આજથી વીસ વરસ પહેલાં કોઇ બમ્બૈયા ફિલ્મ પ્રોડયુસર, ડાયરેકટર કે એકટરને કલ્પના( એમની કલ્પના કુંભના મેળામાં બે ભાઇ ખોવાઈ જાય અને મળે તેટલી સિમિત હોય )ન આવે એવી ફિલ્મ બનાવવાનું બીડું આશુતોષ ગોવરીકર, આમીરખાન અને ગ્રેસીસિંહને આવેલ. જેમાં ફિલ્મી ઝાકઝમાળ કે સ્વિટઝરલેન્ડની હસિન વાદિયોમાં હીરો હીરોઇન બરફમાં ગબડે, એકમેક પર બરફના ગચ્ચિયા ઉછાળે, માઈનસ પાંચ ડિગ્રી તાપમાનમાં હીરોઇન સિફોનની ટ્રાન્સપરન્ટ સાડીમાં અંગ પ્રદર્શન કરી હીરોને વીંટળાઇને પ્રેમના ૪૪૦ વોલ્ટના લટકાઝટકા દેખાડતી ન હતી. માલામાલ વિકસી, અર્ધસત્ય કે ચક્ર જેવું વાસ્તવિક નિરૂપણ દેખાડેલું ભુવન નામનો ગામડિયો ક્રિકેટ મેચ રમે છે અને જીતે છે. આ કોઇ આઇપીએલ કે ચેરીટી મેચ ન હતી!!
નયાદૌર ફિલ્મની સફળતાથી પ્રેરાઇને આશુતોષ ગોવરીકરે કથા, પટકથા, દિગ્દર્શન કરેલ.તા.૧૫.૬.૨૦૦૧ના રોજ રિલિઝ થયેલ .ફિલ્મથી હમ પાંચ ટીવી સિરિયલની અભિનેત્રી ગ્રેસીસિંહે હિન્દી ફિલ્મમાં પદાર્પણ કરેલ. ગ્રેસીસિંહ, આમીરખાન,રાચેલ શેલી,પૌલ બ્લેકથાર્ને અભિનયના અજવાળા પાથરેલ. આ ફિલ્મ તે સમયની અત્યંત ખર્ચાળ હતી. તે સમયે રૂપિયા રપ કરોડના ખર્ચે ફિલ્મ બની હતી.અલબત, આ ફિલ્મે ૬૯ કરોડનો ઘંધો કરેલ.
આ ફિલ્મે ઘણા એવોર્ડ પણ મેળવેલા. ૧૮૯૩ માં બનેલ ઘડવા પર આ ફિલ્મ બનાવી છે. વિક્ટોરિયા રાણાના અમલના ગુસ્તાખ અંગ્રેજ કેપ્ટન એન્ડ્રૂ રસેલને ભુવન નામના ગામડિયાએ ક્રિકેટ મેચમાં હંકારવાની ચેલેન્જ આપેલી. બદલામાં મહેસૂલ માફ કરવાની શરત રાખેલી. કેમ કે, ઘણા વરસોના દુકાળને લીધે પાક નિષ્ફળ થવાના કારણે ગ્રામજનો મહેસુસૂલ ભરી શકયા ન હતા.તેના કારણે મેચ રાખવી પડી હતી!!
આ ફિલ્મ એક હક્કની લડાઇ હતી, સંઘર્ષની લડાઇ હતી. વંચિતો અને શાસકની લડાઇ હતી!!એ સમયે ક્રિકેટ મેચનું લાઇવ પ્રસારણ કે રેડીયો કેમેન્ટરી પ્રસારિત થતી ન હતી. અન્યથા આરોહઅવરોહવાળી મેચોમાં કરોડો રૂપિયાનો ઓનલાઇન કે ઓફલાઈન સટો રમાયો હોત!!
કુનેરિયામાં ઓસ્કાર નોમિનેટેડ ઓલ ટાઇમ ગ્રેટ ફિલ્મ લગાનનું શુટીંગ થયેલ હતું!કુનેરિયા ભૂજ તાલુકાનું ગામ છે. કચ્છ જિલ્લા મુખ્ય મથક ભૂજથી ર૦ કિ.મી દૂર છે. કુનેરિયાની વસ્તી ત્રણ હજાર છે.
