વરસો પહેલાં દૂરદર્શન ( વાસ્તવમાં એ ક્રૂરદર્શન હતું .
કોઇ મહાનુભાવનું અવસાન થાય તો સાત સાત દિવસ તંબુરાવાદનના બોરિયત કાર્યક્રમ ચોવીસ કલાક ચલાવતા. મૃતકના ઘરે ડોમીનોઝ પિત્ઝા આરોગતા હોય અને બિટલ્સ-માઇકલ જેકશનના મ્યુઝિક વાગતા હશે આપણા ડ્રોઇંગરૂમમાં સફેદ સાડલાવાળી ન્યુઝ એન્કરો અને શકોરા જેવા શકોરા વાદન માથા પર મારતા હતા. કપાસની ખેતીમાં કિટકોનો નાશ કરવાના રસાયણોની ગંધથી નાક ભરાઇ જતા ,એ નફામાં!! દુરદર્શન લેટ નાઇટ એડલ્ટ ફિલ્મો દેખાડવાના નામે બધાને જગાડે. પછી રાતના બે વાગ્યે નિરાશ રસિકજનોની ગાળો ખાતું હતું. અલબત , રવિવારે પ્રસારિત રંગોળી કે શુક્રવારે આવતા ચિત્રાહાર રણમાં મીઠી વિરડી સમાન હતા. તમસ, નુકકડ, યહ જો હૈ જીંદગી, માલગુડી ડેઝ વગેરે કાર્યક્રમો નિર્વિવાદ બેસ્ટ હતા!!
દૂરદર્શન પર વિક્રમ ઔર વૈતાલ નામે સિરિયલ આવતી હતી. જેમાં વિક્રમ રાજા વૃક્ષ પરથી વૈતાલનું મડદું ખભે નાંખી ચાલતા હોય, વૈતાલ એક કે બાદ એક વાર્તા કરે. વિક્રમે મૌન રહેવાનું હોય તેવી શરત હોય. વાર્તાના અંતે વૈતાલ એક કોયડો/ સવાલ રજૂ કરે અને કહે કે બોલ વિક્રમ જવાબ નહીં દે તો તું મરી જઇશ. વિક્રમ નાઇલાજે જવાબ આપે એટલે વૈતાલ બોલે ,” તું બોલા મૈં ચલા “ કહી વૃક્ષ પર લટકી જાય!!!
સવાલ એ થાય કે વિક્રમ રાજાને કોઇ કામ ધંધો નહીં હોય, દરબાર ભરવાનો, રુકકા પર દસ્તખત કરવા, કાલિદાસ કવિ સાથે વિધ્યા વ્યાસંગ કરવા, મૃગયા ખેલવા કે રાણી-મહારાણી સાથે પ્રણયકેલિ કરવાના કામો નહીં હોય કે આ ભરડ્યા સ્મશાનમાં અને નાતાલનું મડદુ ખભે નાંખી વૈતાલની વાર્તા સાંભળી, જવાબ આપતાં જ વૈતાલ ઉડીને વૃક્ષે લટકી જાય એટલે મેં વકાસી બુધ્ધુ બન્યાનો અહેસાસ કરવાનો? આ કાંઇ સારા રાજાના લક્ષણ છે? રાજમાતા ખિજાતા નહીં હોય???
મડદું હલનચલન ન કરી શકે તો બોલવાની પતર કયાં ખાંડવાની ? મડદું કોઇ ષોડશીને આંખ મારે તો હોંબા થઇ જાય!! વૈતાલનુ્ ડેથ સર્ટિફિકેટ ઇસ્યુ કરનાર ડોકટરે ગોટાળા કર્યા હશે!??
