દેશમાં મફતની રેવડી વહેંચીને મત મેળવવાનો પ્રયાસ થાય છે : મોદી

4

વડાપ્રધાને બુંદેલખંડ એક્સપ્રેસ-વેનું ઉદ્‌ઘાટન કર્યું : આ રેવડી કલ્ચર દેશના વિકાસ માટે ઘણું જ ઘાતક, આ કલ્ચરવાળા તમારા માટે ક્યારેય નવા એક્સપ્રેસ વે બનાવશે નહીં : વડાપ્રધાનના આકરા પ્રહાર
નવી દિલ્હી, તા.૧૬
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે બુંદેલખંડ એક્સપ્રેસ-વેનું ઉદ્દઘાટન કર્યું છે. આ દરમિયાન તેમણે કહ્યું હતું કે, આપણા દેશમાં મફતની રેવડી વહેંચીને વોટ મેળવવાનું કલ્ચર લાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. આ રેવડી કલ્ચર દેશના વિકાસ માટે ઘણું જ ઘાતક છે. આ રેવડી કલ્ચરથી દેશના લોકોએ સાવધ રહેવાની જરૂર છે. રેવડી કલ્ચરવાળા તમારા માટે ક્યારેય નવા એક્સપ્રેસ વે બનાવશે નહીં, નવા એરપોર્ટ કે ડિફેન્સ કોરિડોર નહીં બનાવે. રેવડી કલ્ચરવાળાઓને લાગે છે કે જનતા જનાર્દનને મફતની રેવડી વહેંચીને તેમને ખરીદી લેશે. આપણે સાથે મળીને આ વિચારધારને હરાવવાની છે, રેવડી કલ્ચરને દેશની રાજનીતિથી હટાવવાની છે. ઉત્તર પ્રદેશના વિકાસ અંગે બોલતા તેમણે કહ્યું હતું કે, જે ઉત્તર પ્રદેશમાં સરયુ નહેર પરિયોજનાને પૂરા થવામાં ૪૦ વર્ષ લાગ્યા, જે યુપીમાં ગોરખપુર ફર્ટિલાઈઝર પ્લાન્ટ ૩૦ વર્ષથી બંધ પડ્યો હતો, જે યુપીમાં અર્જુન ડેમ પરિયોજનાને પૂરા થવામાં ૧૨ વર્ષ લાગ્યા, જે યુપીમાં અમેઠી રાયફલ કારખાનું ફક્ત એક બોર્ડ લગાવીને પડી રહ્યું હતું, જે યુપીમાં રાયબરેલી રેલ કોચ ફેક્ટરી ફક્ત ડબ્બાને રંગવાનું કામ કરી રહી હતી, તે યુપીમાં હવે ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર એટલું ગંભીરતાથી કામ થઈ રહ્યું છે કે તેણે સારા-સારા રાજ્યોને પાછળ રાખી દીધા છે. વડાપ્રધાને જણાવ્યું હતું કે, જે ધરતી પર અગણિત શૂરવીરો જન્મ્યા. જ્યાંના લોહીમાં ભારતભક્તિ વહે છે. જ્યાં દીકરા-દીકરીઓના પરાક્રમ અને પરિશ્રમે હંમેશા દેશનું નામ રોશન કર્યું છે. તે બુંદેલખંડની ધરતીને આજે એક્સપ્રેસ વેની આ ભેંટ આપીને મને ખુશી થઈ રહી છે. હું બુંદેલખંડના લોકોને અભિનંદન પાઠવું છું. બુંદેલખંડ એક્સપ્રેસ વેથી ચિત્રકૂટથી દિલ્હીનું અંતર ત્રણથી ચાર કલાક ઓછું થઈ ગયું છે. પરંતુ તેના લાભ તેનાથી પણ વધારે છે. આ એક્સપ્રેસ વે ફક્ત વાહનોને જ ગતિ નહીં આપે પરંતુ સમગ્ર બુંદેલખંડની ઔદ્યોગિક પ્રગતિને ગતિ આપશે.

Previous articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે
Next articleદેશમાં છેલ્લા ૨૪ કલાકમાં ૨૦,૦૪૪ નવા કેસ નોંધાયા