મધ્ય પ્રદેશના ૩૩ જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ; રાજસ્થાન-મહારાષ્ટ્રમાં પણ ચેતવણી

2

નવીદિલ્હી,તા.૧૨
આસામ,ગુજરાત અને મહારાષ્ટ્ર બાદ હવે મધ્ય પ્રદેશમાં પણ ભારે વરસાદનું હાઈ એલર્ટ આપવામાં આવ્યું છે. મોસમ વિભાગની માહિતી પ્રમાણે મધ્ય પ્રદેશના ભોપાલ, ઈંદોર અને જબલપુર સહિત ૩૩ જિલ્લામાં ભારે વરસાદ અને પૂર અંગે એલર્ટ આપવામાં આવ્યું છે. છેલ્લા બે-ત્રણ દિવસથી રાજ્યમાં ધીમો ધીમો વરસાદ વરસી રહ્યો છે. બીજી બાજુ, તેલંગાણામાં ગોદાવરી નદી બીજા ખતરનાક સ્તરના નિશાનને પાર કરી લીધુ છે. વોટર લેવલ ૫૦.૪ ફૂટ સુધી પહોંચી ગયું છે. જેથી ભદ્રાચલમમાં પૂર આવવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. કર્ણાટકમાં પણ હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. દિલ્હી-એનસીઆર તથા મધ્ય પ્રદેશમાં વરસાદ થયો હતો જ્યારે રાજસ્થાનમાં આગામી બે દિવસમાં વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે. આ ઉપરાંત બિહાર, ઝારખંડ તથા ઉત્તર પ્રદેશના અનેક વિસ્તારોમાં પણ હજુ વરસાદ જોવા મળતો નથી. અહીં હવે આગામી ૪ દિવસમાં વરસાદ થવાની શક્યતા છે. હવામાન વિભાગે કહ્યું છે કે મધ્યપ્રદેશ, રાજસ્થાન, પંજાબ, હરિયાણા, તેલંગાણા સહિત ૨૫ રાજ્યમાં ભારે વરસાદની શક્યતા છે. મહારાષ્ટ્રમાં એક જૂનથી અત્યારસુધી વરસાદ અને પૂરને કારણે ૭૬ લોકોના જીવ ગયા છે. છેલ્લા ૨૪ કલાકમાં ૯ લોકોનાં મોત થયાં છે. મહારાષ્ટ્રના રત્નગિરિ સહિત ૪ જિલ્લામાં ઓરેન્જ અને ૮ જિલ્લામાં વરસાદનું યેલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આસામમાં પૂરના પાણીમાં તણાઈ જવાથી ૨ લોકોનાં મોત થયાં છે. રાજસ્થાનમાં પણ આગામી ૨ દિવસ સુધી વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જ્યારે પંજાબમાં વરસાદ દરમિયાન રોડ નિર્માણના કારણે રાજ્ય સરકારના ૪ અધિકારીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જોકે બિહાર, ઝારખંડ, દિલ્હી અને ઉત્તર પ્રદેશના ઘણા વિસ્તારોમાં સંપૂર્ણ રીતે ચોમાસું આવ્યું નથી. હવામાન વિભાગે આગામી પાંચ દિવસ સુધી ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. હાલ એનડીઆરએફની ૧૩ અને એસડીઆરએફની ૧૬ પ્લટૂનની ટીમ તહેનાત કરવામાં આવી છે. વડોદરાથી એસડીઆરએફની ૧ પ્લટૂન ટીમ મદદ માટે છોટાઉદેપુર મોકલવામાં આવી છે. છોટાઉદેપુરથી ૪૦૦, નવસારીમાં ૫૫૦ અને વલસાડમાં ૪૭૦ લોકો તથા રાજ્યમાં ૩,૨૫૦ લોકોને સુરક્ષિત જગ્યાઓ પર પહોંચાડવામાં આવ્યા છે. રાજ્યમાં ૧૦ જુલાઈએ ભારે વરસાદને કારણે ૩૮૮ રસ્તા બંધ છે. મધ્યપ્રદેશમાં ભોપાલમાં ૬ ઇંચ વરસાદ, ૧૭ વર્ષમાં પહેલીવાર જુલાઈમાં બેવાર ૪.