ગુજરાત દીપોત્સવી અંક વિક્રમ સંવત – ૨૦૭૩નું મુખ્યમંત્રીએ કરેલુ વિમોચન

1412
gandhi2892017-2.jpg

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ગુજરાત દીપોત્સવી અંક વિક્રમ સંવત ૨૦૭૩નું વિમોચન કરતાં આજે અત્રે જણાવ્યું હતું કે, ઉત્સવો અને પર્વો વૈવિધ્યસભર જીવનના નવ ઉન્મેષ છે. પ્રકાશનું એક નાનકડું કિરણ ઘોર અંધકારને ભેદવા માટે પૂરતું છે. પ્રત્યેક તહેવારનું આગવું સૌન્દર્ય હોય છે. તહેવારો સંદેશો આપતાં હોય છે કે, જીવન ખૂબ સુંદર અને અણમોલ ઐશ્વરીય ભેટ છે. દિપાવલીનો પર્વ એ જ્ઞાન અને પ્રકાશ સાથે વિકાસનો સમન્વય સાધી આનંદની ત્રિવેણીનો અવસર છે. સૌ ગુજરાતીઓનો પ્રેમ અને આશીર્વાદ એ ગુજરાતની પ્રગતિનું ચાલક બળ છે.
ગુજરાત દીપોત્સવી અંક વિમોચન પ્રસંગે માહિતી અને પ્રસારણ વિભાગના સચિવ અશ્વિનીકુમાર માહિતી નિયામક નલિન ઉપાધ્યાય, અધિક માહિતી નિયામક અરવિંદભાઈ પટેલ, સંયુક્ત માહિતી નિયામક પુલક ત્રિવેદી તેમજ માહિતી ખાતાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
ઋગ્વેદની ઋચાને ટાંકતા મુખ્યમંત્રીએ કહ્યું છે કે, ‘દીપાખ્ય જ્યોતિ પ્રકાશો..’ આપણે દીવડાઓની જ્યોતિ બનીને જ્ઞાનપૂંજનો દેદિપ્યમાન પ્રકાશ રેલાવી ગુજરાત્ને ઉન્નતિ અને સમૃધ્ધિના માર્ગે આગળ ધપાવવાનો છે. દિવાળીનું પર્વ આપણા સૌ માટે અનેક રીતે મહત્વપૂર્ણ છે. ભૂતકાળમાંથી શીખીને આવનાર ભવિષ્યકાળની નવિનતાનું સ્વાગતના અવસરવેળાએ વિતેલા વર્ષનું અવલોકન કરી નૂતન વર્ષે જીવનકિતાબના નવા પ્રકરણનું આલેખન કરવા માટે આયોજન કરવાનો આ અદભુત ઉત્સવ છે. 
આપણે સૌની ગતિ ઊર્ધ્વગામી પ્રકાશ તરફની બની રહે તેવી શુભકામના સાથે ગુજરાતને કલ્યાણ રાજ્ય બનાવી નવી ઊંચાઈએ લઈ જવા સંકલ્પબદ્ધ બનવા મુખ્યમંત્રીએ અનુરોધ કર્યો હતો.
રાજ્યના માહિતી ખાતા દ્વારા પ્રતિવર્ષની આગવી પરંપરા અનુસાર સાહિત્ય કલા, ઈતિહાસ, સાંસ્કૃતિક વિરાસત, સંસ્કાર વારસાને ગુજરાત દીપોત્સવીના માધ્યમથી પ્રસ્તુત કરવામાં આવે છે. 
ગુજરાત દીપોત્સવી-૨૦૭૩માં ગુજરાતના મુર્ધન્ય સાહિત્યકારોની સર્જનશીલ કલમે રજૂ થયેલા સાહિત્યની સૌરભથી વાચકમિત્રોનું મન પ્રફુલ્લિત બને તેવા ચિંતનાત્મક વિચારો વ્યક્ત કરતાં અભ્યાસ લેખો, નવલિકાઓ, વિનોદિકાઓ, કાવ્યો, નાટકો, ચિત્રો અને તસવીરોનો રસથાળ પીરસવામાં આવ્યો છે. 

Previous articleઠાકોર -કોળી વિકાસ નિગમ દ્વારા જાગૃતિ શિબિર-બાળલગ્ન નાબૂદી અભિયાન સંમેલન યોજાયું
Next articleગાંધીનગરના રૂ. ર૧૭ કરોડના વિકાસ કામો-આવાસ કામોનું મુખ્યરમંત્રીના હસ્તે લોકાર્પણ