છેલ્લા કેટલાય સમયથી પેટ્રોલ-ડિઝલના બેફામ વધી રહેલા ભાવવધારાના વિરોધમાં સિહોર ખાતે આજે યુથ કોંગ્રેસ દ્વારા આક્રોશ રેલી કાઢવામાં આવી હતી. જેમાં મોટીસંખ્યામાં કોંગ્રેસના આગેવનો, કાર્યકરો જોડાયા હતા.
સમગ્ર ભારત દેશને અચ્છે દિન આયેંગેના કાલ્પનિક સપનાઓ દેખાડી ભાજપ સરકાર સત્તા ઉપર બેઠી છે ત્યારથી ભારતની જનતાની માઠી બેસી છે. બેરોજગારી, નતનવા કર, બેફામ મોંઘવારી લોકો કમર તોડી ચુક્યું છે. તેમાં દાઝ્યા ઉપર ડામ રોજબરોજ પેટ્રોલ અને ડિઝલના અસહ્ય ભાવવધારો ઝીંકી આ ભાજપ સરકારે ભારતની જનતાનું જીવવું મુશ્કેલીમાં મુકી દીધુ છે. આ પેટ્રોલ અને ડીઝલના ભાવવધારાથી નાના ગામડાથી મોટા શહેર સુધી લોકો લાલઘુમ થઈ ગયા છે અને જબરદસ્ત આક્રોશમાં છે ત્યારે આ જનતાના આક્રોશને સત્તાના મદમાં રહેલી અહંકારી સરકાર સુધી પહોંચાડવા કોંગ્રેસ દ્વારા રાજ્યવ્યાપી આંદોલન શરૂ કર્યુ છે. જેમાં ભાવનગર જિલ્લા તથા ગ્રામ્ય યુથ કોંગ્રેસ પણ પુરા આક્રોશ સાથે આજે શનિવારના રોજ સાંજે પ-૦૦ કલાકે સિહોર ખાતે ડો.આંબેડકર ચોકથી વડલા ચોક સુધી આક્રોશ રેલી કાઢી મોટરકાર દોરડા વડે ખેંચી અને સ્કુટર ઉપાડી જનતાનો અવાજ આ બેરી ભાજપ સરકાર સુધી પહોંચે એવો વિરોધ કર્યો હતો.
આ આક્રોશ રેલીમાં ભાવનગર જિલ્લા યુથ કોંગ્રેસ પ્રમુખ રાજકુમાર મોરી, ભાવનગર ગ્રામ્ય વિધાનસભા યુથ કોંગ્રેસ પ્રમુખ જગદિશભાઈ શેલાના, સિહોર સીટી કોંગ્રેસ પ્રમુખ ધીરૂભાઈ ચૌહાણ, જયરાજ મોરી, ભીષ્મ વ્હોરા, દિનેશભાઈ ચૌહાણ, સંજયસિંહ માલપર, લાલભા ગોહિલ સહિત કોંગ્રેસ અગ્રણીઓ, પદાધિકારીઓ, હોદ્દેદારો અને કાર્યકરો સિહોર ખાતે હાજર રહ્યાં હતા.