એક ઝેન સાધુએ નદીમાં પાણી વધારે હોવાથી એક યુવતીને ખભે બેસાડી નદી પાર કરાવેલી. સાધુ એ ઘટના ત્યાં જ વિસરી ગયા. ચાર પાંચ દિવસ પછી તેના શિષ્યે આ ઘટના યાદ કરી અવઢવ રજૂ કરી. ઝેન સાધુએ કહ્યું કે તેમણે આ ઘટના વિસારી દીધી છે પણ તારા મગજમાંથી એ ધટના નીકળી નથી!!
સતી તોરલને જેસલના ઘરે મુકવા કોરલનો પતિ તોરલને તેના ખભે બેસાડીને લઇ ગયા હોવાની લોકમાન્ચતા છે.
આપણા મૂર્ધન્ય સાહિત્યકાર ચં.ચી. મહેતાએ તેની પત્ની જેને પસંદ કરતી હતી તેની સાથે જવાની પરમિશન આપી હતી. યોગાનુયોગે તેણી અવસાન પામી. પેલો મિત્ર રડતો હતો. ચં.ચી.એ તેને આશ્વાસન આપતા કહ્યું કે રડ નહીં હું બીજી વાર ( તારા લાભાર્થે)
લગ્ન કરવાનો છું . આને બ્લેક હ્યુમન કહેવાય!
અમે રામોજી રાવ ફિલ્મ સ્ટુડિયો જોવા ગયેલા. અમારા ગાઇડ તરીકે ટેકનિશ્યન કહેવાય તેવી વ્યકિત હતી. એમને મફતમાં સેલિબ્રિટી બની જતા એકટર માટે ભરપૂર નફરત હોય! એટલે ચેન્નાઇ એકલપ્રેસના શુંટિંગની વાત કરતા ભડાશ કાઢી કહેલું કે સામે જે પચાસ- સાંઠ પગથિયા છે તેની ઉપર આવેલા મંદિરે શાહરૂખખાન અને દીપિકાએ પહોંચવાનું હતું. સિનની સિચ્યુએશન મુજબ શાહરૂખખાન દીપિકાને ઉંચકીને ઉપર આવેલા મંદિર જવાનું હતું.
પેલા ટેકનિશ્યનના શબ્દોમાં “ શાહરૂખખાન બુઢ્ઢા હો ગયેલા ઔર દિપિકા મોટી(જાડી) હો ગયેલી.શાહરૂખ કેવલ ચાર પગથિયા ચડ પાયા . બાકી કા પગથિયા કેમેરા ટેકનિકથી શૂટ કરેલા .
આમ, તો લગ્ન કરો ત્યારથી પત્ની વૈતાલની જેમ તમારા ખભે અદ્રશ્ય રીતે તમારા ખભા પર સજજડબમ બેસી જાય છે. માનો કે ભોજરાજાના સિંહાસન પર બિરાજમાન ન થઇ હોય!!કદમને ક્યાંય આડાઅવળા થવા ન દે કે ચસકવા ન દે!!!
એક ભવ હોય તો સમજ્યા સાત ભવ જળોની જેમ સજજડબમ ચોંટી રહે. ઉખડવાનું નામ નહીં .
હમણા હેલસિંકી શહેરમાં લાઇફટાઇમ
પનોતી, સોરી પત્નીને ઉપાડીને સ્પર્ધા યોજાઇ હતી. જેમાં ૩૭ દંપતીઓએ ભાગ લીધા હતા.જેમાં એસ્ટોનિયાના ઇમર દંપતિ વિજયી થયેલ હતા.તેને ઇનામમાં ૧૫૦૦ ડોલર એટલે રૂપિયા ૧.૦૫ લાખ મળ્યા અને પત્નીના વજન જેટલો વાઇન મળ્યો.
રાજુ રદીને પણ આવી રેસમાં ભાગ લેવો છે પણ ખાટલે મોટી ખોટ એ છે કે પલંગમાં એ જમણી બાજુએથી ચડીને સુએ છે અને ડાબી બાજુએથી ઉતરે છે!!!
– ભરત વૈષ્ણવ