પકડેલા પશુઓને પાંજરાપોળ પહોંચાડવામાં પણ ઢીલુ વલણ : નગરજનોને પશુઓના ત્રાસમાંથી મુક્ત કરાવવા તંત્ર નિરસ
ભાવનગર શહેરમાં રખડતા ઢોરની સમસ્યા પ્રતિદિન વધી રહી છે. ચોમાસામાં તો પશુઓના ટોળા રસ્તા પર જ અડીંગો જમાવીને બેસી જાય છે પરંતુ મ્યુ. તંત્રવાહકો કે શાસકોનું જાણે પેટનું પાણી પણ હલતું નથી. ભાવનગરને પશુઓના ત્રાસમાંથી મુક્ત કરાવવા તંત્રને જાણે કાંઇ પડી જ ન હોય તેવું લાગી રહ્યું છે. કોર્પોરેશને પકડેલા પશુઓને પાંજરાપોળ મોકલવા નક્કી થયા બાદ પણ આ કાર્યમાં ગતિ આવતી નથી તો બીજી બાજુ શહેરમાંથી રખડતા ઢોર પકડવાની કામગીરી સંપૂર્ણ બંધ છે. કોર્પોરેશને મહિનાઓ અગાઉ ભાવનગરમાંથી ૧૪૦૦ જેટલા પશુઓ પકડ્યા છે પરંતુ શાસનમાં નબળી મહાપાલિકા તેનો નિકાલ લાવવામાં નિષ્ફળ રહી છે. દિવસો સુધી રખડતા ઢોરોને પાંજરાપોળ મોકલવા ચર્ચાઓ થઇ. આખરે સફળતા મળી અને પર પશુ દીઠ રૂા.૬૧૦૦ ચુકવવાનું નક્કી થયું છે. પ્રારંભિક તબક્કે ૫૦૦ પશુઓ સ્વિકારવા અમદાવાદની પાંજરાપોળ તૈયાર થઇ છે જેમાં પશુઓને અહીંથી લઇ જવાની જવાબદારી પણ તેમના શિરે છે પરંતુ છેલ્લા ૧૦-૧૨ દિવસમાં માંડ ૨૦૦ પશુઓ પાંજરાપોળ પહોંચ્યા છે. બાકીના હજુ ઢોરના ડબ્બામાં જ પુરાયેલા છે આના કારણે કોર્પોરેશન તંત્રને શહેરમાંથી અન્ય પશુઓ નહીં પકડવાનું બહાનુ હાથ લાગી ગયું છે !શહેરમાં અખીલેશ સર્કલ અને બાલા હનુમાનજી નજીક કોર્પોરેશન સંચાલિત ઢોરના ડબ્બાઓ આવેલા છે જ્યાં હાલ પશુઓને રખાયા છે. જો કે, પશુઓની સાચવણીમાં પણ તંત્રનું વલણ ઢોર જેવું રહ્યાની વારંવાર ફરિયાદો ઉઠી છે. હાલમાં જ ચોમાસાની ઋતુમાં કાદવ-કિચડના કારણે પશુઓની સ્થિતિ નર્કાગાર જેવી બની છે. આમ, મ્યુ. તંત્ર પાંજરાપોળમાં પશુઓનો નિકાલ કરવામાં વામણું પૂરવાર થયું છે તો બીજી બાજુ શહેરમાંથી રખડતા પશુઓને પાંજરે પુરવામાં પણ નાકામ રહ્યું છે અથવા તો જાણી જોઇને ઢીલ દાખવવામાં આવી રહી છે. આ સામે નગરજનોમાં પ્રબળ રોષ જોવા મળી રહ્યો છે.