ભારતીય ફાસ્ટ બોલર ઉમેશ યાદવ વર્ષ ૨૦૨૨ની સિઝનમાં ઈંગ્લિશ કાઉન્ટી મિડલસેક્સ તરફથી રમતા જોવા મળશે. આ ટીમ વતી આજે જાહેરાત કરવામાં આવી હતી કે ઉમેશને કાઉન્ટી ચેમ્પિયનશિપ અને રોયલ લંડન કપ વન-ડે ટુર્નામેન્ટમાં ટીમના બાકીના અભિયાનમાં સામેલ કરવામાં આવ્યો છે. ક્લબના ચીફ એલન કોલમેને જણાવ્યું હતું કે પાકિસ્તાનના ઝડપી બોલર શાહીન આફ્રિદીની વિદાય બાદ ઉમેશ ટીમમાં આંતરરાષ્ટ્રીય અનુભવી ખેલાડીનું સ્થાન લેશે. કાઉન્ટી ક્રિકેટમાં મિડલસેક્સ તરફથી રમતા શાહીન આફ્રિદીએ હાલમાં પોતાના દેશની મેચો માટે ટીમ છોડી દીધી છે. જે બાદ મિડલસેક્સના મેનેજમેન્ટે ભારતીય ઝડપી બોલર ઉમેશ યાદવ સાથે કરાર કર્યો છે. જો કે તેણે આ પહેલા ટીમમાં સામેલ થવું જોઈતું હતું, પરંતુ વિઝા ન મળવાની સમસ્યાને કારણે ઉમેશને ટીમમાં સામેલ કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો. પરંતુ હવે તેના વિઝા મંજૂર થઈ ગયા છે. ઉમેશ યાદવ ટીમ સાથે જોડાતા એલન કોલમેને ખુશી વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, આખી સિઝન દરમિયાન અમારી સાથે વિદેશી આંતરરાષ્ટ્રીય બોલર રાખવાનો અમારો હેતુ હંમેશા હતો અને જ્યારથી શાહીન અમારા બ્લાસ્ટ અભિયાનની શરૂઆત પહેલા પાકિસ્તાન પરત ફર્યો ત્યારથી અમે તેના સ્થાને યોગ્ય ખેલાડીની શોધમાં હતા. ઉમેશ યાદવ પાસે ઘણો અનુભવ છે. તે એક સાબિત વિશ્વ કક્ષાનો બોલર છે અને તે માત્ર અમારા બાકીના ચેમ્પિયનશિપ અભિયાન અને રોયલ લંડન કપમાં અમારી ટીમનો ભાગ રહેશે. જણાવી દઈએ કે ઉમેશ યાદવને તાજેતરમાં જ ઈંગ્લેન્ડ અને ભારત વચ્ચે પટૌડી ટ્રોફીની ૫મી અને છેલ્લી ટેસ્ટ મેચ માટે ટીમ ઈન્ડિયાની ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો. જોકે, તેને પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન મેળવવાની તક મળી ન હતી. ઈંગ્લેન્ડની પીચો પર ઉમેશ યાદવ હંમેશા મજબૂત બોલર રહ્યો છે. ઉમેશના આંતરરાષ્ટ્રીય કરિયરની વાત કરીએ તો તેણે ૫૨ ટેસ્ટ મેચમાં ૧૫૮ વિકેટ ઝડપી છે. ટેસ્ટ ક્રિકેટમાં આ ફાસ્ટ બોલરે ૩ વખત ૫ વિકેટ લેવાની સિદ્ધિ મેળવી છે. આ સાથે જ તેણે એક વખત મેચમાં ૧૦ વિકેટ લીધી છે. આ સિવાય તેણે ૭૫ વનડેમાં ૧૦૬ વિકેટ પોતાના ખાતામાં ઉમેરી છે.