બગદાણાધામમાં ગુંજ્યો બાપા સીતારામનો નાદ

21

ગુરૂઆશ્રમ બગદાણા ખાતે બે વર્ષ બાદ ગુરુપૂર્ણિમા પર્વની પરંપરાગત ઉજવણી – ભારે વરસાદની ચેતવણી છતાં હજારો ભાવિકો બજરંગદાસબાપાના દર્શનાર્થે ઉમટી પડ્યા – બગદાણા ઉપરાંત જિલ્લાના ગુરૂઆશ્રમોમાં ભાવિકોની ભીડ ઉમટી
ગુરૂઆશ્રમ બગદાણા ખાતે ગુરુપૂર્ણિમા પર્વની પરંપરાગત ઉજવણી કરવામાં આવી હતી.કોરોનાકાળ બાદ આ વર્ષે પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવતા વરસાદી માહોલ છતાં બાપાના દર્શન માટે ભાવિકો ઉમટી પડ્યા હતાં.ગુરૂઆશ્રમ બગદાણા ખાતે આરતી,પૂજન,મહાપ્રસાદ સહિતના ધાર્મિક કાર્યક્રમો ઉપરાંત સામાજિક અને સેવાકીય કર્યો સાથે પર્વની ઉજવણી કરાઈ હતી.

ભાવનગર જિલ્લો જ નહિ પરંતુ સૌરાષ્ટ્ર,ગુજરાત ઉપરાંત મુંબઈ સહિતના દેશ અને વિદેશમાં વસતા લખો ભાવિકોના દિલમાં સ્થાન ધરાવતા બંડીધારી બજરંગદાસબાપાના ધામ ગુરૂઆશ્રમ બગદાણા ખાતે ગુરુપૂર્ણિમા પર્વની આજે પરંપરાગત ધાર્મિક અને સામાજિક કાર્યક્રમો સાથે ઉજવણી કરવામાં આવી હતી.ભારે વરસાદની ચેતવણી અને ઝરમરિયા વરસાદમાં ગઈકાલ રાતથી જ બાપાના ચરણોમાં શીશ ઝુકાવવા માટે ભાવિકોએ બગદાણાની વાટ પકડી હતી.વહેલી સવારે મંગળા આરતીમાં ભાવિકોની વિશેષ ભીડ જોવા મળી હતી. દિવસ દરમિયાન યોજાયેલા વિવિધ ધાર્મિક કાર્યક્રમોમાં ભાવિકો શ્રધ્ધાભેર જોડાયા હતા.સાંજ સુધીમાં બગદાણા ધામમાં હજારો ભાવિકોએ બાપાના દર્શન અને પ્રસાદનો લાભ લીધો હતો.કોરોના કાળના કપરા બે વર્ષ બાદ ગુરૂઆશ્રમે ધામધૂમથી ઉજવણી કરવામાં આવતા ભાવિકોનો ઉત્સાહ બેવડાયો હતો.ભાવિકોની ભીડને અનુલક્ષીને પોલીસ તંત્ર દ્વારા પોલીસ બંદોબસ્ત ઉપરાંત ભાવિકોની સલામતી માટે તકેદારી રાખી હતી.
ગુરૂઆશ્રમના ટ્રસ્ટીઓ અને સેવક સમુદાય દ્વારા પણ ધાર્મિક કાર્યક્રમોના આયોજનની સાથોસાથ ભાવિકોની વ્યવસ્થા જાળવવા માટે સ્વયંસેવકોની અલગ અલગ ટીમોને જવાબદારીઓ સોંપવામાં આવી હતી.દિવસ દરમિયાન હજારો ભાવિકોએ બજરંગદાસબાપાના દર્શન અને પ્રસાદનો લાભ લીધો હતો.ગુરૂઆશ્રમ બગદાણા ઉપરાંત ભાવનગર શહેર અને જિલ્લામાં આવેલ ગુરૂઆશ્રમો,દેવસ્થાનો,શૈક્ષણિક સહિતની સંસ્થાઓમાં પણ ગુરુપૂર્ણિમા પર્વની આસ્થાભેર ઉજવણી કરવામાં આવી હતી.

Previous articleદેવધર એરપોર્ટનું ઉદ્‌ઘાટન કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી
Next articleકાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત