નવી દિલ્હી,તા.૮
ગુરુવારે ભારતીય ક્રિકેટ ટીમે ઈંગ્લેન્ડ સામેની ત્રણ ટી૨૦ સીરિઝની શરૂઆત જીત સાથે કરી. ટોસ જીતીને પહેલા બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમે ૨૦ ઓવરમાં ૮ વિકેટ પર ૧૯૮ રન બનાવ્યા હતા. તો ઈંગ્લેન્ડ ૧૯.૩ ઓવરમાં ૧૪૮ રન પર સમેટાઈ હતી. આમ ભારતે ૫૦ રનથી પહેલી મેચ પોતાના નામે કરી હતી. મેચ પત્યા બાદ રોહિત શર્માએ ટીમના ખેલાડીઓની પ્રશંસા કરી હતી. જો કે, તે સૌથી વધુ પ્રભાવિત હાર્દિક પંડ્યાથી થયો હતો. તેણે કહ્યું હતું ’હાર્દિકે આઈપીએલથી અત્યારસુધી જે રીતે પોતાને તૈયાર કર્યો છે, તે શાનદાર છે. હું કોઈ વાતથી પ્રભાવિત થયો હોઉં તો તે છે તેને બોલિંગ. તે ભવિષ્યમાં વધારે બોલિંગ કરવા માગે છે. તેણે ઝડપી ગતિથી બોલિંગ કરી, વિવિધતાનો ઉપયોગ કર્યો અને બોલને રિવર્સ સ્વિંગ કરવામાં સફળ રહ્યો. આપણે તે ભૂલવું ન જોઈએ કે તેણે કેવી બોલિંગ કરી’. જણાવી દઈએ કે, આ મેચમાં પંડ્યાએ ૫૧ રન બનાવ્યા હતા અને ૪ વિકેટ ઝડપી હતી. રોહિત શર્માએ બેટ્સમેનના પણ વખાણ કર્યા હતા. તેણે કહ્યું હતું ’મેચમાં સૌએ સારું પર્ફોર્મ કર્યું. બેસ્ટમેને સારો જુસ્સો દેખાડ્યો, જો કે પીચ સારી હતી જેના પર અમે સારા શોટ્સ્ રમી શક્યા હતા. અમે સારા શોટ્સ રમવાનો પ્રયાસ કર્યો હતો. પાવરપ્લે દરમિયાન ટીમની શાનદાર સ્વિંગ બોલિંગની પ્રશંસા કરતાં કેપ્ટને કહ્યું હતું ’આ એક એવુ પાસું છે જેને અમે ધ્યાનમાં રાખ્યું હતું. અમે પહેલા બેટિંગ કરવા માગતા હતા. ૮ વાગ્યાની આસપાસ મેદાનમાં પવન ફૂંકાતો હતો અને અમે તેનો ઉપયોગ કરવા માગતા હતા. શરૂઆતમાં બંને બોલરે સારી બોલિંગ કરી હતી. બંનેએ પરિસ્થિતિનો સારો લાભ ઉઠાવ્યો હતો અને બોલને સ્વિંગ કરવામાં સફળ રહ્યા હતા તેમજ ઈંગ્લેન્ડના બેટ્સમેન માટે મુશ્કેલીઓ ઉભી કરી હતી. ટીમ ઈન્ડિયાના ખેલાડીઓએ કેટલાક કેચ પણ છોડ્યા હતા. તેના પર રોહિત શર્માએ કહ્યું હતું ’અમે મેદાનમાં સુસ્ત હતા. જે કેચ છૂટ્યા તે લઈ શકતા હતા. અમે જે પ્રકારની ફીલ્ડિંગ કરી તેના પર ગર્વ નથી. પરંતુ મને આશા છે કે આગામી મેચોમાં અમે ફીલ્ડિંગમાં સુધારો કરવામાં સફળ રહીશું’.
Home Entertainment Sports ઈંગ્લેન્ડ સામેની મેચમાં ભારતનો ૫૦ રનથી વિજય, રોહિત શર્મા જીતથી ગદ્દગદ્દ થયો