તળાજા રોડ પર લડતા બે પાડાનો સ્ટ્રિટ પોલ પરથી ઇન્ટરવ્યુ!!!

16

બખડજંતર ચેનલના બેમાથાળા બોસ બબુચકલાલનો હુકમ વાયરાની જેમ વછૂટ્યો. “ ગિરધરલાલ ગરબડિયા તમે અને રાજુ રદી કયાં અડબીડિયા ખાઓ છો?” બબુચકલાલે સીબીઆઈની જેમ સમન્સ મોકલ્યું.“ સર .વરસાદની ફોટો સ્ટોરી કરીએ છીએ” મેં જવાબ આપ્યો.“ એ બીજા કોઇને ભળાવી દો. તમે તાબડતોબ ભાવનગર જિલ્લાના સરતાનપુર થી તળાજા જવાના રોડ પર પહોંચો . ત્યાંની સ્ટોરી કવર કરો. ઇટસ એન અર્જન્ટ.” આટલું કહીને બોસે ફોન જોરથી પટક્યો!! હુ ગિરધરલાલ ગરબડિયા. બખડજંતર ચેનલનો મુખ્ય- ગૌણ જે કહો તે પત્રકાર કે રિપોર્ટર. રાજુ રદી અમારો કેમેરામેન કમ કલિનર કમ ડ્રાઇવર!!! અમે સ્પોટ પર પહોંચ્યા. બે ઘાટીલા નમણા અને અખૂટ સામર્થના માલિક એવા મહિષકુમારો તુમુલ દ્વન્દ કરી રહ્યા હતા. ઉભી ,આડી ,ત્રાંસી ઊંચી ,નીચી, ઓનલાઇન, ઓફલાઈન બજારમાં સન્નાટા અને કુતૂહલની કરચો વેરાયેલી હતી. રસ્તો પાડાના મળમૂત્રથી શોભા રહ્યો હતો.
અમને જોઇ પાડાએ કામચલાઉ પાડાવિરામ કર્યો! અમારી પર આક્રમણ કરવા ધસ્યા!!આપણે અત્યાર સુધી સાંભળેલું કે બે પાડા લડે તો ઝાડનો ખોં નીકળી જાય. એ કહેવતમાં મોડીફિકેશન કરવાની નોબત આવી. ઝાડની જગ્યાએ હું અને રાજુ રદી આવી ગયા. રાજુએ આફતને અવસરમાં પલટી નાંખી. રાજુ દોડીને એક ખુલ્લા ધરમાં બોગસ કાગળે પર કોઇ ભારતીય અમેરિકામાં અતિક્રમણ કરે તેમ ઘુસી ગયો. મે તરત જ લલકાર્યું દોસ્ત દોસ્ત ના રહા!!મારા ઘોઘરા ઘસાઈ ગયેલ લોંગપ્લે રેકર્ડ ( અલ્યા એલ. કે. અડવાણી કોણ બોલ્યું? ખબરદાર કોઇ વડીલ-માર્ગદર્શક શીર્ષસ્થ નેતાનું નામ બોલ્યું છે તો! મારા જેવો ભૂંડો કોઇ નથી સમજી લેજો(ગિરધરભાઇ આ જાહેર કરવાની કયાં જરૂર છે?)તમે રાણી મુખરજીનું નામ લઇ શકો છો!)જેવા અવાજથી શ્રી પાડાજી ( નેતાઓ આતંકવાદીના નામ આગળ શ્રીનું લટકણિયું લગાવી શકતા હોય તો પાડાનો શો વાંક છે? પાડાકૂળમાં જન્મ લેવો એ અપરાધ છે? અલબત, પાડાઓ આતંકવાદીની જેમ આતંક ફેલાવતા હોય છે!!) ભડક્યા. મારા પર લપક્યા. ડૂબતો તરણું ઝાલે તેમ લાઇનમેન જેવો પૂર્વાનુભવ ન હોવા છતાં જેમ તેમ કરીને સ્ટ્રીટલાઇટના પોલ પર ચડી ગયો. સેકસી ગર્લ્સ પોલ ડાન્સ કરે તેમ મેં લડતા પાડાઓનો જગતનો પ્રથમ પોલ ઇન્ટરવ્યું લીધો. આવતીકાલના છાપા ચેનલોમાં મારા યુનિક ઇન્ટરવ્યુથી તહલક મચી જશે!!!”