આખી કેરી ક્યારે ખાવા મળશે? (બખડ જંતર)

9

એનું નામ નમિતા.એનું ખ્વાબ સાંભળો તો ફૂંસ દઈને હસી જ પડો. ખરતા તારાને જોઈને વિશ કરે એ સાંભળો તમને આ છોકરી ક્રેક જ લાગે !
ચાલો એના ખ્વાબ કે વિશ વિશે પછીથી વાત કરીએ .
એના પપ્પા કેન્દ સરકારની કચેરીમાં કારકુન.૧૯૭૫ ની સાલમાં પગાર પણ કેવો? સવારની ઝાંકળ કે ઔંસબિંદુ જેવો. મોંઘવારીનો સૂરજ તપે એટલે હાથમાં ઝાંકળની ભીનાશનો ભ્રમયુકત અહેસાસ જ હોય!! બાકી આંખો દિવસ મોંઘવારીની લપેટો દઝાડતી હોય!!
નમિતાને કોઈ ભાઈ નહીં. બે બહેનો નમિતા સૌથી નાની. એના પપ્પા રજનીભાઈ. દીકરીને દીકરા સમકક્ષ માને. દીકરીઓને એ રીતે ઉછેરે. રજનીભાઇના સાળા અને સાળાવેલીઓ ગમાર ટાઇપના. ટુકી બુધ્ધિના. એ લોકો રજનીભાઈને ટોકે. રજનીલાલ ચીંથરા ઉડી જશે!! આ વનેચરીઓને માથે ચડાવી છે એક દિવસ તમારા પર છાણા થાપશે અને વરાવતા નાકે દમ આવશે.!!રજનીભાઈ એટલું જ કહે કે સમય આવ્યે ખબર પડશે કોના છોતરા ઉડી જશે અને છાપરાં ઉખડી જશે. દીકરી તો સાક્ષાત્‌ લક્ષ્મી સ્વરૂપ છે. એને દુભાવી કે દુખાવીને મારે રૌરવ નર્કમાં નથી જવું. એનું નસીબ લખાવીને આવી છે!!
ઘરની સ્થિતિ સારી પણ નહીંને ખરાબ પણ નહીં. ડગલે ને પગલે ચીજ, સગવડ,સૌંદ્રય પ્રસાધનો,વસ્ત્રો,આભૂષણો બાબતે સમાધાન હી સમાધાન કરવું પડે. કપડા તો મોટામાં વચેટ અને વચેટના નાની એમ ક્રમશઃ વપરાય. ભણવાના પુસ્તકોમાં પણ આ વ્યવસ્થાને ફોલો કરવાની. એક વાર તો ગજબ થઈ ગયો!
નમિતાથી મોટી એટલે કે રમીલા ધોરણ ૭ માં ભણે. વર્ગ શિક્ષકે દરેક છોકરાને મોટા થઇ શું બનવા ઈચ્છા છો એમ પૂછયું. વર્ગમાંથી સાત આઠ ડોકટર., પાઈલોટ, અવકાશયાત્રી, આઈએએસ ધડાધડ નીકળવા લાગ્યા. રમીલાનો વારો આવ્યો. રમીલાએ કહ્યુ કે એસએસસી થઇ કારકુન થવું છે!!વર્ગમાં રીતસર સોંપો પડી ગયેલો. નસીબ સારા કે તાસ પૂરો થવાનો ઘંટ વાગ્યોને બધા સંમોહનની અસરથી મુક્ત થયા!!
રજનીભાઈ ખાવાપીવાના શોખીન વરસે એકાદ વાર સપરિવાર હોટલ કે રેસ્ટોરન્ટમાં જમવા જાય! ઘરે વારાફરતી બધા વ્યંજનો બને. નમિતા કેરીની દિવાની. મીરા જેમ શ્યામની દિવાની એ હદે કેરીની દિવાની . રજનીભાઇ કચેરીથી ઘરે જતી વખતે એકાદ કેરી લેતા જાય! કેરી છાબડીમાં મુકે. નમિતા ટીકટીકી લગાવીને ત્રાટક કરતી હોય તેમ અનિમેષ નજરે પાંપણ ફરકાવ્યા