લગાન પિકચરના પ્રારંભે જે ખેડૂત પર કેમેરો મંડાયો હતો તે ભીમાસિંહ કાકા કુનેરિયાના વતની છે. અસલમાં ચિત્રા ડુંગરાની નજીક એક ખેતર સાફ કરી અનોખી ક્રિકેટ મેચનું શુટીંગ કરેલ. જેમના ખેતરમાં શૂટિંગ થયેલ તેમનેપ્રોડયુસર આશુતોષ ગોવરીકરે સાત લાખ રૂપિયા ચૂકવેલ હતા.!સતાધીશ સામે નિર્બળ, કેળવાયેલા સામે અણઘડ વચ્ચે ક્રિકેટ મેચ રમાચેલી.ભુવને રીતસર જોખમ કરેલ હતું. જો મેચ જીતી જાય તો મહેસૂલ માફ થાય અને હારી જાય તો અસ્તિત્વનો પ્રશ્ર થાય. લગાન ફિલ્મનું માત્ર શૂટિંગ થયેલું ન હતું પણ મેઇન કલાકારો સિવાય ભીડના દ્રશ્યો ગ્રામજનો પર ફિલ્માવવામાં આવેલા હતા. આ ગ્રામજનોને ખાવાપીવા ઉપરાંત પ્રતિ દિવસ રૂપિયા અઢીસોની જંગી ફી ચુકવાયેલ હતી.
પૈસા માટે લોકો અવારનવાર અવનવા કરબત કરી અને ગુનાહિત પ્રવૃતિઓ કરી નાખતા હોય છે. મેચ પર સટ્ટો રમવો કે રમાડવો, બેટિંગ, જુગાર, જેવા ગુના પોલીસ ચોપડે રોજ નોંધાતા હોય છે. જોકે, મહેસાણા જિલ્લામાં એક અજીવોગરીબ ઘટના સામે આવી છે. જેમાં મહેસાણાના મોલિપૂર ગામના ખેતરમાં ગામડાઓના ખિલાડીઓને રૂપિયા આપીને મેચ રમાડવામાં આવતી હતી. આ મેચનું યુ ટ્યુબ પર લાઈવ પ્રસારણ કરી અને રશિયામાં દેખાડવામાં આવતી હતી. રશિયાથી ખાસ એક માણસ આ તમામ મેચને ઓપરેટ કરતો હતો.
આ મેચમાં મોટી ટીમો રમી રહી છે તેવું બતાવી રશિયાના લોકો પાસે કરોડો રૂપિયાનો સટ્ટો રમાડવામાં આવતો હતો.
મહેસાણાના મોલિપૂર ગામના ખેતરમાં લોકલ ખેલાડી પાસે મેચ રમાડી યુ ટ્યુબમાં લાઈવ પ્રસારણ કરી રશિયામાં આ મેચને મોટી હાઈપ્રોફાઈલ મેચ બતાવી સટ્ટો રમાડવામાં આવતો હતો. આ સમગ્ર ઘટના સામે આવતા પોલીસે ૪ લોકોને ઝડપી પાડ્યા છે. છેલ્લા ૧૫ દિવસથી આ મેચ રમાડવામાં આવતી હતી. જેમાં દરેક ખેલાડીને એક દિવસના ૪૦૦ રૂપિયા આપવામાં આવતા હતા અને સમગ્ર મેચ બનાવટી હતી. રશિયામાં રહેતો એક શખ્સ આ મેચને ઓપરેટ કરતો હતો.
આ સમગ્ર મેચને યુ ટ્યુબ પર લાઈવ બતાવવામાં આવતી હતી, પરંતું લાઈવ પ્રસારણ દરમિયાન ક્રિકેટના ગ્રાઉન્ડનું ખાલી ૩૦ યાર્ડ સર્કલ જ બતાવવામાં આવતું હતું. લાઈવ પ્રસારણમાં ફક્ત બન્ને બેસ્ટમેન, બોલર, અમ્પાયર, વિકેટ કિપર અને બાજુમાં રહેલા ખેલાડીઓને જ બતાવવામાં આવતા હતા. જ્યારે ચોગ્ગો કે છગ્ગો લાગ્યો હોય ત્યારે બોલ કઈ દીશામાં ગયો છે કે કેટલા લોકો મેચ જોવા આવ્યાં છે કે તે પ્રકારનું કઈ પણ લાઈવ બતાવવામાં આવતું ન હતું. જો સંપુર્ણ ગ્રાઉન્ડ બતાવવામાં આવે તો સાયદ લોકોને મેચ ઉપર શંકા જઈ શકે તેમ હતી. આ કારણથી જ લાઈવ પ્રસારણમાં ખાલી ૩૦ યાર્ડ સર્કલ જ બતાવવામાં આવતું હોવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે.
એક મેચ મહેસૂલ-લગાન માફ કરવા માટે હતી. સમાજોપયોગી હેતુ માટે રમાયેલી હતી. વિદેશની પ્રશિક્ષિત ટીમ સામે અશિક્ષિત ગામડિયાની હતી. જ્યારે બીજી મેચ મહેસૂલ -સટાના માધ્યમથી કમાવા માટે હતી. જેમાં એલઈડી ટીવીથી પ્રસારણ યુટયુબથી રશિયામાં સટો રમવા માટે રમતા હતા.બંને મેચમાં ખેતમજૂર-ખેડૂતો રમેલા. આમ, મેચ એક લગાન હતી. બીજી મેચ ભુગતાન હતી.
– ભરત વૈષ્ણવ