સાહેબ ગુજરાતમાં વાઘ છે, વાઘ સાબરકાંઠામાં દેખાયો છે, વાઘ પંચમહાલમાં દેખાયો, વાઘ નર્મદા વિસ્તારમાં મહારાષ્ટ્રની સરહદમાં આવ-જા કરે છે તેવી રજૂઆત વનવિભાગ સુધી પહોંચતા વન વિભાગ પણ હરકતમાં આવ્યું હતું.
વન વિભાગને પણ વાતમાં કંઇક વજૂદ છે તેવું લાગતા નર્મદા આસપાસના ૧૦૫૨ ચોરસ કિલોમીટર વિસ્તારમાં સીસીટીવી કેમેરા લગાવ્યા. છેલ્લા ચાર મહિનાથી આવા કેમેરા લગાવ્યા છે, તેના સ્થળ પણ બદલવામાં આવે છે, આમછતાં હજુસુધી વાઘ છે તેવા કોઇ પુરાવા મળ્યા નથી. પરિણામે વન વિભાગ પણ એવું માનવા લાગ્યું છે કે ગુજરાતમાં વાઘ છે તેવી વાત આપણી ગુજરાતી કહેવત જેવી છે, વાઘ આવ્યો..વાઘ આવ્યો.
આ બાબતે વન વિભાગના ટોચના સૂત્રોના કહ્યા પ્રમાણે ગુજરાતમાં ૧૯૯૩માં હાથ ધરાયેલી ગણતરીમાં વાઘ-ટાઇગર નામશેષ થઇ ગયા હોવાનું બહાર આવ્યું હતું. આ પછી ક્યારેય ગુજરાતમાં વાઘ દેખાયા નથી. છેલ્લા બે વર્ષથી જે તે વિસ્તારના નાગરિકો દ્વારા વાઘ દેખાય છે, વાઘ દેખાય છે તેવી વિશ્વાસ સાથેની રજૂઆત કરવામાં આવી હતી. નર્મદા વિસ્તારની સરહદ મધ્યપ્રદેશની અડીને આવ્ેલી હોવાથી સ્થાનિક નાગરિકોએ વાઘ હોવાનું વિશ્વાસ સાથે કહ્યું હતું. આ વિસ્તારના કેટલાક શિક્ષિત લોકોએ ટાઇગર હોવાનું કહેતા વન વિભાગે પણ તથ્ય હશે કે કેમ, તે તપાસ કરવાની જરૂર જણાય.
વન વિભાગે સેન્ચ્યૂરીના ૬૦૦ ચો.કિ.મી. અને જંગલનો ૪૫૨ ચોરસ કિલોમીટર વિસ્તારમાં વાઘ છે કે નહીં તેના પુરાવા મેળવવા માટે ૭૮ કેમેરા લગાવ્યા છે. આ કેમેરાના ચોક્કસ દિવસોમાં અલગ અલગ વિસ્તારમાં મૂકવામાં આવે છે.
સતત ચાર મહિનાથી આ પ્રક્રિયા ચાલી રહીં છે. આવીરીતે સમગ્ર જંગલમાં એક પછી એક કેમેરા ફેરવવામાં આવ્યા છે, પણ હજુસુધી વાઘ દેખાયો નથી. છેવટે વન વિભાગે પણ પ્રાથમિક તબક્કે તો એવું માની લીધું છે કે ગુજરાતમાં વાઘ નથી. આમ છતાં હજુ કેમેરા લગાવી રાખ્યા છે, પણ હાથ ધરાયેલું કામ અધૂરું ન કહેવાય એટલે કેમેરા લગાવીને હજુપણ તપાસ થઇ રહી છે, રખેને વાઘ આવી જાય તો !
ગુજરાતમાં ૧૯૯૩માં કરાયેલી વન્ય પ્રાણીની વસ્તી ગણતરીમાં ટાઇગર ન હોવાનું સત્તાવાર બહાર આવ્યું હતું. આ પછી અવારનવાર સ્થાનિક લોકો દ્વારા નર્મદા, ડાંગ આસપાસના વિસ્તારમાં વાઘ છે તેવી રજૂઆત આવતી હતી. આથી નર્મદાના જંગલ વિસ્તારમાં કેમેરા લગાવવામાં આવ્યા છે, પણ હજુસુધી વાઘ દેખાયો નથી. ગુજરાતમાં વાઘ છે નહીં, મધ્ય પ્રદેશમાંથી ૨૦૦ કિમી પછી વાઘ અહીંયા આવે તેવી કોઇ શક્યતા પ્રાથમિક દ્રષ્ટિએ જણાતી નથી