શ્રીલંકાના પ્રમુખ રાજપક્ષેના નિવાસ પર લોકોનો હલ્લાબોલ

3

આર્થિક કટોકટીનો સામનો કરી રહેલા શ્રીલંકામાં અરાજકતા : લોકો રાષ્ટ્રપ્રમુખના ઘરમાં ઘૂસતાં અફરાતફરી : રાજપક્ષેને ભાગી જવાની ફરજ પડી : પોલીસ-પ્રદર્શનકારીઓ વચ્ચે અથડામણમાં ૧૦૦થી વધુ ઘાયલ
કોલંબો , તા.૯
આર્થિક સંકટનો સામનો કરી રહેલા શ્રીલંકાની સ્થિતિ દિવસેને દિવસે વધારે વણસી રહી છે. શ્રીલંકાની વર્તમાન સ્થિતિથી ત્રસ્ત પ્રદર્શનકારીઓએ આજે રાષ્ટ્રપતિ ગોટબાયા રાજપક્ષેના આવાસને ઘેરી લીધું હતું અને અંદર ધસી ગયા હતા. આ કારણે રાષ્ટ્રપતિ રાજપક્ષે પોતાનું આવાસ છોડીને ભાગી ગયા છે. સંરક્ષણ સૂત્રોએ પણ રાષ્ટ્રપતિ રાજપક્ષે ભાગી ગયા હોવાનો દાવો કર્યો છે.
પ્રદર્શનકારીઓએ સાંસદ રજિતા સેનારત્નેના ઘર પર પણ હુમલો કર્યો છે. અગાઉ ૧૧ મેના રોજ તત્કાલીન વડાપ્રધાન મહિન્દા રાજપક્ષે સહપરિવાર ભાગી ગયા હતા. પ્રદર્શનકારીઓએ રાજપક્ષેના સત્તાવાર નિવાસમાં ભારે તોડફોડ કરી હતી. ઉપરાંત રેલી દરમિયાન પણ શ્રીલંકન પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે હિંસક અથડામણ થઈ હતી જેમાં ૧૦૦થી પણ વધારે લોકો ઘાયલ થયા છે. આ તરફ શ્રીલંકન વડાપ્રધાન રાનિલ વિક્રમસિંઘે સમગ્ર સ્થિતિ અંગે ચર્ચા કરવા માટે તથા ત્વરિત સમાધાન માટે પાર્ટીના નેતાઓની ઈમરજન્સી બેઠક યોજી છે. વડાપ્રધાન વિક્રમસિંઘે સ્પીકર સમક્ષ સંસદ બોલાવવા અપીલ કરી હતી. શ્રીલંકા પોદુજાના પેરામુના (એસએલપીપી)ના ૧૬ સાંસદોએ પત્ર લખીને રાષ્ટ્રપતિ ગોટબાયા રાજપક્ષેને તાત્કાલિક રાજીનામુ આપવા જણાવ્યું છે.
પ્રદર્શનકારીઓએ કોલંબો સ્થિત રાષ્ટ્રપતિ આવાસને બપોરના સમયે ઘેરી લીધું હતું. આ ઉપરાંત તેમણે રાજપક્ષેના સત્તાવાર આવાસ ખાતે ખૂબ જ તોડફોડ પણ કરી છે. વણસી રહેલા આર્થિક સંકટ વચ્ચે રાષ્ટ્રપતિ ગોટબાયા રાજપક્ષેના રાજીનામાની માગણી સાથે સરકાર સામે પ્રદર્શનો જામ્યા છે. શુક્રવારના રોજ શ્રીલંકામાં અનિશ્ચિત કાળ માટે કર્ફ્‌યુ લાગુ કરી દેવામાં આવ્યો હતો. ઉપરાંત સેનાને પણ હાઈ એલર્ટ પર રાખવામાં આવી છે. પોલીસ પ્રમુખ ચંદના વિક્રમરત્નેએ શુક્રવાર રાતના ૯ઃ૦૦ વાગ્યાથી રાજધાની અને તેની આસપાસના વિસ્તારોમાં કર્ફ્‌યુ લાગુ કરવામાં આવ્યો હોવાની માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે, હજારો સરકાર વિરોધી પ્રદર્શનકારીઓએ રાષ્ટ્રપતિને સત્તા પરથી દૂર કરવા માટે શુક્રવારે કોલંબોમાં પ્રવેશ કર્યો હતો. આમ શ્રીલંકામાં પણ કેપિટલ હીલ જેવી સ્થિતિ સર્જાઈ છે અને ત્યાર બાદ કર્ફ્‌યુ લાગુ કરવામાં આવ્યો છે. શુક્રવારે કર્ફ્‌યુ લાગુ થયો તે પહેલા પોલીસે કોલંબો ખાતે વિદ્યાર્થી પ્રદર્શનકારીઓ પર ટીઅર ગેસના સેલ છોડ્યા હતા અને પાણીનો મારો ચલાવ્યો હતો. સરકાર વિરોધી આ પ્રદર્શનોમાં ધાર્મિક નેતાઓ, રાજકીય પક્ષો, શિક્ષકો, ખેડૂતો, ચિકિત્સકો, માછીમારો અને સામાજીક કાર્યકરો પણ સામેલ છે.
ગત ૧૦ મેના રોજ શ્રીલંકાની સત્તાધારી પાર્ટી શ્રીલંકા પોદુજાના પેરામુના (એસએલપીપી)ના સાંસદ અમરકિર્તી અથુકોરાલાએ લોકોની ભીડથી ડરીને પોતાની જાતને જ ગોળી મારીને આત્મહત્યા કરી લીધી હતી. સરકાર સામે પ્રદર્શન કરી રહેલા લોકોએ નિટ્ટંબુવા ખાતે તેમની ગાડીને ઘેરી લીધી હતી. તેમની ગાડીમાંથી ફાયરિંગ કરવામાં આવતા લોકો વધારે ઉશ્કેરાયા હતા. બાદમાં સાંસદ ત્યાંથી ભાગીને એક બિલ્ડિંગમાં સંતાઈ ગયા હતા અને હજારો લોકોએ તે બિલ્ડિંગને ઘેરી લીધી હતી જેથી ડરીને તેમણે પોતાની જાતને જ ગોળી મારી દીધી હતી.
છેલ્લા ઘણા સમયથી આર્થિક કટોકટીનો સામનો કરી રહેલા શ્રીલંકાના નાગરિકોની ધીરજ હવે ખૂટી ગઈ છે.

Previous articleસૌથી ધનિક વ્યક્તિ ઈલોન મસ્ક ટિ્‌વટર ખરીદશે નહીં
Next articleખોડલધામના પ્રણેતા નરેશ પટેલના જન્મદિન નિમિત્તે જિલ્લામાં રક્તદાન કેમ્પ યોજાયો