પાડાભાઇ,શાંતિમય સહાસ્તિત્વ અને પંચશીલના કલ્યાણકારી સિધ્ધાંતોનોલોપ કરી આ પ્રકારનું વિદ્વવશંક યુધ્ધ શા માટે?” અમે સવાલ કર્યો.“ ભોંઓ ભોંઓપસમજાય એવા સવાલ કરો. અમે ભદ્રંભદ્ર પુસ્તક ચાલ્યું નથી કે વાગોળ્યું નથી” પાડાએ નારાજગી જાહેર કરી.“તમે બે બુધ્ધિના બળદિયા લડ્યા કેમ? સરળ ભાષામાં સવાલ પૂછ્યો.“સાહેબ, બળદિયા કહીને ગાળ નહીં દેવાની. અમને પાડા હોવાનો ગર્વ છે. તમે કહો છો તેમ અમે જન્મે પણ પાડા છીએ અને મરીશું ત્યાં સુધી પાડા જ રહેવાના!!”મહિષકુમારે ચોખવટ કરી. “ તમે બજારમાં લડો એના કરતાં ગામની સીમમાં કે વેરાન જગ્યાએ લડી ન શકો? લોકો કેટલા ભયભીત રહે છે તેની તમને ખબર છે??” અમે આઇબી જેવી ઉલટ તપાસ આદરી.“ જંગલમે મોર નાચે કિસને દીખા?અમે બે પાડા જંગલમાં લડ્યા હોત તો તમે મારો ઇન્ટરવ્યુ લેવા થોડા આવ્યા હોત!!”પાડાએ સામો સવાલ કર્યો.“ તમે લડ્યા શું કામ ?” અમે સવાલ દોહરાવ્યો.“ ભાઇ. આ વાદળ અમને કનડે છે.અમે શિંગડું ઉલાળીએ તો પણ વાદળને અડે નહીં. પૂંછડું અડાડે તો પણ વાદળને નડે નહીં. માખી, મચ્છર , જીવજંતુ કનડે. પૂંછડું ઉલાળીને કે કાન હલાવીને બધાને ભગાડીએ.પીઠ પર બેસેલા જીવડાંને પીઠની ચામડી હલાવે તો ખસીને પાછા બેસી જાય!! રસ્તા, જમીન ભીના થાય એટલે બેસી શકાય નહીં. માણસોની જેમ અમારી પાસે પંખા, કૂલર, એસી હોય નહીં! પછી અમે અકળાઇને લડીએ નહીં તો રામ ધૂન ગાઇએ??” પાડાએ ભાંભરતાં કહ્યું.“તમિલનાડુંમાં જલ્લીકટુ અને સ્પેનમાં પાડાની લડાઇ થાય છે. તે વિશે શું કહેવું છે?” મેં રાઝકી બાત જાણવા યોર્કર ફેંકયો.“ નો કોમેન્ટસ. મેનકા ગાંધીને પૂછો. પેટાને પૂછો”પાડાએ ડિપ્લોમેટિક જવાબ આપ્યો. “અચ્છા .આખરી સવાલ લડવાનું કારણ કહો. પ્લીલીલીલીલીઇઇઇઇઝ!!!” મે પૂછયું “ જુઓ. અમારી પાસે મોબાઇલ નથી કે અમે પબજી કે બ્લુ વ્હેલ ગેમ રમી શકીએ.અમારી પાસે ટીવી નથી કે ઓટીટી કે એમેઝોન પ્લેટફોર્મ કે અમે સિરિયલો કે પિકચર જોઇએ. અમારી પાસે જોબ નથી. અમે કરીએ તો શું કરીએ?? ચલ ભાગ . અહીંથી નહીંતર શીંગડે ઉછાળી દઇશ” હું સ્ટ્રીટ પોલ પરથી ઉતરીને રાજુ રદીને લઇ ચાલતો થયો. પેલાં બંને પાડા હજુ સુધી લડતા હતા.
– ભરત વૈષ્ણવ

Previous articleવહેમમાં લાગો છો – તરુણ ઢોલા (વચનામૃત : જીવન માર્ગદર્શક )
Next articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે