નવા સંસદ ભવનમાં ૬.૫ મીટર ઊંચા રાષ્ટ્રીય પ્રતિકનું અનાવરણ

10

નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય અશોક ચિન્હનું અનાવરણ કર્યું : આ અનાવરણ પ્રસંગે લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા, કેન્દ્રીય મંત્રી હરદીપસિંહ પુરી સહિતના નેતાઓ ઉપસ્થિત
નવી દિલ્હી, તા.૧૧
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોમવારે નવા સંસદ ભવનની છત પર બનાવવામાં આવેલા રાષ્ટ્રીય અશોક ચિન્હનું અનાવરણ કર્યું હતું. આ રાષ્ટ્રીય પ્રતિકની ઉંચાઈ ૬.૫ મીટર છે. આ અનાવરણ પ્રસંગે લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા, કેન્દ્રીય મંત્રી હરદીપસિંહ પુરી સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. સરકારી અધિકારીઓએ આ રાષ્ટ્રીય પ્રતિક અંગે માહિતી આપતાં જણાવ્યું કે, પ્રધાનમંત્રીએ નવા સંસદ ભવનની છત પર જે રાષ્ટ્રીય પ્રતિકનું અનાવરણ કર્યું છે તે કાંસામાંથી બનેલું છે. ૬.૫ મીટર ઉંચાઈ ધરાવતા આ રાષ્ટ્રીય પ્રતિકનું કુલ વજન ૯,૫૦૦ કિલો છે. નવા સંસદ ભવનની છતની મધ્યમમાં આ પ્રતિમાને સ્થાપિત કરવામાં આવી છે. આ પ્રતિકને ટેકો આપવા માટે લગભગ ૬,૫૦૦ કિલો વજનનું સ્ટીલનું સહાયક માળખું બનાવવામાં આવ્યું છે.રાષ્ટ્રીય પ્રતિકના અનાવરણ કાર્યક્રમ દરમિયાન, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નવી સંસદના નિર્માણ કાર્યમાં જોડાયેલા શ્રમજીવીઓ સાથે પણ વાતચીત કરી હતી. વાતચીત દરમિયાન પીએમ મોદીએ શ્રમિકોને કહ્યું કે, આ ઈમારતના નિર્માણમાં લાગેલા શ્રમિકો દેશના ગૌરવમાં ઘણું યોગદાન આપી રહ્યા છે. વાતચીત દરમિયાન એક મજૂરે પીએમને નિર્માણાધીન સંસદમાં આવવા વિશે કહ્યું કે, તમારું અહીં આવવું એ અમારા માટે ભગવાન રામનું શબરીની ઝૂંપડીમાં આવવા જેવું છે. તેના પર પીએમએ કહ્યું કે, વાહ! આ તમારી કુટીર છે. તે પછી તેમણે કહ્યું કે, દેશના દરેક ગરીબને એવું લાગવું જોઈએ કે આ (સંસદ ભવન) તેમની ઝૂંપડી છે.

Previous articleગુજરાતમાં અમદાવાદથી વલસાડ સુધી વરસાદે જનજીવન ખોરવ્યું
Next articleસેન્સેક્સમાં ૮૭, નિફ્ટીમાં પાંચ પોઈન્ટનો ઘટાડો થયો