CGSTના અધિકારીઓને ધોકા ફટકારી ગડદાપાટુનો માર મરાયો : નામચીન શખ્સ સહિત ૮ સામે પોલીસે ગુનો નોંધ્યો

9

ભાવનગરના નવાપરા વિસ્તારમાં સર્ચ ઓપરેશન માટે ગયેલી સ્ટેટ જીએસટીની ટીમ પર હુમલાની ઘટનામાં વલી હાલારી સહિત આઠ વ્યક્તિ વિરૂધ્ધ નિલમબાગ પોલીસમાં ગુન્હો નોંધાયો છે. આ બનાવ અંગે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.ભાવનગરના નવાપરા, જુની આરટીઓ કચેરી પાસે આવેલ મહેક એપાર્ટમેન્ટના ફલેટ નં.૩૨૧માં સર્ચ ઓપરેશન કરવા માટે ગઈકાલ સાંજના સમયે ભાવનગર સ્થિત સ્ટેટ જીએસટીના સુપ્રિટેન્ડન્ટ ભારદ્વાજ રસિકલાલ પાઠક અને ઈન્સપેકટર અભયસિંગ, અનુ મેડમ, દેવીન્દર સર્ચ ઓપરેશન દરમિયાન તપાસ માટે ગયા હતા.

જ્યાં ફલેટની તપાસ કરતા ફલેટ બંધ હાલતે મળી આવ્યો હતો. આથી આજુબાજુના લોકોને પુછીને ફલેટના માલીક રફીકભાઈને ફોન કરી સર્ચ માટે વાતચીત કરતા રફિકભાઈએ પોતે બહારગામ હોવાનું તેમજ આ ફલેટ તેણે ફારૂકભાઈ નામના વ્યક્તિને ભાડે આપેલો હોેવાનું જણાવ્યું હતું. આ કાર્યવાહી દરમિયાન ફલેટની અગાસીમાં ઉભેલા ત્રણ વ્યક્તિઓએ સ્ટેટ જીએસટી ટીમને ગાળો આપી અને ધમકી આપતા ટીમે તેમને સભ્યતાથી વાત કરવા જણાવેલ આથી ઉશ્કેરાય ગયેલા ત્રણેય શખ્સો નિચે આવ્યા હતા અને ટીમ સાથે હાથાપાઈ અને ધોલથપાટ કરી માર માર્યો હતો. દરમિયાન અન્ય શખ્સો પણ આવી જતા ટીમ ઉપર ધોકાવડે હુમલો કરતા સભ્યોને ઈજા થઈ હતી. આ બનાવની સ્ટેટ જીએસટીના ઉપરી અધિકારીને જાણ થતા તેઓ પોલીસ કાફલા સાથે બનાવ સ્થળે દોડી ગયા હતા. અને મામલો થાળે પાડ્યો હતો. આ બનાવ અંગે સ્ટેટ જીએસટીના સુપ્રિટેન્ડન્ટ ભારદ્વાજ પાઠકે નિલમબાગ પોલીસ મથકમાં વલી હાલારી, તોફીક હાલારી, તૌસીક પરમાર, ઉસમાન ગની ખોખર, હારૂન ડોન જહર કાઝી અને અન્ય બે અજાણ્યા શખ્સો વિરૂધ્ધ ગુન્હો નોધાવતા નિલમબાગ પોલીસે આઈપીસી કલમ ૧૪૭, ૧૪૮, ૧૪૯, ૩૨૩, ૫૦૪, ૫૦૬ (૨), ૩૩૨, ૩૫૨, ૩૫૩, ૧૮૬ અને જીપીએક્ટ કલમ ૧૩૫ મુજબ ગુન્હો નોંધી આરોપીઓને ઝડપી લેવા તજવીજ હાથ ધરી હતી.

Previous articleગીર ગઢડા તાલુકાના ધોકડવા ગામે શ્રી અન્નપૂર્ણા આશ્રમ ગુરુપૂર્ણિમા પર્વની ભકિતભાવ પૂર્વક ઉજવણી
Next articleકુંભારવાડા બાનુબેનની વાડીમાં સ્ટેટ મોનિટરીંગ સેલે દરોડો કરતા વિદેશી દારૂ-બિયર મળી આવ્યા