ગુરુ પૂર્ણિમા ગુરુના આશીર્વાદ મેળવવાનો દિવસ

30

– ગુરુપૂર્ણિ નું મહત્વ
અષાઢ માસની પૂર્ણિમાને ગુરુપૂર્ણિમા કહેવામાં આવે છે.મહાભારતના રચયિતા વેદ વ્યાસનો જન્મદિવસ આ દિવસે હોવાથી તેમના સન્માનમાં ગુરુ પૂર્ણિમાને વ્યાસ પૂર્ણિમા નામથી પણ ઓળખવામાં આવે છે.
વેદ વ્યાસજીએ વેદો અને પુરાણો રૂપે આ ધરતીને જ્ઞાનનો જે મહાસાગર આપ્યો છે તેની તુલના કોઈની પણ સાથે શક્ય નથી. એટલે જ જ્ઞાનના આ ગુરુ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરતા ભક્તોએ અષાઢ સુદ પૂર્ણિમાને ’ગુરુ વ્યાસ પૂર્ણિમા’ તરીકે ઉજવવાનો પ્રારંભ કર્યો. જે આજે ‘ગુરુ પૂર્ણિમા’ તરીકે વધુ પ્રચલિત છે. ગુરુપૂર્ણિમા વર્ષાઋતુની શરૂઆતમાં આવે છે. આ દિવસથી લઈને ચાર મહિના સુધી સાધુ-સંત એક જ સ્થાને રહીને પોતાની પાસે રહેલી જ્ઞાનગંગાને વહાવે છે. આ ચાર મહિના ઋતુની દૃષ્ટિએ પણ સર્વશ્રેષ્ઠ છે, કારણ કે આ દરમિયાન વધારે ગરમી નથી હોતી અને ઠંડી પણ નથી હોતી. આથી અધ્યયન માટે આ સૌથી શ્રેષ્ઠ સમયગાળો માનવામાં આવે છે. જેવી રીતે સૂર્યના તાપથી તપેલી ભૂમિને વર્ષાના જળથી શીતળતા તથા ધાન્ય પેદા કરવાની શક્તિ મળે છે તેવી જ રીતે ગુરુચરણોમાં ઉપસ્થિત સાધકોને જ્ઞાન, શાંતિ, ભક્તિ અને યોગશક્તિ પ્રાપ્ત કરવાની શક્તિ મળે છે.
આ દિવસે પૂજાપાઠ કર્યા બાદ પોતાના ગુરુને કપડાં, ફળ, ફુલહા અર્પણ કરવા જોઇએ અને ગુરુની પૂજા કરીને ગુરુના આશીર્વાદ મેળવવા જોઈએ.
– ગુરૂર્નો અર્થ
શાસ્ત્રોમાં આપેલા ગુરૂર્નો અર્થ પણ જાણવા જેવો છે. શાસ્ત્રોમાં ‘ગુ’નો અર્થ છે અંધકાર અથવા મૂળ અજ્ઞાન અને ‘રુ’નો અર્થ છે તેનો તેને દૂર કરનાર. ગુરુ અજ્ઞાનતાના તિમિરનું પોતાના જ્ઞાનથી નિવારણ કરે છે. આપણા મિથ્યા અહંકારને મિટાવે છે.
આપણને અંધકારથી પ્રકાશ તરફ, મૂર્ખતાથી બુદ્ધિ તરફ, જડતાથી ચેતના તરફ, અસત્યથી સત્ય તરફ દોરી જાય છે, તે ગુરુ છે
સરળ શબ્દોમાં કહીએ તો તેઓ અંધકારને દૂર કરીને પ્રકાશ તરફ લઈ જાય છે, આથી આ કાર્ય કરનાર વ્યક્તિને ગુરુ કહેવામાં આવે છે. ગુરુ અને દેવતાઓમાં સમાનતા દર્શાવતા એક શ્લોકમાં એવું કહેવામાં આવ્યું છે કે જેવી ભક્તિની આવશ્યક્તા દેવતાઓ માટે છે તેવી જ ગુરુ માટે પણ છે. ગુરુની કૃપાથી ઈશ્વરનો સાક્ષાત્કાર પણ શક્ય છે. ગુરુકૃપાના અભાવમાં તે સંભવ નથી.
– જીવનમાં ગુરુનું મહત્ત્વ
ગુરૂ ગોવિંદ દોઉ ખડે કાકે લાગૂ પાય બલિહારી ગુરૂ આપને ગોવિંદ દિયો બતાય.
આપણા જીવનમાં પ્રથમ ગુરુ આપણાં માતા-પિતા હોય છે, જે આપણું પાલનપોષણ કરે છે, સાંસારિક દુનિયામાં આપણને પહેલી વખત બોલવા-ચાલવાનું અને અન્ય બાબતો શીખવે છે, તેથી માતા-પિતાનું સ્થાન સર્વોપરી છે. મોટા થયા પછી પણ જીવનનો વિકાસ સારી રીતે સતત થયા કરે તે માટે આપણને સદ્‌ગુરુની જરૂર પડે છે. સદ્‌ગુરુ અંતઃકરણના અંધકારને દૂર કરે છે. તેઓ આત્મજ્ઞાનની યુક્તિઓ જણાવે છે. ગુરુ ઝગમગતી જ્યોતિ સમાન છે, જે શિષ્યની હૃદયજ્યોતિને પ્રગટાવે છે. ગુરુ એક એવા વૈદ્ય છે જે ભવરોગને દૂર કરે છે. ગુરુ એવા માળી છે જે જીવનરૂપી વાટિકાની સંભાળ રાખે છે તથા સુશોભિત કરે છે. આ દુઃખરૂપ સંસારમાં ગુરુકૃપા જ એક એવો અમૂલ્ય ખજાનો છે, જે મનુષ્યને આવાગમનના કાલચક્રમાંથી મુક્તિ અપાવે છે. જીવનમાં સંપત્તિ, સ્વાસ્થ્ય, સત્તા, પિતા, પુત્ર, ભાઈ અથવા જીવનસાથી કરતાં પણ વધારે જરૂરિયાત સદ્‌ગુરુની છે. સદ્‌ગુરુ શિષ્યને નવી દિશા આપે છે અને જ્ઞાનની પ્રાપ્તિ કરાવે છે. મનુષ્યમાં વ્યાપ્ત બૂરાઈઓને દૂર કરવામાં ગુરુનું વિશેષ યોગદાન હોય છે.
આ.સી પ્રો.ડૉ સચિન જે પીઠડીયા
G.E.S Class 2
સરકારી વિનયન કોલેજ ભેંસાણ

Previous articleઆખી કેરી ક્યારે ખાવા મળશે? (બખડ જંતર)
Next articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે