વઢવાણીયા વટે ચડ્યા ! : શહેરમાં સતત ચોથા દિવસે ગેરકાયદે બંધાતી મિલ્કતોને નોટિસ ફટકારવાનું યથાવત

22

ગામતળમાં ૬, કાળિયાબીડમાં ૩ અને કુંભારવાડામાં ૨ મિલકતનું મંજૂરી વગર ગેરકાયદે બાંધકામ થતું પકડી પાડ્યું
ભાવનગરમાં તંત્રની મંજૂરીની ઐસી તૈસી કરી બાંધકામો કરવાનો જાણે ટ્રેન્ડ ચાલ્યો હોય તેમ શહેરનો એક પણ વિસ્તાર આમા બાકાત નથી! મ્યુ. ટીડીઓ વિભાગ દ્વારા સોમવારથી આવી મિકલતોને શોધીને નોટીસ ફટકારવાનું અભિયાન ચાલી રહ્યું છે, તંત્ર પણ ફૂલ ફોર્મમાં હોય એમ શહેરના એક પછી એક વિસ્તારોમાં તપાસ આગળ ધપાવતું જાય છે. કુંભારવાડા વિસ્તારમાં ભાગ્યે જ જતા તંત્ર વાહકોએ આ વખતે કુંભારવાડામાં નિયમ વિરુદ્ધ બાંધકામ થતી ૨ મિલકત શોધી લઇ તેને નોટીસ ફટકારાઈ છે. ઉલ્લેખનીય છે કે, શહેરમાં ફુટી નીકળેલા ગેરકાયદે બાંધકામો મામલે મ્યુ. સભામાં શાસક-વિપક્ષે ભેગા મળી તડાપીટ બોલાવતા તંત્રએ પણ કોઇ રોકો નહીં તો કાર્યવાહી કરવા તૈયારી દેખાડી હતી અને આખરે મંજૂરી મળી હોય તેમ ટાઉન ડેવલોપમેન્ટ વિભાગના અધિકારી વઢવાણીયાના નેતૃત્વ તળે શહેરમાં ચાર દિવસથી કાર્યવાહી હાથ ધરાઇ છે. મહાપાલિકાના ટાઉન ડેવલપમેન્ટ વિભાગને કાર્યવાહી માટે છૂટો દૌર અપાયો છે આથી હવે ટીડી વિભાગની ટીમએ શહેરના જુદા જુદા વિસ્તારમાં નિયમ વિરુદ્ધના બાંધકામો પર તવાઈ બોલાવી છે અને નોટીસો ફટકારવાનો દૌર આગળ ધપ્યો છે, ગુરુવારે ગામતળમાં ૬, કાળિયાબીડમાં ૩ અને કુંભારવાડામાં ૨ મિલકતનું મંજૂરી વગર, ગેરકાયદે બાંધકામ થતું હોવાનું તંત્રની તપાસ દરમિયાન ધ્યાને આવ્યું હતું જે તમામને નોટીસ ફટકારાઈ છે.જોકે, હાલ નોટીસ ફટકારી તંત્રએ દોડતા કર્યા છે પરંતુ ખરા અર્થમાં કાર્યવાહી થશે કે કેમ .? એ તો સમયે જ ખબર પડશે. કારણ કે અગાઉ પણ આવા તમાશા થઈ ચૂક્યા છે અને તંત્ર પાણીમાં બેસી ગયું છે કે બેસાડી દેવાયું છે.! નિયમ વિરુદ્ધ બાંધકામ કરવા વાળા લોકો આ બધું સારી પેઠે જાણે છે અને એટલે જ તંત્રની ઐસી તૈસી કરી બાંધકામો ખડકાઈ રહ્યા છે, વળી કેટલાક રાજકીય આગેવાનો, કાર્યકરો પણ દલાલી લઇ કામ પાર પડાવી દયે છે ! ગામતળમાં તો ચોક્કસ લોકોએ આ પ્રકારના બાંધકામને સુરક્ષા પુરી પાડવા દુકાનો ખોલી બેઠા છે. ત્યારે હવે તંત્ર વાહકો શુ કરે છે તે જોવું રહ્યું.
હાલ ભલે તંત્ર તવાઈ લાવ્યું હોય પરંતુ કાર્યવાહી થયે એટલે કે નિવડયે વખાણ થાય !

Previous articleવળીયા કોલેજ રાષ્ટ્રીય સેવા યોજના-ભાવનગર સાયબર સેલનાં સયુંકત ઉપક્રમે સાઈબર ક્રાઈમ જન જાગૃતિ કાર્યક્રમ યોજાયો
Next articleદિવ્યેશ સોલંકીના જન્મદિન નિમિત્તે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિધાર્થી ભાઇઓ અને બહેનો માટે મોટિવેશનલ સેમિનાર