ભારતમાં વેક્સિનેશન ડ્રાઈવ ચાલી રહી છે, જેમાં દેશની અને વિદેશની રસીઓ અપાઈ : ૧૨ વર્ષથી ઉપરના નાગરિકોને રસી આપવામાં આવે છે
નવી દિલ્હી, તા.૧૭
ભારતે કોરોના વાયરસ સામે લડવા માટે શરુ કરેલા રસીકરણ અભિયાનમાં મોટું લક્ષ્ય પ્રાપ્ત કરી લીધું છે. દેશમાં કોરોના સામે લડવા માટે ૨૦૦ રસીના ડોઝનો આંકડો ૨૦૦ કરોડનો પાર થઈ ગયો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા રજૂ કરવામાં આવેલા આંકડા પ્રમાણે દેશના ૯૮% વયસ્ક લોકોએ ઓછામાં ઓછો રસીનો એક ડોઝ લઈ લીધો છે જ્યારે ૯૦ ટકા ફુલ વેક્સિનેટેડ થઈ ગયા છે. આંકડા દર્શાવે છે કે ૧૫થી ૧૮ વર્ષના બાળકોનું ૮૨% રસીકરણ (એક ડોઝ) થઈ ચુક્યું છે. આ ઉંમરના લોકો માટે ૩ જૂનથી રસીકરણ અભિયાન શરુ કરવામાં આવ્યું હતું, જેમાંથી ૬૮% એવા છે કે જેમણે રસીના બન્ને ડોઝ લઈ લીધા છે. ૧૨થી ૧૪ વર્ષના બાળકોમાં ૮૧ ટકાએ રસીનો પહેલો ડોઝ લીધો છે જ્યારે ૫૬% એવા છે કે જેમણે રસીના બન્ને ડોઝ લઈ લીધા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા પ્રમાણે કોરોના સામે લડવા માટે દેશમાં ચાલી રહેલા રસીકરણ અભિયાનમાંથી ૭૧% રસીકરણ ગામડાઓમાં થયું છે જ્યારે ૨૯% શહેરી રસીકરણ કેન્દ્રો પર થયું છે. જેમાંથી ૪૮.૫% મહિલાઓનું જ્યારે ૫૧.૫% રસીકરણ પુરુષોનું થયું છે. જ્યારે ૦.૦૨% રસીના ડોઝ ’અન્ય’ને આપવામાં આવ્યા છે. દેશમાં આંધ્રપ્રદેશ, આંદામાન અને નિકોબાર ટાપુ, જમ્મુ અને કાશ્મીર, હિમાચલ પ્રદેશ, લક્ષ્યદ્વીપ, ચંદીગઢ, તેલંગાણા અને ગોવામાં ૧૨થી મોટા તમામનું ૧૦૦ ટકા રસીકરણ થયું છે. રસીકરણના આંકડામાં સૌથી ટોપ પર આવતા પાંચ રાજ્યો આ પ્રમાણે છે – ઉત્તરપ્રદેશ (૧૩,૪૧,૯૩,૬૪૧), મહારાષ્ટ્ર (૧૭,૦૫,૫૯,૪૪૭), પશ્ચિમ બંગાળ (૧૪,૪૦,૩૩,૭૯૪), બિહાર (૧૩,૯૮,૫૨,૦૪૨) અને મધ્યપ્રદેશ (૧૨,૧૩,૧૫,૯૧૧)નો સમાવેશ થાય છે, આ આંકડા રવિવારે સવારે ૭ વાગ્યા સુધીના છે. રસી માટે સક્ષમ તમામ ઉંમરના નાગરિકોમાં ૫,૬૩,૬૭,૮૮૮ લોકોને બૂસ્ટર ડોઝ પણ આપવામાં આવ્યા છે. ભારતમાં કોરોનાના રસીકરણ અભિયાનમાં ૧૦૦ કરોડ ડોઝનો આંકડો પાછલા વર્ષે ૨૧ ઓક્ટોબરે થયો હતો, અને ૧૫૦ કરોડનો આંકડો આ વર્ષે ૭ જાન્યુઆરીએ થયો હતો. દેશમાં કોરોના સામેની જંગમાં નાગરિકોને સુરક્ષિત બનાવવા માટે ૧૬ જાન્યુઆરી ૨૦૨૧માં રસીકરણ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો, જેમાં સૌથી પહેલા હેલ્થકેર વર્કર્સને રસી આપવાની શરુઆત કરવામાં આવી હતી. આ પછી બીજા ફેઝમાં ૧ માર્ચ ૨૦૨૧થી ૬૦ વર્ષથી ઉપરના અને ૪૫ વર્ષથી વધુ વયના કે જેઓ ગંભીર બીમારીઓથી પીડાય છે તેમને રસીના ડોઝ આપવાની શરુઆત કરવામાં આવી હતી. ચાલુ વર્ષે ૩ જાન્યુઆરીથી ૧૫-૧૮ વર્ષની વયના લોકોને રસી આપવાની શરુઆત કરવામાં આવી હતી. ભારતમાં બૂસ્ટર ડોઝ આપવાની શરુઆત ફ્રન્ટ લાઈન વર્કર્સ અને ૬૦ વર્ષથી ઉપરની ઉંમરના લોકોને ૧૦ જાન્યુઆરીથી કરાઈ હતી. ૧૨થી ૧૪ વર્ષના બાળકોને રસી આપવાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ સાથે ૬૦ વર્ષની ઉપરના અને ૪૫ વર્ષથી મોટા કે જેઓ ગંભીર બીમારીઓથી પીડાય છે તેમને બૂસ્ટર ડોઝ આપવાની શરુઆત કરાઈ હતી.