૫ ઈંચથી વધુ થયો છે. ઘણા વિસ્તારોમાં છેલ્લા ૨૪ કલાકથી વરસાદ થઈ રહ્યો છે. હવામાન વિભાગે આગામી ૩ દિવસ સુધી રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. ભોપાલમાં અડધીરાત પછીથી છ કલાકમાં ૫ ઈંચથી વધારે વરસાદ થયો છે. રવિવારે આખો દિવસ તડકો રહ્યો હતો, પરંતુ સાંજે ૭ વાગ્યા પછી વરસાદ શરૂ થયો હતો. રાતે ૮.૩૦ પછી એક ઈંચ વરસાદ થઈ ગયો હતો, એટલે કે ૨૦ કલાકમાં ૬ ઈંચથી વધારે વરસાદ થયો હતો. ઈન્દોર, ઉજ્જૈન, ગ્વાલિયરમાં પણ આ જ હાલ ત રહી હતી. અહીં ઘણા વિસ્તારોમાં ૧થી ૯ ઈંચ વરસાદ નોંધાયો હતો. રાજસ્થાનમાં ચોમાસું ભલે ૮ દિવસ મોડું આવ્યું હોય, પરંતુ સતત વરસાદથી ૬ જિલ્લામાં વરસાદનો કોટા પૂરો થઈ ગયો છે. અત્યારસુધી માત્ર ઉદયપુરમાં સામાન્ય કરતાં ઓછો વરસાદ થયો છે. ૧ જૂનથી ૧૦ જુલાઈ સુધીના વરસાદના આંકડા જોઈએ તો આ સમયમાં ગયા વર્ષે માત્ર ૨ જિલ્લામાં સામાન્ય કરતાં વધારે વરસાદ, જ્યારે ૨૦ જિલ્લામાં પૂરો વરસાદ થયો હતો. સામાન્ય કરતાં ઓછો વરસાદ પણ અત્યારસુધી માત્ર ૪ જિલ્લામાં નોંધાયો છે. ગયા વર્ષે આ સમયે ૨૬ જિલ્લામાં સામાન્ય કરતાં ઓછો વરસાદ થયો હતો.બિહારના પટના, ગયા, નાલંદા, શેખપુરા સહિત ૮ જિલ્લામાં હવામાન શુષ્ક રહેશે. ગરમી અને ગરમ પવન ફૂંકાશે. ૩૦ જિલ્લામાં અમુક જગ્યાએ સામાન્ય વરસાદ થવાની શક્યતા છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, ટ્રફ રેખા બિકાનેર, શિવપુરી, સતના, ઝાંસી થઈને દક્ષિણ ઓડિશા, ઉત્તર આંધ્ર પ્રદેશ અને બંગાળની ખાડી તરફ જઈ રહી છે. એના પ્રભાવથી ઉત્તર બિહારની સાથે જ દક્ષિણ પશ્ચિમ અને પૂર્વ બિહારમાં અમુક જગ્યાએ સામાન્ય વરસાદ થવાની શક્યતા છે. આ સ્થિતિ બે દિવસ સુધી રહેવાનો અંદાજ છે. ત્યાર પછી બિહારમાં સામાન્ય વરસાદ થવાની શક્યતા છે. ૧૩ જુલાઈથી બિહારના દક્ષિણ ભાગમાં મોટા ભાગની જગ્યાએ સિસ્ટમ સક્રિય થવાની શક્યતા છે, જેનાથી મધ્યમ વરસાદ થશે. હવામાન વિભાગે કેરળ, કર્ણાટક, તેલંગાણા અને મહારાષ્ટ્ર માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. વિભાગના જણાવ્યા પ્રમાણે, કેરળના ચાર જિલ્લા કોઝીકોડ, વાયનાડ, કન્નુર અને કાસરગોડમાં આગામી ૨૪ કલાકમાં ભારે વરસાદ થવાની શક્યતા છે. તેલંગાણા અને મહારાષ્ટ્ર શનિવારથી રેડ એલર્ટ પર છે. તેલંગાણાના મુખ્યમંત્રી ચંદ્રશેખર રાવે પણ ભારે વરસાદ સાથે જોડાયેલા વિભાગને જરૂરી પગલાં લેવા કહ્યું છે. એ સાથે જ લોકોને અપીલ કરી છે કે જ્યાં સુધી કોઈ ઈમર્જન્સી ના હોય ત્યાં સુધી ઘરની બહાર નીકળવું નહીં.

Previous articleગુજરાતમાં ભારે વરસાદની આગાહી, અનેક જિલ્લામાં રેડ એલર્ટ
Next articleવરસાદને લીધે દ્રાપદી મુર્મૂ બાદ મોદીનો ગુજરાત પ્રવાસ પણ મોકૂફ