વિના નિહાળ્યા કરે. માનો કે લવ એંટ ફર્સ્ટ સાઇટ !! કોઈ જોતું ન હોય તો કેરીનો સ્પર્શ પણ કરી આવે. રાતનું જમણ- વાળુપાણી પતે એટલે રજનીભાઇ ડીશ મંગાવે- છરી મંગાવે . છોકરીઓ મદારીનો ખેલ જોવા જેમ ભીડ જામે તેમ ગોઠવાઈ જાય. કોઈ પાસે ડીશ, કોઈ પાસે તાંસળું કોઈ પાસ વાડકી હોય . રજનીભાઈ પ્રેમ વત્સલ મીઠી નજરથી જીગરના ટુકડાને જોતા જાય. ચરકલડીઓ મોટી થઇને તેમના માળામાં જવા ઉડી જશે એ ખ્યાલે પલપલિયા તગતગે. કેરીનું ડીંટિયું એને પાછળની નાનો ભાગ ડીચકાવે. પછી કેરીને સરખા ભાગે સમારે. બે ચીરી નમિતાને મળે એક એક ચીરી વચેટ ને મોટાને મળે!! એક ચીરી વધે તે છોકરીઓની માને મળે. રજનીભાઈને ભાગે તો બહુધા ગોટલું જ આવે. પણ એમને સંતોષ . કોઈ ફરિયાદ નહીં!!
નમિતાને સપનામાં કેરી આવે. તે પણ સુવાંગ આખી. કેરી અક્ષત સ્વરૂપે અધખુલ્લા મોએ ઉદરમાં પહોંચે.!! ચહેરા પર તેનો પરિતોષ છલકાય!!
નમિતાની વિશ કહો કે ડ્રીમ કહો કે મને ક્યારે આખી સુવાંગ કેરી ઝાપટવા કે ઠુંસવા મળશે!! કાશ એ સોનેરી દિવસ જીવનમાં આવે!!!એ કેરીમય સ્વપ્નલોકમાં વિહરતી ,જયાં થોકબંધ કેરીનું પ્રાસન કરે!!
આજે નમિતા પચાસ પંચાવને પહોંચી છે. દોમદોમ સાહયબી છે. કેરીના કરંડિયા,ખોખા આવે છે .કેસર કેરી, આલ્ફાન્જો, આફૂસ, લંગડો, દેવગઢ બારિયાની આલા દરજ્જાની કેરી આવે છે.નમિતા બે પેટ કરીને કેરી ઝાપટે છે, કેટલીક વાર કરંડિયા/ખોખા ખોલ્યા વિના ડ્રાઈવર, સ્વીપર, હાઉસ મેડને આપી દે છે.
પણપપેલી કેરીની ચીરીમાં જે અમૃત કે સુધીનો અનુભવ થતો એ અનુભવ થતો નથી!! કારણ શું હશે તે તો રામ જાણે માણસ ભૂતકાળની યાદો/ સ્મૃતિંઓને ફ્રીઝ કરી નાસ્ટોલોજિયામાં રાચતો હોય છે. ગામ કે વતન છોડતી વખતે ગામમા પાદરનો પીપળો, તળાવમાં મારેલા ભૂસકા, ચોરીને ખાધેલા બોર, જામફળ, કેરી, કોઈને આપેલ- લીધેલ સ્ટોલન કિસસ વગેરેનો મનના ભંડકીયામાં સંઘરી રાખે છે, પરિવર્તનનો પ્રકાશ પ્રવેશવા ન દે. લાંબા અરસા બાદ વતન જાય અને થયેલા આમૂલાગ્ર પરિવર્તન સ્વીકારી શકતો નથી અને ભૂતકાળની સંદૂકમાં સંઘરેલી બટાઈ ગયેલી સ્મરણને છોડી શકતા નથી !!!!

– ભરત વૈષ્ણવ

Previous articleટી૨૦માં સુકાની તરીકે ૧૦૦૦ રન પૂરો કરનારો રોહિત ત્રીજો ભારતીય
Next articleગુરુ પૂર્ણિમા ગુરુના આશીર્વાદ મેળવવાનો દિવસ