ભાવનગર ખાતે કારડીયા રાજપુત યુવા સંઘ દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં અક્ષરવાડીના કોઠારી સ્વામી તેમજ સુરતના ડીસીપી સર્જનસિંહ પરમાર ની ઉપસ્થિતિમાં નજીકના ટાઢાવડ ગામના વતની,સમાજસેવી અને કારડીયા રાજપૂત સંઘનાં અગ્રણી આશાપુરા જવેલર્સ વાળા માનસિંહભાઈ ચૌહાણ સતત ૫૭ ની વાર રક્તદાન કરી યુવાનોને પ્રેરણા આપી માર્ગદર્શક બન્યા હતા. તેઓ ૧૯૮૭ થી નિરંતર રક્તદાન પ્રવૃત્તિઓમાં જોડાયેલા છે. તેમની સુજ અને પ્રેરણા થકી સમાજમાં અત્યાર સુધીમાં એકસોથી પણ વધુ વખત રક્તદાન કેમ્પના સફળ આયોજનો થયા છે. તેમની સમાજ ઉપયોગી અને પરોપકારની નિસ્વાર્થ ભાવના થકી રક્તદાનનું માનવતાવાદી અને કરવા જેવું કામ થઈ રહ્યું છે. તેઓની રક્તદાન પ્રવૃત્તિ ની ઝુંબેશના ભાગરૂપે ૧૯૯૭ થી બહેનોમાં પણ રક્તદાનની જાગૃતિ આવે તે માટે દંપત્તિમાં રક્તદાન કરાવવા “દંપતિ રક્તદાન કેમ્પ” પણ ચાલુ કર્યા છે. જે આજે પણ શરૂ છે. આજથી ત્રણ દાયકા પહેલાં શૈક્ષણિક કામ સાથે રક્તદાન સેવા પ્રવૃત્તિનો પ્રારંભ થયો હતો. ત્યારે લોકોમાં અજ્ઞાનતાને લીધે છૂપો ડર હતો. એ ડર દૂર કરવા રક્તદાન પ્રવૃત્તિની ઝુંબેશ શરૂ કરી હતી. ગ્રામ્ય સ્તરે પણ આ પ્રવૃત્તિ આજે વિસ્તરી છે. રક્તદાન પ્રવૃત્તિ ની નોંધ લેવા સાથે માનસિંહભાઈને રાજ્યકક્ષાએ ૨૦૦૪ માં સિવિલ હોસ્પિટલ, અમદાવાદ ખાતે એવોર્ડ ફાળવવામાં આવ્યો હતો. ફરીવાર આ જ પ્રવૃત્તિ માટે ૨૦૦૭માં પણ બહેનોમાં સૌથી વધુ રક્તદાન કરાવવા બદલ એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા.