અગાઉ તારીખ જાહેર કરી તંત્ર ભૂલી ગયુ હતું !
ભાવનગરમાં એકમાત્ર સીટી મામલતદાર કચેરીએ જ જન સેવા કેન્દ્ર કાર્યરત છે ત્યારે લોકોને પડતી હાલાકી દૂર કરવા માટે એપ્રિલ મહિનામાં સાધારણ સભામાં ઠરાવ કરી કોર્પોરેશનના વોર્ડ વાઈઝ જુદી જુદી જગ્યાએ કેન્દ્ર શરૂ કરવાનો નિર્ણય કરાયો હતો પરંતુ આરંભે શૂરા હોય તેમ તંત્રએ જાહેરાત કરી પરંતુ અમલવારી કરી ન હતી. આખરે આજથી હાલ બે કેન્દ્રો કાર્યરત કરાયા છે.
ભાવનગર શહેરનાં નાગરિકોને ગુજરાત ડિજિટલ સેવા સેતુ હેઠળ જન સેવા કેન્દ્ર ખાતેની સેવાઓ તેમનાં રહેણાંકથી ઓછા અંતરે, ઝડપથી અને સરળતાથી ઉ૫લબ્ઘ થઇ શકે તે માટે ભાવનગર શહેરમાં સર્કલ જન સેવા કેન્દ્રોનો પ્રારંભ કરાયો છે. જેમાં આખલોલ જકાતનાકા, માર્કેટીંગ યાર્ડ પાસે કોર્પોરેશનની પશ્ચિમ ઝોનલ ઓફીસમાં ચિત્રા, ફુલસર, નારી, સીદસર, ઇન્દીરાનગર (વરતેજ) અને શહેરના રીંગ રોડ, સુમેરૂ સોસાયટી પાસે પૂર્વ ઝોનલ ઓફીસમાં તરસમીયા, રૂવા, અઘેવાડા, અકવાડા/નવા બંદર વિસ્તારના લોકોને સેવા મળી રહેશે.પશ્ચિમ ઝોનલ કચેરી ખાતે તેમજ પૂર્વ ઝોનલ કચેરી ખાતે સર્કલ જનસેવા કેન્દ્રનું લોકાર્પણ કેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણીના હસ્તે કરવામાં આવ્યું હતું. સર્કલ જન સેવા કેન્દ્રો ખાતેથી તેમાં સમાવિષ્ટ કરેલા વિસ્તાર-ગામોનાં લોકો વિવિઘ પ્રમાણ૫ત્રો,સેવાઓ મેળવી શકશે. જયારે ભાવનગર શહેરનાં અન્ય વિસ્તારનાં નાગરીકો, અરજદારો ભાવનગર શહેરનાં વિદ્યાનગર ખાતે આવેલ સીટી મામલતદાર કચેરી ખાતેનાં જન સેવા કેન્દ્ર ખાતેથી રાબેતા મુજબ મેળવી શકશે.