરી દીધું છે. ત્યારે આ એજન્સીઓએ ચીન માટેનાં અનુમાનને ક્રમશઃ ૫.૧થી ૪.૪ ટકા અને ૫.૧થી ૪.૩ ટકા કરી દીધું છે. એવી જ રીતે આઈએમએફનાં નવા રિપોર્ટ મુજબ ભારતનો વિકાસ દર ૯ ટકા ઘટીને ૮.૨ રહેશે, જયારે ચીનનો વિકાસ દરનાં અનુમાનને ૫.૧થી ઘટાડીને ૪.૪ ટકા કરી દીધો છે. ૨૦૨૧ની વાત કરીએ તો ચીનનો વિકાસ દર ૮.૨ ટકા રહ્યો હતો. ભારતીય અર્થ વ્યવસ્થામાં ૮.૭ ટકાનો વૃધ્ધિ દર રહ્યો હતો. તેનાથી પાછળનાં વર્ષમાં ભારતીય અર્થ વ્યવસ્થામાં ૬.૬ ટકાની કમી રહી હતી. ત્યારે કોરોના હોવા છતાં ચીને ૨.૩ ટકાની વૃધ્ધિ પ્રા કરી લીધી હતી.