નવાપરામાં સીજીએસટી ટીમ પર હુમલા પ્રકરણમાં ચાર ઝડપાયા

35

એલ.સી.બી.એ હુમલામાં સંડોવાયેલા ચાર શખ્સને ઝડપી લઇ બનાવ સ્થળે લઇ જઈ તપાસ આગળ વધારી
ભાવનગરના નવાપરા વિસ્તારમાં બોગસ બિલિંગની તપાસ માટે ગયેલી સી.જી.એસ.ટી.ની ટીમ ઉપર હુમલાની ઘટનામાં પોલીસે ચાર શખ્સને ઝડપી લઇ તપાસનો ધમધમાટ શરુ કર્યો છે.પોલીસે ચારેય આરોપીઓને હુમલાની જગ્યાએ લઇ જઈ તપાસ આગળ વધારી હતી. ભાવનગરના નવાપરા વિસ્તારમાં આવેલ મહેક એપાર્ટમેન્ટમાં બોગસ બિલિંગની તપાસ માટે ગયેલી સી.જી.એસ.ટી.ની ટીમ ઉપર હુમલો કરવાની ઘટનામાં પોલીસે વલી હાલારી સહિત આઠ શખ્સ વિરુદ્ધ ગુનો નોંધી બનાવની ગંભીરતાને ધ્યાને લઈને ખાસ ટીમની રચના કર્યા બાદ એલ.સી.બી.ટીમે હુમલા કેસમાં સંડોવાયેલા હારુન,તૌસીફ રફીકભાઇ પરમાર,જહૂર ઉર્ફે ડોન નિસારભાઈ કાજી, ઉસ્માનગની અબ્દુલકરીમભાઇ ખોંખારીને ઝડપી લઇ તપાસ આગળ વધારી હતી.આજે પોલીસ કાફલાએ ઝડપાયેલા ચારેય આરોપીઓને મહેક એપાર્ટમેન્ટ લઇ જઈ હુમલાની ઘટનાની તપાસ આગળ વધારી હતી.હુમલાની ઘટનાના ઘેર પડઘા પડતા ભૂગર્ભમાં સારી ગયેલા મુખ્ય આરોપીઓને ઝડપી લેવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.
સીજીએસટીની તપાસમાં પ્રાથમિક તબક્કે ૪.૫૦ કરોડની વેરાશાખ મેળવ્યાનુ ખુલ્યું
હાલારી ગ્રુપ પર સીજીએસટીએ તવાઈ વધારી છે અને કેસમાં સંલગ્ન જુદી જુદી ૧૩ પેઢીઓ બોગસ મળી આવતા ૪ ટીમ બનાવી સધન તપાસ ચાલી રહી છે, દરમિયાનમાં અગાઉ સિહોરની સોહમ એન્ટરપ્રાઇઝ અને નારી ચોકડીની તિરુપતિ એન્ટરપ્રાઇઝ નામની બે પેઢી બોગસ નીકળ્યા બાદ નારી ગામમાં ત્રીજી પેઢી એસ.એમ.એલ એન્જીનીયરીંગમાં તપાસ હાથ ધરતા આ પેઢીનું સંચાલન હાલારી ગ્રુપ દ્વારા બોગસ બીલિંગ માટે થતું હોવાનું અને ઓનરની સહમતી હોવાનું તપાસમાં ખુલ્યું હતું. હાલારી ગ્રુપના કેસમાં સીજીએસટીની તપાસમાં આજ સુધીમાં ૪.૫૦ કરોડની ખોટી વેરાશાખ મેળવાઈ હોવાનું તપાસમાં સાબીત થયું છે જયારે આંકડો કરોડોમાં હોવાનું અનુમાન છે. ભાવનગરમાં સીજીએસટીની સર્ચ ટીમ પર હુમલો થયા બાદ આ પ્રકરણ બહુચર્ચિત બન્યું છે અને ઉચ્ચસ્તરે ઘેરા પડઘા પડ્યા છે, આ પગલે જીએસટી કમિશનર આજે ભાવનગર મુલાકાતે આવવાના હતા પરંતુ કોઈ કારણોસર તેમની આજની મુલાકાત રદ્દ થઈ હતી.
જોકે, સીજીએસટી તંત્રએ હાલારી ગ્રુપના અમદાવાદ, સુરત અને મુંબઈના ઠેકાણાઓ પર સંયુક્ત દરોડા હાથ ધર્યા છે.

Previous articleભાવનગરમાં આજે એક સાથે ૨૭ કોરોનાનો નવા કેસ નોંધાયા
Next articleશહેરમાં ઠેર ઠેર કાદવ કીચડ : મચ્છરનો ઉપદ્રવ, રોગચાળાની દહેશત