જાપાનના પૂર્વ વડાપ્રધાન શિંજો આબેનું મોત

8

૪૨ વર્ષના હુમલાખોરે શિંજો આબે પર ભાષણ કરતા હત્યા ત્યારે બે ગોળી છાતીમાં ધરબી દીધી, સારવાર દરમિયાન ૬૭ વર્ષના નેતાનું મોત નિપજ્યું
ટોકિયો, તા.૮
જાપાનના ૬૭ વર્ષના પૂર્વ વડાપ્રધાન શિંજો આબેને એક સભામાં ભાષણ દરમિયાન ગોળીઓ મારવામાં આવી હતી. ગોળી વાગ્યા પછી બનાવના સ્થળ પર જ ઢળી પડેલા શિંજો આબેનું સારવાર દરમિયાન મોત થઈ ગયું છે. શિંજો આબે પર હુમલો થયા પછી તાત્કાલિક તેમને એર એમ્બ્યુલન્સ દ્વારા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. મળતી વિગતો પ્રમાણે તેમને ગોળી વાગ્યા પછી હાર્ટ અટેક પણ આવ્યો હતો. શિંજો આબે સભા કરી રહ્યા હતા ત્યારે એક ૪૨ વર્ષનો શખ્સ સભા સ્થળ પર આવ્યો અને તેમને બે ગોલીઓ મારી દેવામાં આવી હતી. હુમલો કરનારા શખ્સે ઉપરાછાપરી બે ગોળીઓ ચલાવી હતી, જે તેમના છાતીના ભાગે વાગી હતી. ગોળીબારની આ ઘટના જાપાનના નારા પ્રાંતમાં બની હતી. ફાયરિંગ પછી શિંજો આબેની હાલત ગંભીર હોવાની વિગતો મળી હતી અને તેમને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમને અંતિમ શ્વાસ લીધા છે. ગોળી વાગતા તેમના શરીરમાંથી લોહી વહેવાનું શરુ થઈ ગયું હતું. પોલીસે શિંજો આબે પર હુમલો કરનારા ૪૨ વર્ષના શખ્સની ધરપકડ કરીને તેની પાસેથી હથિયાર પણ કબજે લીધું છે. આ હુમલાખોર કોણ છે અને તેનો હુમલા પાછળનો શું ઉદ્દેશ્ય હતો તે અંગે વધુ તપાસ કરવામાં આવી રહી છે.આ કેસમાં હુમલાખોર શિંજો આબે પર ગોળીઓ ચલાવ્યા બાદ ત્યાં જ ઉભો રહી ગયો હતો, પોલીસે તેની ધરપકડ કરી લીધી છે. આ શખ્સ ૪૨ વર્ષનો છે અને ઘટના બાદ તાત્કાલિક તેની ધરપકડ કરી લેવામાં આવી હતી. હુમલાખોર પાસેથી પોલીસે જે બંદૂકનો ઉપયોગ કરવામાં આવ્યો હતો તે કબજે કરી લીધી છે. જ્યારે શિંજો આબે ગોળી વાગ્યા પછી નીચે પડ્યા ત્યારે તેમનો શર્ટ લોહીથી લાલ થઈ ગયો હતો. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આબેના મોત પર શોક વ્યક્ત કરતા દેશમાં એક દિવસના રાષ્ટ્રીય શોકની જાહેરાત કરી હતી.
પોલીસે આરોપીની ધરપકડ કરીને તેના પાસેથી હથિયાર કબજે લઈને આ કેસની વધુ તપાસ હાથ ધરી છે. ૬૭ વર્ષના શિંજો આબે જાપાનની લિબ્રલ ડેમોક્રિટિક પાર્ટીના નેતા છે. તેઓ ૨૦૦૬-૨૦૦૭ અને ૨૦૧૨થી ૨૦૨૦ સુધી પાર્ટીના વરિષ્ઠ પદ પર પણ રહી ચૂક્યા છે. ૨૧ સપ્ટેમ્બર ૧૯૫૪માં જન્મેલા શિંજો આબે ૨૬ ડિસેમ્બર ૨૦૧૨થી ૧૬ સપ્ટેમ્બર ૨૦૨૦ દરમિયાન દેશના વડાપ્રધાન પદ પર રહ્યા હતા. શિંજો આબે વડાપ્રધાન મોદીના સારા મિત્ર છે તેઓ જ્યારે વડાપ્રધાન હતા ત્યારે હેરિટેજ સિટી અમદાવાદની મુલાકાત લીધી હતી અને સિદી સૈયદની જાળી પાસે આવેલી હોટલમાં ભોજન લીધું હતું.

Previous articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે
Next articleશિન્ઝો આબેના નિધન પર વડાપ્રધાન મોદીએ દુઃખ વ્યકત કર્યું