ભારે વરસાદથી ગામ અને ખેતરો બેટમાં ફેરવાયાં
જૂનાગઢ,તા.૭
ગીર સોમનાથ જિલ્લામાં આભ ફાટ્યું છે. જિલ્લામાં ગત રાત્રિથી મેઘરાજા ઓળઘોળ થયા હોય એમ અનરાધાર હેત વરસાવનું શરૂ કર્યા બાદ સવાર સુધીમાં સાંબેલાધાર વરસાદ વરસાવી દેતાં પાણી પાણી કરી દીધું હતું. એમાં સુત્રાપાડામાં સાત કલાકમાં ૧૨ ઇંચ, કોડીનારમાં સાતેક કલાકમાં ૯ ઇંચ અને વેરાવળ-સોમનાથમાં છ કલાકમાં ૫ ઇંચ વરસાદ ખાબક્યો છે. એને પગલે સુત્રાપાડા અને કોડીનાર શહેર તથા પંથકમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઇ છે. તો ભારે વરસાદને પગલે વેરાવળ-કોડીનાર વચ્ચે પેઢાવાડા પાસે હાઇવેનાં કામ અંર્તગત કઢાયેલા રસ્તાઓ સોમત નદીના પૂરના પાણીમાં ગરકાવ થતાં વાહન-વ્યવહાર ખોરવાઇ જતાં બંન્ને તરફ વાહનોની લાઇનો લાગી હતી. તો ગ્રામ્ય વિસ્તારના રસ્તાઓ અને ખેતરો પાણીમાં ગરકાવ થયાં છે.
રાજ્યના હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ ગીર સોમનાથના દરીયાકાંઠે વસેલા વેરાવળ, સુત્રાપાડા અને કોડીનાર તાલુકામાં ગત રાત્રિથી મેઘરાજાએ મુકામ કરી હેત વરસાવવાનું શરૂ કર્યું છે. આ ત્રણેય તાલુકામાં વરસેલા વરસાદની વાત કરીએ તો સૌથી વધુ સુત્રાપાડામાં રાત્રિના શરૂ થયેલી મેઘસવારીએ સવારે ૧૦ વાગ્યા સુધી સાત કલાકમાં ૨૮૦ મિમી (૧૨ ઇંચ), કોડીનારમાં ૨૨૫ મિમી (૯ ઇંચ) અને વેરાવળમાં ૧૨૪ મિમી (૫ ઇંચ) વરસાદ વરસાવી દીધો હતો. જેના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી. તો ખેતરોમાં પાકને જરૂરી એવા ખરા સમયે જ વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીની લહેર પ્રસરી ગઇ હતી. તો કોડીનાર અને સુત્રાપાડા શહેર-પંથકમાં વરસેલા સાંબલેધાર વરસાદના પગલે લોકો અને વાહનચાલકોને અનેક પ્રકારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. સુત્રાપાડા શહેર-પંથકમાં ગતરાત્રીના અઢી વાગ્યા આસપાસ મેઘરાજાએ પધરામણી કર્યા બાદ વ્હેલી સવારે સાત વાગ્યા સુધી અનરાઘાર વરસાદ વરસ્યો હતો. આ બાદ પણ વરસાદ ધીમી ધારે વરસવાનું ચાલુ જ હતુ. આમ સાત કલાકમાં ૧૨ ઇંચ જેવો વરસાદ વરસી જતા શહેર-પંથકમાં ઠેરઠેર પાણી ભરાઇ ગયા હતા. સુત્રાપાડા પંથકમાં આભ ફાટ્યા જેવા ભારે વરસાદના પગલે ખેતરોમાં પાણી ભરાઇ જતા બેટમાં ફેરવાઇ ગયાનો નજારો જોવા મળતો હતો. પંથકના મટાણા સહિતના અનેક ગામો બેટમાં ફેરવાઇ ગયાના દ્રશ્યો સામે આવ્યા છે. મટાણા ગામને જોડતા બ્રિજ ઉપર વરસાદી પાણી ફરી વળતા વાહન વ્યવહાર અટકી જવાની સાથે ગામની અંદર રસ્તા-શેરીઓમાં નદી વહેતા ગ્રામજનો મુશ્કેલીમાં મુકાયા હતા. જ્યારે પ્રશ્નાવડા, લોઢવા, સીંગસર સહિતના ગામોની શેરીમાં નદી વહેતી થતા બેટમાં ફેરવાયા જેવો નજારો જોવા મળતો હતો. સુત્રાપાડાનો વાડી વિસ્તાર સહિત નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા જતા લોકો મુશ્કેલીમાં મુકાયા હતા. સુત્રાપાડા તાલુકાના અન્ય ગામોને જોડતા ઉંબરી સહિતના મુખ્ય માર્ગો ઉપર પાણી ભરાતા બંધ થઇ જતા વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા.
કોડીનાર પંથકમાં પણ ગતરાત્રીથી જ મેઘરાજા અનરાધાર વરસી રહ્યા છે. જે સવારે પણ અવિરત ચાલુ હતુ. જેના લીધે કોડીનાર શહેર-પંથકમાં સાતેક કલાકમાં ૯ ઇંચ જેટલો વરસાદ વરસી જતા જળમગ્ન જેવી સ્થિતિ અનેક જગ્યાએ જોવા મળી હતી. કોડીનાર શહેરની અનેક સોસાયટીઓ, રસ્તાઓ અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતા. તો પંથકના દરીયાકાંઠાના મુળદ્રારકા, માલાશ્રમ સહિતના ગામોની અંદર નદીઓ વહેતી થઇ હતી. તો અનેક લોકોના ઘરોમાં પાણી ઘુસી જતા ગ્રામજનો હેરાન પરેશાન થયા હતા.ે આજના ભારે વરસાદના પગલે નિર્માણાધીન વેરાવળ-કોડીનાર નેશનલ હાઇવે ઉપર મોરડિયા અને પેઢાવાડા ગામની વચ્ચે પુલનું કામ ચાલી રહ્યુ હોવાથી કાઢવામાં આવેલું ડાયવર્ઝન સોમત નદીમાં આવેલા પૂરના ધસમસતા પાણીમાં ગરકાવ થઇ ગયું હતું. આ ધસમસતા પૂરના પાણીમાં ડાયવર્ઝન ઘોવાઇ ગયું હતું. જેના પૂરથી જોખમી રીતે પસાર થઇ રહેલા મોટા વાહનો પૈકી ટ્રક ફસાઇ ગયાના દ્રશ્યો સામે આવ્યા હતા. આમ હાઇવેના પુલનું કામ સમયસર પુર્ણ ન કરવાની નેશનલ હાઇવેની ઘોર બેદરકારીનો ભોગ વાહનચાલકોને સહન કરવાનો વારો આવ્યો હતો. રાજ્યમાં ભારે વરસાદના કારણે ૧૩૭ વિજપોલ ધરાશાયી થતા સૌરાષ્ટ્રના ૬૩ જેટલાં ગામડાઓમાં અંધારપટ છવાઇ ગયો છે. ભારે પવન સાથે અનેક વીજપોલ ધરાશાયી થયા છે. વીજવિભાગ દ્વારા વીજપુરવઠો ઝડપી કાર્યરત કરવા માંગ કરવામાં આવી છે. વરસાદી સીઝનમાં ગામડાઓમાં અંધારપાટ છવાઇ જતા લોકોએ ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે.