એરપોર્ટ પર પતિને જોઈને આલિયા ખુશીથી ભેટી પડી

16

મુંબઈ, તા.૧૧
હોલિવુડ ડેબ્યૂ ફિલ્મ ’હાર્ટ ઓફ સ્ટોન’નું શૂટિંગ શિડ્યુલ પૂરું કરીને આલિયા ભટ્ટ શનિવારે મોડી રાત્રે મુંબઈ પાછી આવી હતી. આલિયા હોલિવુડ પ્રોજેક્ટના શૂટિંગ માટે મે મહિનામાં યુકે ગઈ હતી. લગભગ બે મહિના બાદ મુંબઈ પાછી આવેલી આલિયા ભટ્ટ એરપોર્ટ પરથી બહાર આવી ત્યાં જ મીડિયાના ફોટોગ્રાફર્સે તેને શુભકામનાઓ આપવા માંડી હતી. આલિયા ભટ્ટ યુકેમાં હતી ત્યારે જ તેણે પ્રેગ્નેન્ટ હોવાના સમાચાર આપ્યા હતા. જે બાદ પહેલીવાર આલિયા મીડિયા સામે આવતાં જ તેના પર શુભેચ્છાઓના વરસાદ થવા લાગ્યો હતો. આલિયાએ હાથ જોડીને સૌનો આભાર માન્યો હતો. યુકેથી પાછી ફરેલી પત્ની આલિયાને લેવા માટે રણબીર કપૂર એરપોર્ટ પર હાજર હતો. રણબીર કપૂરને કારમાં જોઈને જ આલિયા ખુશીથી ઉછળી પડી હતી અને અંદર જઈને તેને ભેટી હતી. આલિયાના એક્સપ્રેશન જોઈને લાગતું હતું કે, તેને સહેજ પણ અંદાજો નહોતો કે રણબીર તેને લેવા આવવાનો હશે. આલિયાના ચહેરા પર આશરે બે મહિના બાદ પતિને મળવાની ખુશી સ્પષ્ટ જોઈ શકાતી હતી. મુંબઈ પાછી ફરેલી મોમ-ટુ-બી આલિયા ભટ્ટ કમ્ફર્ટેબલ લૂકમાં જોવા મળી હતી. આલિયા ભટ્ટે લૂઝ વ્હાઈટ ટી-શર્ટ, મેચિંગ જેકેટ અને બ્લેક લૂઝ પેન્ટ પહેર્યું હતું. એરપોર્ટ પરિસરમાંથી બહાર આવેલી આલિયા ભટ્ટનો નાનકડો બેબી બંપ જોવા મળી રહ્યો હતો. ઉલ્લેખનીય છે કે, આલિયા ભટ્ટે જૂન મહિનામાં જ પહેલી પ્રેગ્નેન્સીની જાહેરાત કરી હતી.
શુક્રવારે જ આલિયા ભટ્ટે જાહેરાત કરી હતી કે, તેણે હોલિવુડ ફિલ્મનું શૂટિંગ પૂરું કરી લીધું છે. આલિયાએ કો-એક્ટ્રેસ ગેલ ગડોટ અને ફિલ્મની બાકીની ક્રૂ સાથેની તસવીરો શેર કરતાં યાદગાર અનુભવ માટે આભાર માન્યો હતો. આ પોસ્ટમાં જ આલિયાએ પોતે મુંબઈ પાછી આવી રહી હોવાની જાણકારી પણ આપી હતી. ઘરે પાછા ફરવાનો ઉત્સાહ આલિયાને ચોક્કસથી હતો જ અને રણબીરે સરપ્રાઈઝ આપીને તેની ખુશીમાં ઉમેરો કર્યો હતો. થોડા જ મહિનાઓમાં પેરેન્ટ્‌સ બની જનારાં આલિયા ભટ્ટ અને રણબીર કપૂર હવે ફિલ્મ ’બ્રહ્માસ્ત્ર’માં જોવા મળશે. અયાન મુખર્જીના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મ દ્વારા તેઓ પહેલીવાર સિલ્વર સ્ક્રીન પર દેખાશે. આ સિવાય આલિયા પાસે ’રોકી ઔર રાની કી પ્રેમકહાની’, ’ડાર્લિંગ્સ’ અને ’જી લે ઝરા’ જેવી ફિલ્મો છે. જ્યારે રણબીર કપૂર ’શમશેરા’, ’એનિમલ’ અને લવ રંજનની અનામી ફિલ્મમાં દેખાશે.

Previous articleભાવનગર જિલ્લા ભારત સ્કાઉટ ગાઈડ સંધ દ્વારા શતાબ્દી વર્ષ નિમિત્તે વાલી મિટીંગ યોજાઈ
Next articleઓસ્ટ્રેલિયન ખેલાડી સ્ટીવ સ્મિથે પોતાનું આલિશાન ઘર વેચ્યુ